Dr jaya pathak

વિશ્વ મહિલા દિવસે વડોદરાની સયાજી હોસ્પિટલની (Sayaji Hospital) કોરોના લડવૈયા મહિલાઓના યોગદાન પર એક નજર

જ્યારે ભયના લીધે મરદ મૂછાળાઓને પરસેવો છૂટી જાય એવું વાતાવરણ હતું ત્યારે કોરોના સામે મોરચો માંડવામાં મોખરે રહી સયાજી હોસ્પિટલ ની (Sayaji Hospital) વીરાંગનાઓ:પુરુષ આરોગ્ય સેવકો સાથે ખભેખભા મિલાવી કોરોના સંકટમાં કામ કર્યું મહિલા આરોગ્ય સેવકોએ

  • સયાજી હોસ્પિટલના (Sayaji Hospital) કોરોના વિભાગમાં કોઈપણ સમયે ૨૦૦ થી વધુ મહિલા સ્ટાફ કાર્યરત રહેતો:ટોચના તબીબથી લઈને સફાઈ સેવિકા સુધીની શ્રેણીની મહિલા આરોગ્ય સેવિકાઓએ જરાય ખચકાટ વગર કોરોના પીડિતોના આરોગ્ય લાભ માટે કામ કર્યું: વહીવટી નોડલ અધિકારી ડો.બેલીમ ઓ.બી

અહેવાલ: સુરેશ મિશ્રા

વડોદરા, ૦૮ માર્ચ: Sayaji Hospital:કોરોનાનો સમયગાળો માનવ ઇતિહાસના સહુથી કપરા કાળ પૈકી એક છે.આ અજાણ્યા આરોગ્ય શત્રુના આગમનથી ભયનું એવું તો વાતાવરણ સર્જાયું હતું કે એનું નામ પડતાં જ ભલભલા મરદ મુંછાળાઓને પરસેવો છૂટી જતો. તેવા સમયે સયાજી હોસ્પિટલના કોરોના સારવાર વિભાગમાં આ લુચ્ચા દુશ્મન સામે મોરચો માંડવામાં વીરાંગના મહિલા આરોગ્ય સેવિકાઓ ,પુરુષ આરોગ્ય સેવકો સાથે જરાય પાછીપાની કર્યા વગર ખભેખભો મિલાવીને મોખરે રહી હતી,ઘડિયાળ સામે જોયા વગર અને પોતાની કે પરિવારની ચિંતા કર્યા વગર સતત કાર્યરત રહી હતી.

Whatsapp Join Banner Guj

એટલે જ સયાજી હોસ્પિટલના (Sayaji Hospital) કોરોના સારવાર વિભાગના વહીવટી નોડલ અધિકારી ડો.બેલીમ ઓ.બી. કહે છે કે જ્યારે કોરોના પિક પર હતો,સતત કેસો આવતા,સારવાર લાંબી ચાલતી એ સમયગાળામાં ,કોરોના વિભાગમાં રાત કે દિવસના કોઈપણ સમયે તબીબથી લઈને સફાઈ સેવિકાઓ અને સુરક્ષા ગાર્ડ સુધીની શ્રેણીઓ માં ૨૦૦ થી વધુ મહિલાઓ આરોગ્યની સેવા આપતી હતી.

તેમણે જણાવ્યું કે સમગ્ર કોવિડ કાળ દરમિયાન ૧૫૦૦ થી વધુ મહિલાઓએ સારવાર અને સંભાળમાં યોગદાન આપ્યું છે.પુરુષ કર્મચારીઓ જેટલા જ ખંત અને નીડરતા દાખવી ને યોગદાન આપ્યું છે.બલ્કે હજુ પણ આપી રહી છે. કૉવિડ વ્યવસ્થાપનમાં મહિલાઓના યોગદાનનું એક ઉજ્જવળ પ્રકરણ જાણે કે સયાજી હોસ્પિટલમાં આલેખાયું છે.

Dr jaya Pathak, Sayaji Hospital

આ વીરાંગનાઓ પૈકી એક છે ડો. જયા પાઠક. તેમણે કોરોના જ્યારે ટોચ પર હતો,જ્યારે કેવી રીતે તેનો ઉપચાર કરવો એની વિમાસણ હતી ત્યારે તેમણે અનેક તણાવો અને નીત નવા પડકારો થી ભરેલા વાતાવરણ માં તબીબી નોડલ અધિકારી તરીકે એક થી વધુ વાર સેવા આપી હતી. લગભગ છેલ્લા ૧૦ મહિનાથી કોરોના વિભાગમાં મારું કામ ચાલુ જ છે એવી જાણકારી આપતાં ડોકટર જયા બહેન કહે છે બીમારી સાવ અજાણી હતી,રોજે રોજ નવી ગાઈડ લાઇન અને નવા પ્રોટોકોલ સૂચવવામાં આવતા,ટેલી મેન્ટરિંગની સુવિધા હેઠળ વિવિધ દર્દીઓના લક્ષણો ની ચર્ચા કરી માર્ગ દર્શન પ્રમાણે સારવારમાં ફેરફારો કરવા પડતાં. મારી ટીમની દેખરેખ હેઠળ જ વડોદરામાં પ્રથમ દર્દીને ટોસિલીઝુમાંનો ડોઝ અપાયો હતો.

આ દરમિયાન હું પોતે પણ કોરોના પોઝિટિવ થઈ.જો કે દાગ અચ્છે હૈ ની જેમ આ સ્વ અનુભવ પણ સારવાર બહેતર બનાવવામાં ઉપયોગી નીવડ્યો. પરિવાર,પાડોશીઓ અને સ્વજનો એ ખૂબ પીઠબળ આપ્યું,ખૂબ સમજદારી દાખવી અમારા કામની મુલવણી કરી જે પ્રોત્સાહક બની રહ્યું.સયાજી હોસ્પિટલ માં ખાસ ફરજ પરના અધિકારી થી લઈને સલાહકાર અને તબીબી અધિક્ષક સહિત બધાએ પીઠબળ આપ્યું. રેસીડેન્ટ તબીબો,તબીબી વિદ્યાર્થીઓ અને નર્સિંગ સ્ટાફ સહુએ જે ફરજ નિષ્ઠા બતાવી એ આ જંગ જીતવામાં ખૂબ જ ઉપયોગી નીવડી.

Dr Neerja Bhatt, Sayaji Hospital

કોરોના વિભાગમાં લગભગ ૬૨ દિવસ સુધી દર્દીઓને એક્સરસાઇઝ કરાવવાની સેવા આપનારા ફિજીઓથેરાપી વિભાગના ડો.નીરજા ભટ્ટ એ જણાવ્યું કે જ્યારે અમને કહેવામાં આવ્યું કે તમારે કોરોના વિભાગમાં જઈને સારવાર હેઠળ ના દર્દીઓ ને સારવાર ના ભાગરૂપે કસરતો કરાવવાની છે ત્યારે ક્ષણ વાર માટે તો ભયની લાગણી એ મનનો કબ્જો લઈ લીધો.જો કે આ એક ક્ષણિક અનુભૂતિ હતી.તે પછી આવા કપરા સમયે સેવા આપવા માટે પસંદગી થવાના ગૌરવે મનનો કબજો લીધો અને મક્કમ મનોબળ સાથે ફરજ સ્વીકારી.

રોગીઓને એકલા રહેવું પડતું એટલે માનસિક વિચલિતતા અનુભવતા.એમને કસરત કરાવવાની સાથે એમનું મનોબળ મક્કમ થાય એવા સંવાદ કરતાં. આ એક નવો અનુભવ હતો.દર્દીઓ કસરત કરી તાજગી અનુભવતા ત્યારે એક અલગ પ્રકારના આનંદની અનુભૂતિ થતી. આ કામગીરી દરમિયાન જાતે કોરોના પોઝિટિવ થઈ.ત્યારે દર્દીઓ કેવું અનુભવે છે, કેવા પ્રકારની એમને પીડા થાય છે, કેવા ગમા અણગમા જાગે છે એનો જાત અનુભવ થયો.એટલે કોરોના મુક્ત થયાં પછી રોગ અને રોગી ની નવી સમજણ સાથે ફરીથી ફરજ શરૂ કરી. આ અનુભવ થી કોરોનાના વ્યવસ્થાપનમાં ફિઝિયોથેરાપીની ભૂમિકા ની એક નવી દિશાના દ્વાર ખુલ્યા જે ભવિષ્યમાં વ્યવસાયિક કુશળતા માં નવા આયામો ઉમેરશે.

Nurse Rajshri sheth Sayaji Hospital

હેડ નર્સ રાજશ્રી શેઠ પણ હોસ્પિટલની સેવા દરમિયાન જાતે કોરોના પોઝિટિવ થયાં હતાં. કોરોના શરૂ થયો ત્યારે તેઓ તાત્કાલિક સારવાર વિભાગમાં સેવા આપી રહ્યાં હતા. એ સમય ગાળાને યાદ કરતાં તેમણે જણાવ્યું કે કોરોનાનો પહેલો શંકાસ્પદ કેસ તાત્કાલિક સારવાર વિભાગ માં જ આવ્યો હતો.તે પછી આ રોગની ચેપ આપવાની પ્રકૃતિ ને જાણી ને આ વિભાગમાં બે પથારી નું આઈસોલેસન યુનિટ શરૂ કરવામાં આવ્યું હતું. તેઓ જાતે કોરોનાગ્રસ્ત થયા,સારવાર લીધી એ લગભગ ૧૪ દિવસના અંતરાલ પછી તુરત જ ફરજ પર હાજર થઈ ગયા હતા.

Sayaji Hospital
દોઢ વર્ષના બાળકની માતા અને સિક્યુરિટી ગાર્ડ જ્યોતિ ગરુડ,સફાઈ સેવિકા તારા બહેન,આયા રેખા વસાવા,આ તમામે કોરોના કાળની શરૂઆત થી આ વિભાગમાં સેવાઓ આપી છે અને આપી રહ્યાં છે.

તેમણે જણાવ્યું કે થોડો ડર તો લાગતો હતો ,અમારે દર્દીની સહુ થી વધુ નજીક જઈને સાફ સફાઈ, ડાયપર બદલવા,શૌચાલય ની સફાઈ કરવી, દર્દીઓના સ્વજનો એમના માટે ખોરાક,કપડાં આપી જાય એ એમના સુધી પહોંચાડવાની કામગીરી કરવાની હતી.તેમ છતાં,કીટ પહેરી,માથે ટોપી પહેરી,જરૂરી તકેદારી રાખી હિંમત થી કામ કર્યું છે.

ડો.બેલીમ કહે છે કે ખતરનાક કોરોના સામે ડર્યા વગર મહિલા તબીબો, રેસીડેન્ટ્સ, ફિઝીઓ થેરાપિસ્ટ ,લેડી ટેકનીશ્યન,નર્સિંગ સ્ટાફ,આયા,સ્વિપર અને સિક્યુરિટી ગાર્ડ તરીકે મહિલાઓ એ અમૂલ્ય યોગદાન આપીને નારીની શક્તિ ની અનુભૂતિ કરાવી છે.

કોરોનાનું મેનેજમેન્ટ કપરું હતું,અઘરું હતું, પડકારજનક અને મતી મૂંઝવી દેનારું હતું.પરંતુ જેમ કૌટુંબિક આફતો સમયે લડવાનું બળ માતા,પત્ની કે દીકરીઓ આપે છે તે જ રીતે આ આરોગ્યની આફત સામે લડવાની તાકાત મહિલાઓ એ બતાવી છે અને નારી તું નારાયણી ની ઉકિત સાર્થક કરી છે.

આ પણ વાંચો…મમતામયી માતા તરીકે ઉછેરની કુશળતા મહિલા (women’s) સમુદાયને ગળથુંથીમાં મળી હોય છે. એ બાળકના ઉછેર જેટલી જ કુશળતા અને દરકારથી રોપા ઉછેર કરી શકે છે.