Jamnagar dan 2

જામનગરની રોગ વિમોચન ગંગા માતા ચેરિટેબલ ટ્રસ્ટની સેવા પ્રવૃતિને રૂા. અગિયાર લાખનું દાન

Jamnagar dan

જામનગર ના વેપારી અગ્રણી ઓ.પી. મહેશ્વરી દ્વારા રક્ષા બંધન ના દિવસે સદ્‌લક્ષ્મી અર્પણ કરાઈ

રિપોર્ટ: જગત રાવલ

જામનગર,૦૫ ઓગસ્ટ“છોટીકાશી” ઉપનામધારી જામનગરમાં જે પ્રકારે મંદિરો, ધર્માચાર્યો તેમજ ધાર્મિક પ્રવૃતિઓ વ્યાપક છે, તે પ્રકારે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ, સેવા સંસ્થાઓ અને દાતાઓ પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે.

જામનગરમાં રોગ વિમોચન ગંગા માતા ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ તેના કાર્યથી ભાગ્યે જ કોઇ અપરિચિત હશે. છેલ્લા સાડાત્રણ દાયકાથી શહેરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓ તેમજ તેમના સગાંવ્હાલાઓને બપોર અને સાંજના ભોજનની વ્યવસ્થા લગત સેવા પ્રવૃત્તિની મહેંક ચોમેર પ્રસરી છે.
ક્રમશ: તેમાં ઉમેરો થતા હાલ તો દરરોજ એક હજાર જેટલા લાભાર્થીઓની જઠરાગ્નિ ઠારવાનું કાર્ય વર્ષના ૩૬૫ દિવસ સેવારત છે.
દર્દીઓ ઉપરાંત અનાથ, બે-સહારા, એકલદોકલ વયોવૃધ્ધ, જરૂરિયાતમંદ ગરીબોને પણ છેક તેમના ઘર સુધી બપોરે દાળ- ભાત- શાક- રોટલી અને સાંજે કઢી- ખીચડી – શાક- રોટલાના ટિફિન સમયસર પહોંચી જાય તે માટે સંપૂર્ણ કાર્યાલય ગુરુ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલની બાજુમાં જ ખોલવામાં આવ્યું છે. તેમજ ૨૫૦ જેટલા ટિફિન અને તે પહોંચાડવા માટે ટેમ્પો – રીક્ષાની સુવિધા પણ ઉપલબ્ધ કરાઇ છે.

Jamnagar dan 3

લોકડાઉનના ત્રણ મહિનામાં તો આ સેવા પ્રવૃત્તિ લાભાર્થીઓ માટે અક્ષયપાત્ર સમી બની ગઇ હતી. તદ્ઉપરાંત ૧૮૦ જેટલા જરૂરિયાતમંદ પરિવારોને અનાજ-કઠોળ જેવી ચૌદ આઇટમની અન્નપૂર્ણા કીટ પણ દર મહિને પહોંચાડવામાં આવી રહી છે. છેલ્લા વર્ષથી અન્નદાન પ્રવૃત્તિને વિદ્યા સહાય પ્રવૃતિ સાથે પણ જોડી છે.
ગંગા માતા ચેરિટેબલ ટ્રસ્ટની આવી માનવીય સેવા પ્રવૃતિથી પ્રેરાઇને જામનગરના સક્ષમ પરિવારો પણ સખાવત કરતા રહે છે. રક્ષાબંધન – બળેવના પવિત્ર દિને શહેરના વ્યાપારી અગ્રણી માહેશ્વરી ટ્રેડીંગ કાું. વાળા શ્રી ઓ.પી. માહેશ્વરી કે જેઓ ડાબા હાથને પણ ખબર ના પડે તે રીતે જમણા હાથથી વિવિધ સેવાકાર્યમાં વર્ષોથી અમૂલ્ય આર્થિક યોગદાન આપતા તેવા શ્રી ઓ.પી. માહેશ્વરીજીએ રક્ષાબંધન નો તહેવાર ધન્યતાભેર ઉજવ્યો હતો
આ પરિવાર દ્વારા ગંગામાતા ચેરિ. ટ્રસ્ટને રૂા. ૧૧,૦૦,૦૦૦ (અગિયાર લાખ) ની રકમ દાનમાં આપવામાં આવી છે, અને પોતાની સંપત્તિને “લક્ષ્મીજી” નું સ્વરૂપ આપ્યું છે.

Jamnagar dan 2

ઇશ્વરે પોતાના પરિવારને આપેલી સંપત્તિ સમાજના કોઇપણ જાતના પ્રચાર-પ્રસાર કે ફંકશનની હો..હો.. કર્યા વિના માત્ર પોતે અર્ધાગિની રંજનાબહેનને સાથે રાખી ગંગા માતા ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યાલયે રૂબરૂ પહોંચી જઇ માતબર કહી શકાય તેવી અગિયાર લાખની રકમનો ચેક ટ્રસ્ટને અર્પણ કર્યો હતો.

આ પ્રસંગે ઓમ પ્રકાશ મહેશ્વરી ના જમાઈ વૈભવ ભાઇ ઉપરાંત સર્વશ્રી સંજયભાઇ આઇ. જાની, ચંદ્રવદનભાઇ ત્રિવેદી, અશોકભાઇ જાની અને ટ્રસ્ટના શ્રી ચંદ્રેશ ભાઈ ચોવટીયા તેમજ મોક્ષ ફાઉન્ડેશન ના શ્રી વિક્રમસિંહ ઝાલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.