Ek vaat Mahatma Ni Part 13

“એક વાત મહાત્માની” અંક ૧૩: ત્રિપુટી

Hiren Banker
હિરેન બેન્કર
પીએચડી રિસર્ચ સ્કોલર.અમદાવાદ
Ek vaat Mahatma Ni Part 13

આઝાદી માટેની ચળવળમાં દિગ્ગજ મહાનુભાવોએ પોતાનો જીવ રેડયો છે.  દરેક સ્વાતંત્ર સંગ્રામનાં સેનાનીઓ ભારત ઘડતરમાં પોત પોતાના શ્રેત્રમાં ઉમદા યોગદાન આપ્યું જેના મીઠા ફળ આજની પેઢી ચાખી રહી છે. તેમ છતાં સ્વતંત્રતાની આ ચળવળમાં લાખો ચળવળકારો અને એક “ત્રિપુટી”ની સહિયારી મહેનત અને કામગીરીને કારણે હિન્દુસ્તાનને એક જૂથ કરીને “આઝાદ ભારત”માં રૂપાંતરિત કર્યું હતું. જે બંધારણે ભારતનાં એક તાંતણે બાંધી રાખ્યા છે એનાં નિર્માણમાં ડૉ. બાબા સાહેબબ આંબેડકરજી કાયદામંત્રી સાથે બંધારણ મુસદ્દા સમિતિનાં અધ્યક્ષ પદે રાખવાનાં નેહરુજીનાં નિર્ણયથી ભારતનું બંધારણ સમ્રગ વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ બંધારણની શ્રેણીમાં સ્થાન મેળવે છે. ગાંધીજી–નેહરુ–સરદારની “ત્રિપુટી”એ ભારતને ઘણી સામાજિક-રાજકીય મુશ્કેલીઓ-તકલીફોને સાથે મળીને બખૂબી રીતે પાર પાડી હતી.

ગાંધીજીની સરદાર અને નેહરુ બન્ને પ્રત્યે અપાર સ્નેહ અને પ્રેમ રહ્યો હતો જે અવારનવાર જુદા જુદા પ્રસંગોમાં જોવા મળ્યો છે. યરવડાની જેલ ગાંધીજીને કોઈ લેખ લખવાની અને મુલાકતો કરવાની પરવાનગી ન હતી આ વિરુદ્ધ તેમને ઉપવાસ કર્યા અંતે ૨૩ મેં ૧૯૩૩માં ગાંધજીને છોડવામાં આવ્યા. જેથી તેમને વલ્લભભાઇને પત્ર લખતા કહ્યું કે “યરવડા મંદિરમાં હું તો તમારી માળા જપતો હતો એમ કહી શકું છું. તમને અનેક પ્રસંગો અમે બહુ સંભારતા. તમારા ફતવાઓની ગેરહાજરી સાલતી હતી.” આમ ગાંધીજી એ “સરદારની માળા જપતો હતો” જેવા શબ્દોનાં ઉલ્લેખથી તેમનાં પ્રત્યેની અપાર પ્રીતિને જાહેર કરી હતી. અન્ય પત્રોમાં તો વલ્લભભાઇની તબિયત સાથે ખાવાપીવાની ચિંતા કરતા પણ જણાય છે એક પત્રમાં એમને લખ્યું છે કે “તમારું વજન કેટલું રહે છે? શું ખવાય છે ? દહીં દુધ કેટલા? કઈ મોકલું? માગ્યા વગર માય ન પીરસે ને વળી મારા જેવી મા નું પૂછવું જ શું ?“ આ પ્રકારનાં અનેક બનાવો દ્રષ્ટાંતરૂપ છે કે સરદાર અને ગાંધીજી એકબીજા સાથે કેટલા આત્મીયતા સાથે જોડાયેલા હતા.

ગાંધીજીએ પોતે લખેલા પત્રોમાં સરદાર અને પોતાના સંબધોને એકલવ્ય અને દ્રોણાચાર્ય સાથે જોડ્યા છે જેમાં પોતાને એકલવ્ય અને સરદારએને દ્રોણાચાર્યની બિરુદ આપ્યું છે. એક પત્રમાં લખતા કહ્યું છે કે “હું રોજ પાર્થેશ્વર ચિંતામણી રચું છું.ને તેને પૂછી લઉં છું.” પત્રમાં લખ્યું કે “ તેણે મોટર વેચી નાખવા માંગી. પછી ઠક્કરબાપાનો તાર આવ્યો કે તે વેચી દેવા તૈયાર છે એટલે મેં રજા આપી છે, હું કઈ સમજ્યો તો નથી, આવી બાબતોમાં મારો બધો આધાર જે કહો તે તમે. એટલે હું તો પેલા એકલવ્યની જેમ ઘણી વાર કરું છું. એકલવ્ય દ્રોણાચાર્યનું માટીનું પુતળું બનાવીને પુતળા પાસેથી જ્ઞાન પામતો અર્જુન સમોવડો બન્યો. હું માનસિક પ્રતિમા બનાવી લઉં છું અને તેને પૂછું છું આમાં તેમે રજા આપવાનું કહો માનીને મેં રજાનો તાર મોકલ્યો છે.” સરદાર વલ્લભભાઈને ગાંધીજીએ પોતાના “હૃદય” તરીકે પણ સંબોધન કર્યા છે. 

ઓક્ટોબર ૧૯૫૦એ નિધનના માંડ અઢી મહિના પૂર્વે, સરદારે ‘કસ્તૂરબા ગ્રામ’નો શિલાન્યાસ કરતાં કહ્યું હતું “બાપુએ એક મરેલા દેશને સજીવન કરેલો. બાએ એમાં સાથ આપેલો. એ બંનેની સ્મૃતિનાં ચિત્રો સતત આપણી નજર સક્ષમ રહેવાં જોઈએ. આપણે તો ભૂલો પણ કરીએ, પણ એ બંને આપણો જવાબ સાંભળવા હાજરાહજૂર રહેશે.” “અમે સૌ એમના લશ્કરના સૈનિકો હતા. મારો ઉલેખ ભારતના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર તરીકે થતો રહ્યો છે, પણ હું મારી જાતને ક્યારેય આ રીતે ઓળખતો નથી.” “બાપુના હુકમનો અમલ કરવાની બાપુના સૈનિકોની ફરજ છે. જે કોઈ વ્યક્તિ પૂરા દિલથી બાપુના આદેશના મર્મને અનુસરશે નહીં તે ઇશ્વરનો ગુનેગાર બનશે.” આ શબ્દો બાપુ માટે સરદાર વલ્લભભાઈનાં હતા જે એકબીજા માટેની આત્મીયતા સાથે ગાઢ સંબધોને પ્રસ્તુત કરે છે.

ગાંધીજી અને નહેરુ પણ એકબીજા સાથે ખુબ જ આત્મીયતા સાથ જોડાયેલા હતા આ ત્રણેય મહાનુભાવો એકબીજાનાં ગાઢ સંબધો ઘણી જગ્યાએ પ્રસ્તુત જોવા મળે છે. જવાહરલાલ નેહરુની મુલાકાત ૧૯૧૬માં ક્રિસમસની રજાઓ દરમિયાન થઇ હતી. આ સમયે નહેરુની ઉંમર માત્ર ૨૭ વર્ષની હતી જયારે મહાત્મા ગાંધીજી ૪૭ વર્ષના હતા. મોતીલાલ નેહરુને પોતાના પુત્રની ચિંતા હતી પોતાના પિતાની ચિંતા જોઈને નેહરુજી એ ગાંધીજીને પત્ર લખતા કહ્યું કે “મને મારા પિતા પર આર્થિક ભાર બનીને રહેવું  દુખદાયી લાગે છે એટલે હું પગભર થવા માગુ છું” ૧૫ સપ્ટેમ્બર ૧૯૨૪એ ઉતરમાં ગાંધીજીએ લખ્યું કે  ”દિલને સ્પર્શી જાય તેવો તારો પત્ર મને મળ્યો. હું જાણું છું કે આ બધી બાબતોનો તું બહાદુરીથી સામનો કરીશ. અત્યારે તો પિતાજી ચિઢાયેલા છે અને હું બિલકુલ નથી ઇચ્છતો કે તુ કે હું તેમને ચિંતિત થવાનો વધુ મોકો આપીએ. સંભવ હોય તો તેમની સાથે ખુલા મનથી વાત કરી લે અને એવુ કોઇ કામ કર કે તેઓ નારાજ ન થાય.” 

આઝાદી બાદ દેશમાં થયેલા એક સાંપ્રદાયિક ઝઘડાને શાંત કરાવવા માટે ગાંધીજી ઉપવાસ પર ઉતર્યા હતા. જેમાં નહેરુ પણ ઉપવાસ કરીને એક-બે દિવસ સુધી કંઈ જમ્યા ન હતા. ગાંધીજીને જ્યારે આ અંગે ખબર પડી તો તેમણે નહેરુને ૧૮  જાન્યુઆરી ૧૯૪૮ ના રોજ ચિઠ્ઠી લખી, જેમાં નહેરુને ઉપવાસ ખતમ કરવાની સલાહ આપવામાં આવી હતી. જેમાં ગાંધીજીએ લખ્યું હતું કે, “પ્રિય જવાહરલાલ અનશન છોડો. ખૂબ જીવો,અને હિંદના જવાહર બનીને રહો”. આ ગાંધીજી અને નેહરુજીનાં એકબીજા પ્રત્યેની અપાર સ્નેહ અને પ્રેમની સાબિતી આપે છે. ગાંધીજીએ નેહરુજીને ઠપકો આપતા પત્ર સાથે પોતનો પ્રેમ અને સ્નેહને રજુ કર્યા છે.

 આ “ત્રિપુટી” હિન્દુસ્તાનને આઝાદ અને ત્યાર બાદ અખંડ ભારતનાં નિર્માણમાં મોટો ભાગ ભજવ્યો. સરદાર વલ્લભભાઈએ અખંડ ભારત માટે ૫૬૫ રજવાડાઓને જોડ્યા, નેહરુજીએ આધુનિક ભારતનાં નિર્માણ માટે અનેક સંસ્થાઓ સ્થાપી અને ગાંધીજીએ ભારતમાં શાંતિ, પ્રેમ, સદભાવના જળવાઈ રહે તે માટેના કાર્યો કર્યા. આઝાદી બાદ કે આઝાદીની પ્રકિયા દરમિયાન ભારતમાં થયા સાંપ્રદાયિક ઝઘડામાં ગાંધીજીએ હંમેશા સુલેહ કરવવાની સફળ કામગીરી કરી છે. ગાંધીજીના જીવનયાત્રામાં “ત્રિપુટીનું ચિત્ર” હંમેશ માટે અંકિત થયેલું છે.     (ડિસ્કલેમર:આ લેખકનું પોતાના વિચાર છે.)

Reference: ગાંધી આત્માકથા, ગાંધીજીના પત્રો, એની સ્કાર્ફ, લુઇ ફિશર, સોમાભાઈ પટેલ, મગનભાઈ નાયક લિખિત પુસ્તક અને ગાંધી સાહિત્ય.

ક્લિક કરો અને આગણ વાંચો….અંક ૧૪: હિન્દ છોડો.

loading…