Gandhi ji na Guru Part 12

“એક વાત મહાત્માની” અંક ૧૨ : ગાંધીજીનાં બે ગુરુ

Hiren Banker
હિરેન બેન્કર
પીએચડી રિસર્ચ સ્કોલર.અમદાવાદ
Gandhi ji na Guru Part 12

“ગુરુ ગોવિંદ દોઉ ખડે કાકે લાગૂ પાય, બલિહારી ગુરુ આપને ગોવિંદ દિયો બતાય”- કહેવાય છે કે ગુરુ વિના જ્ઞાન ક્યાંથી મળે. મહાત્મા ગાંધીને અસંખ્ય લોકોએ પોતાના ગુરુ માન્યા છે. તેમને આપેલા સંદેશ અને વિચારને પોતાના જીવનમાં ઉતારીને પોતામાં અને અન્ય વ્યક્તિઓનાં જીવનમાં પરિવર્તન આણ્યું છે. જો શિષ્ય મહાત્મા ગાંધીજી જેવો હોય તો આવા ગુરુ વિષે માહિતગાર થવા ભાવ સ્વાભાવિકપણે આવે. ગાંધીજી એ “મારું જીવન એજ મારો સંદેશ” કહ્યું હોય તો તેમના જીવનમાં વિવિધ તબ્બકે મળેલા માર્ગદર્શનને કારણે ગાંધીજીએ જીવનની સફળતાઓ આંબી છે.ગાંધીજીએ પોતાના મુલ્યો, વિચારો અને આદર્શોને વળગી રહીને “મોહનદાસ માંથી મહાત્મા” સુધીની આકરી સફરને ગણે અંશે સરળ બનાવી હતી. ગાંધીએ પોતાના જીવન દરમિયાન ઘણા મહાનુભાવો પ્રત્યે કૃતજ્ઞતા દાખવી છે. રાજકીય ગુરુનું નામ તો તેમણે ઘણી જગ્યાએ ઉલ્લેખ કર્યો છે

પરતું ગાંધીજીનાં આધ્યાત્મિક ગુરુ તરીકે જો કોઈનું નામ લઇએ તો તે હતા રાયચંદભાઈ કે શ્રીમદ રાજચંદ્ર. તે વિષે ગાંધીએ લખ્યું છે કે “રાયચંદભાઈને વિશે મારો આટલો આદર છતાં તેમને હું મારા ધર્મગરુ તરીકે મારા હૃદયમાં સ્થાન ન આપી શક્યો.” શ્રીમદ રાજચંદ્ર ડૉ. પ્રાણજીવન મહેતાનાં મોટાભાઈ રેવાશંકરનાં જમાઈ હતા અને ગાંધીજી ૨૨ વર્ષની ઉમરે જયારે બેરિસ્ટર થઈને હિન્દુસ્તાન પાછા આવ્યા ત્યારે ડૉ. પ્રાણજીવન મહેતાએ ગાંધીજી અને રામચંદ્રજીની મુલાકાત કરાવી હતી.        

શ્રીમદ રાજચંદ્ર અને અને ગાંધીજીની ઉમરમાં ઝાઝો ફેર ન હતો. શ્રીમદ રાજચંદ્ર ગાંધીજીથી ત્રણ જેટલા વર્ષ મોટા હશે. રાજચંદ્ર સાથે પરિચય વધતા ગાંધીજીને શાસ્ત્રજ્ઞાન, આત્મદર્શન, અને શુદ્ધ ચરિત્ર જેવા ગુણોની જાણે લગની લાગી  હતી. તેમનાથી મોટા એવા રાયચંદભાઈ(રાજચંદ્ર) વિષે ગાંધીજીએ લખ્યું છે કે “ મેં તેમને કદી મૂર્છિત સ્થિતિમાં નથી જોયા. દરેક ધર્મનાં આચાર્યોને મળવાનો પ્રયત્ન કયો છે. પણ જે છાપ મારા ઉપર રાયચંદભાઈએ પાડી તે બીજા કોઈ નથી પાડી શક્યા હું જાણતો હતો કે તેઓ મને ઈરાદાપૂર્વક આડે રસ્તે નહિ દોરે ને પોતાના મનમાં હશે એવું જ કહેશે.” આથી મારી આધ્યાત્મિક ભીડમાં હું તેમનો આશ્રય લેતો હતો. રાયચંદભાઈ વેપાર કરતા હતા ત્યારે પણ તેમના હાથમાં કોઈ વસ્તુ હોય ના હોય પરતું ધર્મનું પુસ્તક અથવા રોજનીશી ચોક્કસ રહેતા. ગાંધીજી જયારે પણ રાજચંદ્રજીની દુકાને જતા ત્યારે તે ઘર્મની વાર્તાઓ સંભળાવતા જોકે ગાંધીજીને ધર્મવાર્તાઓમાં રસ નોહતો પડતો પરતું રાજચન્દ્રજીએ કહેલી ધર્મની વાર્તામાં તેમને રસ પડતો હતો. ગાંધીજીએ વિદેશમાં રહીને થિયોસોફી, ખ્રિસ્તી ધર્મ સહીત અન્ય ઘણા ધર્મનાં પરિચયમાં આવ્યા હતા. આધ્યાત્મિકતા અંગેના તેમના મનમાં ઉદભવતા પ્રશ્નોનું નિરાકણ શ્રીમદ રાજચંદ્ર પાસેથી લેતા. ગાંધીજીએ એકવાર શ્રીમદ રાજચંદ્રને આધ્યાત્મિકતાને લગતા ૨૭ જેટલા પ્રશ્નોનો પત્ર લખ્યો અને શ્રીમદ રાજચંદ્રએ તેના વિસ્તૃત જવાબ પણ લખી મોકલ્યા.

ગાંધીજીનાં અહિંસા, વ્રતો અને અનેકાંતવાદ જેવા ગુણો તેમના જીવનમાં શ્રીમદ રાજચંદ્રનાં માર્ગદર્શનની અસરનું પરિણામ સ્વરૂપ છે. શ્રીમદ રાજચંદ્રની પુણ્યતિથિ નિમિતે પોતાના પ્રવચનમાં બોલતા ગાંધીજીએ જણાવ્યું હતું કે તેમના જીવનમાંથી ચાર વસ્તુ શીખવા જેવી છે ૧) શાશ્વત વસ્તુમાં તન્મયતા ૨) જીવનમાં સરળતા ૩) સત્ય અને ૪) અહિંસામય જીવન. વર્ષ ૧૯૩૫માં રાયચંદભાઈની જયંતિ નિમિત્તે પ્રવચનમાં ગાંધીજીએ કહ્યું, ‘એમના જીવનનો પ્રભાવ મારા પર એટલે સુધીનો પડેલો કે એક વાર મને થયું કે હું એમને મારા ગુરુ બનાવું. પણ ગુરુ તો બનાવવા ચાહીએ તેથી થોડા જ બની શકે છે? ગુરુ તો સહજપ્રાપ્ત હોવા જોઈએ,’  ગાંધીજીએ પોતાના જીવન પર મોટી અસર કરનાર ત્રણ વ્યક્તિમાં તરીકે એક શ્રીમદ રાજચંદ્ર,  ટૉલસ્ટૉયે અને  રસ્કિને પોતાની આત્મકથા વર્ણવ્યા છે.

આધ્યાત્મિકતાનાં જ્ઞાન સિવાય પણ ગાંધીજી રાજકીય શ્રેત્રે ખુબ ઊંડું જ્ઞાન ઘરાવતા હતા. પરંતુ વિદેશથી આવીને હિન્દુસ્તાનને આફ્રિકામાં કરેલી લડતની જેમ લડી નહિ શકાય એ તે વાત બખૂબી જાણતા હતા. આફ્રિકાનાં સત્યાગ્રહની લડાઈ દરમિયાન તેમને મુંબઈ સભા માટે આવવાનું થયું ત્યાંથી તે લોકમાન્ય તિલકને મળવા ગયા ગાંધીજીને જોઈતા સમર્થન માટે લોકમાન્ય તિલકે તેમને પ્રોફેસર ગોખલેને મળવા કહ્યું અને ક્યાં પણ જરૂર પાસે તો મને સંપર્ક કરવો તેમ પણ સૂચવ્યું. ગાંધીજીની ગોપાલ કૃષ્ણ ગોખલે સાથે સૌ પ્રથમ મુલાકાત ફરગ્યુંસન કોલેજમાં હતી. ગાંધીજીને મળતાની સાથે જ ગોપાલ કૃષ્ણ ગોખલે ગાંધીજીને ગળે લગાવી દીધા. ગાંધીજીએ પોતાની આત્મા કથામાં લખ્યું કે

“મને લોકમાન્ય સમુદ્ર જેવા લાગ્યા અને ગોખલે ગંગા જેવા.” ગાંધીજીએ વધુમાં લખ્યું કે સમુદ્રમાં ડૂબવાનો ભય રહે ગંગાની તો ગોદમાં રમાય, તેમાં હોડકા લઈને તરાય. ગોપાલ કૃષ્ણ ગોખલેએ ગાંધીજીને પુના, મુંબઈમાં જોઈતી તમામ મદદ કરી દીધી. પ્રથમ મુલાકાતમાં જ ગાંધીજીને તેમના પ્રત્યે આદર રહ્યો હતો. ગોખલે દક્ષિણ આફ્રિકા ગયા ત્યારે ગાંધીજી તેમની વધુ નિકટ પહોંચ્યા. ગાંધીજીએ તેમના વિશ લખ્યું છે કે રાજ્યપ્રકરણી શ્રેત્રમાં જે સ્થાન ગોપાલ કૃષ્ણ ગોખલેએ જીવતા મારા હૃદયમાં ભોગવ્યું છે તે હજી દેહાંત(ગોપાલ કૃષ્ણ ગોખલેનાં દેહાંતની વાત કરી છે) થયા છતાં ભોગવે તે કોઈ ભોગવી શકાયું નથી. “તેમણે (ગોખલેએ) મારું હૃદયમંદિર સર કર્યું અને જ્યારે મેં તેમની વિદાય લીધી ત્યારે મારા મનમાં એક જ ધ્વનિ ઉઠ્યો: આ જ મારો મુરશીદ (ગુરુ).                

ગાંધીજીનું “ગુરુ” વિષે માનવું હતું કે હિંદુ ધર્મે ગુરુપદને જે મહત્વ આવ્યું છે તેને હું માનનારો છું. ગુરુ વિના જ્ઞાન ન હોય એ વાક્ય ઘણે અંશે સાચું છે. અક્ષરજ્ઞાન આપનાર અપૂર્ણ શિક્ષક ચલાવી લેવાય પરતું આત્મદર્શન કરવાનાર અપૂર્ણ શિક્ષક ન જ ચલાવાય. ગુરુપદ તો સંપૂર્ણ જ્ઞાનની ને જ આપાય. ગુરુની શોધમાં જ સફળતા રહલી છે કેમ કે શિષ્યની યોગ્યતા પ્રમાણે જ ગુરુ મળે છે યોગ્યપ્રાપ્તિને સારું સપૂર્ણ પ્રયત્ન દરેક સાધકને અધિકાર છે એ તેનો અર્થ છે એ પ્રયત્નનું ફળ ઈશ્વરાધીન છે

(ડિસ્કલેમર:આ લેખકનું પોતાના વિચાર છે.)

Reference: ગાંધી આત્માકથા, એની સ્કાર્ફ, લુઇ ફિશર, સોમાભાઈ પટેલ, મગનભાઈ નાયક લિખિત પુસ્તક અને ગાંધી સાહિત્ય.

ક્લિક કરો અને આગણ વાંચો….અંક ૧૩: ત્રિપુટી

loading…