BARDOLI KARYKRAM PHOTOS 1

રાજય સરકારે ખેડૂતોને ગ્લોબલ ફાર્મર બનાવવાનું ધ્યેય રાખ્યું છે:મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમાર

આત્મ નિર્ભર

બારડોલી ખાતે પલસાણા, મહુવા અને બારડોલી તાલુકાના ખેડુતોને ૧૭ ખેડૂતોને રૂા. આઠ લાખની સહાયના મંજુરીપત્રો અર્પણ કરાયા-૩૬૬ ખેડૂતોને તબક્કાવાર લાભાન્વિત કરાશે.

રાજય સરકારે ખેડૂતોને ગ્લોબલ ફાર્મર બનાવવાનું ધ્યેય રાખ્યું છે.
–સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમાર

અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત

સુરત, ૧૦ સપ્ટેમ્બર: ખેડુતોની આવક બમણી કરવાના લક્ષ્યને સાકાર કરવા રાજ્ય સરકારના આત્મનિર્ભર પેકેજ અંતર્ગત ‘સાત પગલા ખેડુત કલ્યાણના’ હેઠળ બારડોલી ખાતે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના અને કિસાન પરિવહન યોજના હેઠળ બારડોલી,પલસાણા અને મહુવા તાલુકાના ૧૭ ખેડુતે લાભાર્થીઓને રૂા. આઠ લાખના મંજુરી હુકમો સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. આ યોજના હેઠળ ૩૬૬ ખેડૂતોને તબક્કાવાર લાભાન્વિત કરાશે.

બારડોલી નગરપાલિકાના સરદાર ટાઉન હોલ ખાતે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત કાર્યક્રમમાં મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું હતું કે, કૃષિ અને ઋષિ સંસ્કૃતિથી ઓળખાતા ભારત દેશમાં ધરતીને માતા અને ખેડૂતને જગત-તાત ગણવામાં આવે છે. ખેડુતોના સર્વાંગી વિકાસ માટે ‘સાત પગલા ખેડુત કલ્યાણના’ સૂત્રને સાચા અર્થમાં સાકાર કરવા રાજ્ય સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે. રાજ્યના ખેડૂતો પાસેથી પાક વીમા કંપનીઓ દ્વારા મોટી રકમ લેવા છતાં પણ પાક વીમા ચૂકવવાના મોટા પ્રશ્નો ઊભા થતા હતા. ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં નિર્ણય કરીને પાક વીમાની રકમમાંથી મુક્તિ આપીને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જાહેર કરી છે. જેમાં રાજ્યના તમામ ખેડૂતોએ એક પણ રૂપિયાનું પ્રીમિયમ ભર્યા સિવાય ખરીફ પાક વખતે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ અને માવઠું-કમોસમી વરસાદની સ્થિતિમાં પાક વીમાની રકમ ચૂકવવાની જોગવાઈ કરવામાં આવી છે. જેના માટે રાજ્ય સરકારે ચાલુ વર્ષે રૂપિયા ૨૦૦૦ કરોડની જોગવાઇ કરી છે.

તેમણે કહ્યું હતું કે, રાજ્ય સરકારે ખેડૂતો માટેની ખેડૂત કલ્યાણના સાત પગલા લઈને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માટે ગાયનો નિભાવ ખર્ચ, કૃષિ ઉત્પાદનોના પરિવહન માટે મીડિયમ સાઈઝના ગુડ્ઝ કેરિયર વાહન સહાય, ટુલ કીટ સહાય, ફળ,શાકભાજીનું છૂટક વેચાણ કરીને ગુજરાન ચલાવતા ખેડૂતો માટે ઠંડી, ગરમી અને વરસાદથી રક્ષણ આપવા માટે વિનામૂલ્યે છત્રી, કોમ્યુનિટી ભૂગર્ભ ટાંકા, પાક સંગ્રહ માટે ગોડાઉન બનાવવા જેવી અનેકવિધ સહાય આપીને ખેડૂતોને ગ્લોબલ ફાર્મર બનાવવાનું ધ્યેય રાખ્યું છે.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન સુરત જિલ્લાના ૪૬ હજારથી વધુ ખેડૂતોને રૂ. ૧૭૬૦ કરોડની કૃષિ યોજનાકીય સહાય આપી છે. જ્યારે જિલ્લા પંચાયતની સ્વભંડોળ યોજના હેઠળ ૧૭૦૦ થી વધુ ખેડૂતોને રૂ. ૧.૨૦ કરોડની સહાય ચૂકવાઈ છે. કમોસમી વરસાદથી થયેલાં પાકની નુકસાનીના વળતર પેટે સુરતના ૬૫ હજાર જેટલા ખેડૂતોને રૂ.૬૩ કરોડની સહાય ચૂકવવામાં આવી છે. આ અવસરે ગાંધીનગરથી ઈ-માધ્યમથી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ખેડુતોને સંબોધી યોજનાઓનો લાભ લઈ ખેત જીવનધોરણને વધુ ઉન્નત બનાવવાની પ્રેરણા આપી હતી.

કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ. કે. કોયાએ સ્વાગત પ્રવચન કરતાં સાત પગલાંરૂપી ખેતીવાડી, બાગાયત અને આત્મા પ્રોજેકટની સાત યોજનાઓ વિશે પ્રાથમિક જાણકારી આપી હતી, અને તેનો લાભ લઈ ખેડૂતો તેમની ખેતીને વધુ વિકસિત અને પ્રગતિના પંથે લઈ જાય એવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડીયા, તાલુકા પંચાયત પ્રમુખ રમીલાબેન રાઠોડ, જિલ્લા ખેતીવાડી અધિકારી એન.જી. ગામીત, સુરતના આત્મા પ્રોજેકટ ડાયરેક્ટર એન. કે. ગાબાણી, મદદનીશ ખેતી નિયામક અજય પટેલ અગ્રણી ભાવેશભાઈ પટેલ, મામલતદાર જિજ્ઞાબેન પરમાર,  સહિત લાભાર્થી ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતા.

ખેતી ઉપજને બજાર સુધી પહોંચાડવા સરળ બનશે – તન્વીરભાઇ પટેલ

પલસાણા તાલુકાના અંત્રોલી ગામના ખેડૂત શ્રી તન્વીરભાઈ સૂર્યકાન્તભાઈ પટેલને ગુડ્ઝ કેરેજ વાહન ટાટા ઇન્ટ્રા માટે રૂપિયા પચાસ હજારની સહાય આપવામાં આવી છે. યોજનાનો લાભ મેળવી તન્વીરભાઈ અતિ પ્રસન્ન છે. હર્ષ વ્યક્ત કરતાં તેઓ જણાવે છે કે, કિસાન પરિવહન યોજના મારા માટે આશીર્વાદરૂપ સાબિત થઇ છે. પહેલા ગુડ્ઝ કેરિયર વાહન ન હોવાને લીધે કૃષિ ઉત્પાદનની હેર-ફેર મારા માટે મુશ્કેલભર્યું કામ હતું. પરંતુ હવે ગુડ્ઝ કેરિયર વડે ઉત્પાદનનું સરળતાથી અને સુરક્ષિત રીતે પરિવહન થઇ બજાર સુધી લઇ જવાશે. મારા જીવનધોરણને ઉચું લાવવામાં સરકારની આ મદદ ખુબ ઉપયોગકારક નીવડશે. રાજય સરકારનો આભાર વ્યકત કરૂં છું.
પાક સંરક્ષણ માટે સ્ટોરેજ ઉપયોગી બનશે- દક્ષાબેન હળપતિ
બારડોલીના સમથાણ ગામના શ્રીમતી દક્ષાબેન હળપતિને પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના હેઠળ સહાય મળી છે. તેઓ જણાવે છે કે, પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના હેઠળ મેળવેલી સહાય વડે પાકનો સંગ્રહ કરવા માટે સ્ટોરેજ બનાવી શકીશું. સંગ્રહ કરેલું ઉત્પાદન કમોસમી નુકસાનથી બચી શકશે અને તેની ગુણવત્તા જળવાઈ રહેશે. ખેડૂત માટે તેનો પાક સર્વસ્વ હોય છે અને તેની સંભાળ માટે કાળજી રાખવી પડતી હોય છે. રાજ્ય સરકારની સહાય વડે ગરીબ ખેડૂતો પાકની જાળવણી સારી રીતે કરી શકશે. સરકારનો ધન્યવાદ માનીએ એટલો ઓછો છે.

loading…