Collector Shalini Agrawal

પ્રધાનમંત્રીશ્રી ના ૭૦ મા જન્મ દિવસે વડોદરા શહેર અને જિલ્લામાં વિવિધ કાર્યક્રમો

Collector Shalini Agrawal Meeting

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના ૭૦ મા જન્મ દિવસે વડોદરા શહેર અને જિલ્લામાં વિવિધ કાર્યક્રમો દ્વારા નારી સશક્તિકરણ પર્વ બનાવવાનું આયોજન

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાના શહેર અને જિલ્લામાં શુભારંભરૂપે મહિલા સ્વસહાયતા જૂથોને ધિરાણ વિતરણના કાર્યક્રમો યોજાશે

જિલ્લા કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ વિગતવાર આયોજન

વડોદરા, ૧૫ સપ્ટેમ્બર:આગામી તા.૧૭મી સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીનો ૭૦ મો જન્મ દિવસ વડોદરા શહેર અને જિલ્લામાં નારી સશક્તિકરણ પર્વ તરીકે ઉજવવાનું આયોજન કરવા આજે જિલ્લા ઉજવણી સમિતિની બેઠકમાં કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલે આ દિવસે મહિલાઓ દ્વારા આજીવિકા અને ઉપાર્જનલક્ષી પ્રવૃત્તિઓ પ્રવેગી બને તે પ્રકારના અસરકારક કાર્ય આયોજનોનું માર્ગદર્શન આપ્યું હતું.

યાદ રહે કે, આ દિવસે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો ઈ-શુભારંભ કરાવશે જેનો આશય ૧ લાખ જેટલા મહિલા સ્વસહાયતા જૂથોને પ્રત્યેકને રૂ.૧ લાખનું આર્થિક ધિરાણ આજીવિકામાં વધારો કરતી પ્રવૃત્તિઓ માટે આપીને, આ જૂથો સાથે સંકળાયેલી ૧૦ લાખ મહિલાઓને નવ સશક્તિકરણ માટે સક્ષમ બનાવવાનો છે. આ ધિરાણનું વ્યાજ રાજ્ય સરકાર ભોગવે તે સહિત વિવિધ લાભદાયક અને પ્રોત્સાહક જોગવાઈઓ આ યોજનામાં છે.

Collector Shalini Agrawal

બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ તેની વિગતવાર જાણકારી આપી હતી. અને શહેર જિલ્લામાં આ દિવસે ત્રણ સ્થળે કાર્યક્રમો યોજીને મહિલા સમુદાયને આ યોજનાની વ્યાપક જાણકારી આપવાની રૂપરેખા જણાવી હતી. આ કાર્યક્રમોમાં મુખ્યમંત્રીશ્રી દ્વારા યોજનાના ઈ-લોન્ચિંગના પ્રસંગનું જીવંત પ્રસારણ કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
ગુજરાતની મહિલાશકિતને આત્મનિર્ભર પગભર સ્વાવલંબી થવાના નવા દ્વાર મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ખોલી આપ્યા છે. રાજ્યમાં પ્રથમ વાર મુખ્યમંત્રી મહિલા કલ્યાણ યોજના શરૂ કરીને ૧૦ લાખથી વધુ માતાઓ બહેનોને ઝીરો ટકા વ્યાજે લોન ધિરાણ અપાશે એમ કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે જણાવ્યું છે.

આત્મનિર્ભર ભારતના વડાપ્રધાનશ્રીના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાતની મહિલા શક્તિ અગ્રેસર રહેશે એમ જણાવતાં કલેકટરશ્રીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ તા.૧૭ સપ્ટેમ્બરે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ગાંધીનગરથી ઈ-લોન્ચિંગ દ્વારા રાજ્યવ્યાપી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો શુભારંભ કરાવશે. જેને પરિણામે કોરોના પછીની બદલાયેલી આર્થિક સામાજિક જીવનશૈલીમાં મહિલા શક્તિ- માતા બહેનોની આત્મનિર્ભરતાનો નવો માર્ગ ખૂલશે. વડોદરા જિલ્લામાં મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાના અસરકારક અમલ માટે જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને સોળ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે.

કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલના અધ્યક્ષસ્થાને આજે યોજનાના અમલીકરણ અંગે બેઠક યોજાઇ હતી. કલેકટરશ્રીએ વડોદરા જિલ્લામાં યોજનાના અમલ અંગે જરૂરી દિશા-નિર્દેશો આપ્યા હતા. તેમણે જણાવ્યું કે, વડોદરા જિલ્લામાં વડોદરા શહેર, કરજણ અને સાવલીમાં કાર્યક્રમ યોજાશે. વડોદરા જિલ્લામાં યોજનાના શુભારંભ અવસરે બેન્કો સાથે મહિલાલક્ષી ધિરાણ માટે સમજૂતી કરાર (એમઓયુ) કરવામાં આવશે એટલું જ નહિ દરેક કાર્યક્રમ દીઠ સ્વસહાય જૂથની મહિલાઓને ધિરાણ મંજૂરીપત્રોનું વિતરણ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા જિલ્લાના આઠ તાલુકામાં ૭,૫૦૩ સ્વ સહાયતા જૂથની રચના કરવામાં આવી છે. વર્ષ ૨૦૨૦-૨૦૨૧માં આ જૂથ પૈકી ૩૦૫ સ્વ સહાયતા જૂથોની ૩,૦૫૦ જેટલી મહિલાઓને આજીવિકા માટે વિવિધ સ્વરોજગારીની પ્રવૃતિ દ્વારા આર્થિક ઉપાર્જન માટે રૂ.૪૪૬.૦૬ લાખનું માતબર ધિરાણ બેન્કો દ્વારા કરવામાં આવ્યું છે. આ યોજનાનો રાજ્યના એક લાખ મહિલા જૂથની કુલ ૧૦ લાખ માતા-બહેનોને મળશે. અને કુલ ૧૦૦૦ કરોડ સુધીનું ધિરાણ મહિલા જૂથોને આપવામાં આવશે. બેંક લોનનું વ્યાજ રાજ્ય સરકાર ભોગવશે અને લોન માટે જરૂરી સ્ટેમ્પ ડ્યુટીમાં માફી પણ અપાશે. મહિલા જૂથ દીઠ રૂ.એક લાખનું લોન-ધિરાણ સરકારી, સહકારી, ખાનગી બેંકો, આરબીઆઈ માન્ય ધિરાણ સંસ્થાઓમાંથી મહિલાઓને આપવામાં આવશે.

આ યોજના હેઠળ પ્રત્યેક માતા-બહેનોને પોતાનો નાનો મોટો વ્યવસાય, ગૃહ ઉદ્યોગ, વેપાર શરૂ કરવા વગર વ્યાજે લોન ધિરાણ મળી રહેશે અને કોરોના પછીની સ્થિતિમાં માતા-બહેનોને ઘર પરિવારનો આર્થિક આધાર બનવા નાના માણસની મોટી લોનનો મુખ્યમંત્રીશ્રીનો ધ્યેય સાકાર થશે. આ યોજના હેઠળ મુખ્યમંત્રીશ્રીએ રૂ.૧૭૫ કરોડનું બજેટ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના માટે ફાળવ્યું છે. રાજ્યમાં ગ્રામીણ વિસ્તારોની ૫૦ હજાર અને શહેરી ક્ષેત્રની ૫૦ હજાર મળી કુલ એક લાખ મહિલા જૂથોને મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનામાં આવરી લેવાનો મુખ્યમંત્રીએ સંવેદનશીલ અભિગમ દાખવ્યો છ

loading…

ગ્રામીણ વિસ્તારોમાં યોજનાનું અમલીકરણ ગ્રામવિકાસ વિભાગના ગુજરાત લાઇવલી હુડ પ્રમોશન કંપની દ્વારા કરવામાં આવશે જ્યારે શહેરી વિસ્તારોમાં શહેરી વિકાસ વિભાગનું ગુજરાત અર્બન લાઇવલી હુડ મિશન અમલીકરણ કરશે. રાજ્યની લાખો બહેનોના આત્મનિર્ભરતાના સ્વમાનભેર જીવવાના સપના-અરમાન પાર પાડવામાં મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના ઉદીપક બનશે.
શ્વેતક્રાંતિમાં અગ્રેસર ગુજરાતની નારી શકિતને હવે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાથી પોતાના નાના વ્યવસાયો ગૃહ ઉદ્યોગ શરૂ કરી પોતાનું કૌવત કૌશલ્ય અને સપના સાકાર કરવાની તક મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ આપી છે.