Antim Yatra 1

“એક વાત મહાત્માની” અંક ૨ : અંતિમયાત્રા

Antim Yatra

આઝાદ ભારતનાં ઈતિહાસમાં કદાચ પહેલી વાર પંદર લાખની સંખ્યામાં રોડ-રસ્તા પર લોકો એકઠા થયા હતા અને એ પણ કોઈ જુલુસ કે જલસા માટે નહિ પરતું એક અતિમ દર્શન માટે, અતિમ દર્શન એ વ્યક્તિના જેને એમને આઝાદી આપવી. મહાત્મા ગાંધીના દર્શન બની શકે એટલા વધુમાં વધુ લોકોને થાય એમાટે એક ૧૫ હન્દ્રવેટની રણગાડી પર બાજટ ગોઠવી તેના ઉપર નનામી રાખવામાં આવી જેથી સૌ કોઈ જોઈ શકે. એ વાહનને ભારતનાં ૨૦૦ જેટલા સાહસિક જવાનોએ દોરડા દ્વારા ખેચવાના હતા.વાહન પર પંડીત જવાહરલાલ નેહરુ, સરદાર પટેલ અને બીજા કેટલાક નેતાઓ અને ગાંધીજીનાં કેટલાક જુવાન અંતેવાસીઓ બેઠા. નવી દિલ્હીનાં લાખોની ભીડથી ભરેલા રોડ વચ્ચેથી ધીમે ધીમે આગળ વધી રહેલી સ્મશાનયાત્રામાં લોકો દર્શનની એક ઝલક માટે કલાકોથી ઉભા હતા. ચાર કલાક અને ૨૦ મીનીટે યાત્રા જમાના કિનારે પોહચી. મહાત્માની કમકમાટીભર્યા સમાચાર અને તેમના મૃતદેહને જોઈ વાતાવરણ આખું અચંબિત હતું સાથોસાથ વાતાવરણમાં “મહાત્મા ગાંધી કી જય”ની જયઘોષ અવિરત પણે ચાલુ હતો. તમામ ધર્મનાં હિંદુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી લોકો ગાંધીજીની અંતિમયાત્રામાં જોડાયા હતા. જ્યારેજ મંત્રોચ્ચાર પણ મેદનીમાંથી સાંભળતો હતો. સ્મશાનયાત્રાનાં માર્ગ પર ત્રણ જેટલા ડેકોટા વિમાન નીચે આવીને ગુલાબની પાંખડીઓનો વરસાદ વરસાવતા હતા.

Hiren Banker
હિરેન બેન્કર,
પીએચડી રિસર્ચ સ્કોલર.અમદાવાદ

ગવર્નર જનરલ માઉન્ટ બેટનનાં અંગરક્ષક ટુકડીનાં લાલ અને સફેદ ઝંડીઓ ફરકાવતા ભલાધારી સવારો વ્યવસ્થામાં જોડાયા હતા. ભારતનાં ચાર હજાર જેટલા લશ્કરી સૈનિકો, એક હજાર હવાઈ સૈનિકો, અને એક હજાર પોલીસનાં જવાનો પોતાના યુનિફોર્મનાં પોશાકમાં શબવાહિનીની પાછળ અદબભેર લશ્કરી ઢબે ચાલી રહ્યા હતા. મેજર જનરલ રોચ બુશરએ સમગ્ર સ્મશાનયાત્રાનું સંચાલન કર્યું હતું જે અંગ્રેજ હતા અને ભારત સરકારે પોતાનીસેનાનાં પ્રથમ સેનાપતિ તરીકે નીમણુંક કરી હતી. એક બાજુ સફેદ દૂધ જેવા વહેતા યમુનાનાં નીર અને બીજી બાજુ સફેદ વસ્ત્રોમાં સ્ત્રી-પુરુષઓ અને માથે ટોપીથી સફેદ રંગ આંખે વળગતો હતો, યમુના નદીથી સો એક ફૂટ દુર પથ્થરનો આઠ ફૂટ લાંબો અને પહોળો, બે ફૂટ ઉંચો ઓટલો બાંધવામાં આવ્યો હતો. ગાંધીજીનાં શબને ઉત્તર તરફ માથું અને દક્ષીણ તરફ પગ રહે તે રીતે ચંદનકાષ્ઠની ચિતા પર રાખવા આવ્યા. કહેવાય છે ભગવાન બુદ્ધને પણ આજ અવસ્થામાં પ્રાણત્યાગ કર્યો હતો.

ગાંધીજીની ચિતાને રામદાસે અગ્નિ આપ્યો. જેમ જેમ જ્વાળાઓ ભભૂકવા લાગી તેમ તેમ જનમેદનીમાં ધ્રુશ્કરા વધી રહ્યા હતા. મેદની ચિતા તરફ વધવા માડી સૈનિકોએ કરેલી ઘેરાબંદી તૂટી ગઈ. શોકમગ્ન બનેલા લોકો પોતાની કામગીરી અંગે સભાન હોય તેમ લાગતું ન હતું. ચંદનનાં લાકડા અને ઇંધણથી જ્વાળાઓ પ્રબળ બનતી ગઈ વાતાવરણમાં સપૂર્ણ શાંતિ ફેલાઈ ગઈ. ગાંધીજીનો દેહ પંચમહાભૂતમાં વિલીન થઇ રહ્યો હતો. ચૌદ કલાક ચાલેલી ચિતા સાથે સાથે ભજનો અને ગીતાના પાઠ ચાલુ જ રહ્યા હતા. સત્યાવીસ કલાક પછી ચિતા ઠંડી પડતા. સરકારી અધિકારીઓ, પંડિતો અને સ્વજનો ચિતાની ફરતે કરેલા વાડમાંથી પસાર થઇ ચિતામાંથી અસ્થિઓ એકત્ર કર્યા રાખને ધ્યાનથી ભાવપૂર્વક ખાદીની થેલીમાં ભરવામાં આવી. રાખમાંથી એક ગોળી નીકળી. અસ્થિઓ પર યમુનાનું પાણી નાખીને તાંબાના પાત્ર મૂકી રામદાસે પાત્રનાં ગળા પર ફૂલોની માળા પહેરાવીને ગુલાબના ફૂલો અને પાંખડીઓથી ભરેલા ટોપલામાં પાત્ર મુકીને બિરલા ભવન લઇ જવાયુ.

મહાત્મા ગાંધીની ચિતા માંથી નીકળેલી “રાખ”, “ભસ્મ”ની માંગ વિશ્વનાં છ ખંડોમાંથી કરવામાં આવી પરતું સ્વજનો અને અંતેવાસીઓએ તેનો અસ્વીકાર કર્યો. તેમ છતાં ગાંધીજીની કેટલીક ભસ્મને તિબેટ, શ્રીલંકા, મલાયા મોકલવામાં આવી. મોટાભાગની ભસ્મને હિંદુ રીવાજ પ્રમાણે ૧૪માં દિવસે સમગ્ર ભારતભરની નદીઓમાં પધરાવવામાં આવી. રાજ્યના મુખ્યપ્રધાનો, અધિકારીઓ દ્વારા પ્રાંતનાં મુખ્યકેન્દ્રોએ મોકલી નદી કે સમુદ્રમાં વિસર્જન કરાવવામાં આવ્યું તે વખતે પણ ખુબ મોટી સંખ્યામાં માનવમેદની ભાવપૂર્વક ઉમટી હતી. ૧૧ ફેબ્રુઆરીનાં રોજ સવારે ચાર વાગે દિલ્હીથી પાંચ ડબ્બાનીએક ખાસ ગાડી અલ્હાબાદ પ્રયાગ ખાતે રવાના થઇ મુખ્ય સંસ્કાર અસ્થિવિસર્જન કાર્ય પ્રયાગમાં ત્રિવેણીસંગમ ખાતે કરવામાં આવનાર હતું. વર્ગ-ત્રીજામાં હંમેશા સફર કરતા મહાત્મા ગાંધીજીના અસ્થિઓને પણ ત્રીજા વર્ગની બોગીમાં આભા,મનુ, ડૉ,સુશીલ નૈયર, પ્યારેલાલ અને અન્ય અંતેવાસીઓના ધ્યાન હેઠળ રાખવામાં આવ્યું. દિલ્હીથી પ્રયાગના દરમિયાન ગાડી આગિયાર વખત ઉભી રહી અને તમામ જગ્યાએ લાખો ભારતવાસીઓ ભાવ, પ્રેમ અને શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરી, હાર ફૂલો પણ ચઢાવ્યા,

ઉતરપ્રદેશનાં રાજ્યપાલ શ્રીમતી સરોજીની નાયડુ, મૌલાના અબુલ કલામ આઝાદ, રામદાસ ગાંધી, સરદાર પટેલ પાલખીમાં મુકેલું “ અસ્થિપાત્ર”  જે મોટરટ્રકમાં હતું તેમાં બેઠા હતા. પંડિત જવાહરલાલ નેહરુ પગપાળા સાથે ચાલી રહ્યા હતા. નદી કિનારે પોહોચતા એક ડક ગાડી જે જમીન અને પાણી પર ચાલી તે ગાડી દ્વારા ગાંધીજીનાં અસ્થિઓને માધ્યમાં લઇ જવામાં આવ્યો. લાખો લોકો એક વાર સ્પર્શ કરવા પાણીમાં આગળ વધી રહ્યા હતા. ઘડો ઊંધો વાળવામાં આવ્યો. જેમાંથી ભસ્મ અને અસ્થિઓ પાણીમાં પડ્યા સાથેજ અલ્હાબાદ કિલ્લાથી તોપોની સલામી અપાઈ. ભસ્મ અને અસ્થિઓના ટુકડા વહેણની સાથે સમુદ્રના તરફ જવા લાગ્યા.

ઈતિહાસમાં ક્યારેય કોઈ માટે આટલી ઊંડી શોકની લાગણી વ્યાપી કે વ્યક્ત થઇ નથી. ગાંધીજીનાં મૃત્યુથી આખો દેશ શોકમાં ગમગીન હોતો. ત્રણ ગોળીઓ ગાંધીજીનાં શરીર પર નહિ ભારતની આત્મા પર વાગ્યાનો અનુભવ હતો અને એ પણ પોતાના જ દેશવાસી-સહધર્મી દ્વારા આ પ્રકારનું કૃત્ય આચરવામાં આવ્ય હતું. સમગ્ર વિશ્વમાંથી દિલસોજીનાં ૩૩૪૧ જેટલા સંદેશા મળ્યા હતા. આલ્બર્ટ આઇન્સ્ટાઇનને કહ્યું હતું કે ગાંધીજીએ બતાવી આપ્યું કે માત્ર પ્રચલિત રાજનૈતિક ચાલબાજીઓ, ધોકાબાજીઓ કે જુઠ્ઠાણાથી જ નહિ, પરતું જીવનના નૈતિકતાપૂર્ણ શ્રેષ્ઠ આચરણ પ્રબળ ઉદાહરણ દ્વારા બળવાન અનુયાયી દળ રચી શકાય છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘની સલામતી સમિતિની બેઠકનું કામકાજ મોકૂફ રાખવામાં આવ્યું અને સદગત આત્માને શ્રદ્ધાંજલિ અર્પી.સંયુક્ત રાષ્ટ્ર સસ્થાએ પોતાનો ધ્વજ નમાવ્યો, માનવતાની પતાકા ગાંધીજી સામે ઝુકી. જાણીતી અમેરિકન લેખિકા પર્લ એસ.બકે ગાંધીજીનાં મૃત્યુને ઇસુ વધ સમાન ગણાવ્યું.  (ડિસ્કલેમર:આ લેખકનું પોતાના વિચાર છે.)

Reference: લુઇ ફિશર, સોમાભાઈ પટેલ, મગનભાઈ નાયક લિખિત પુસ્તક અને ગાંધી સાહિત્ય.

ક્લિક કરો અને આગણ વાંચો…અંક . યુવાન ગાંધી  

loading…