Surat Isolation covid center

સુરતમાં ‘કોમ્યુનીટી કોવિડ આઈસોલેશન સેન્ટરો’માં ૪૬૭ કોરોનાગ્રસ્ત દર્દીઓએ કોરોનાને મ્હાત આપી

Surat Isolation covid center

આશિંક લક્ષણો ધરાવતા કોરોનાગ્રસ્ત દર્દીઓને પુરતી સવલતો સાથે વિનામૂલ્યે સારવાર પુરી પાડવામાં આવી રહી છે.

સૂરતઃગુરૂવારઃ- નર્મદ નગરી સુરત શહેર તેની આગવી ઓળખના કારણે જાણીતું બન્યું છે. ખાવા-પીવાના અને ઉત્સવોના શોખિન સુરતીલાલા માનવીય સંવેદનામાં પણ પાછા પડે એમ નથી. પુર-પ્લેગ જેવી આફત સમયે બાથભીડીને સુરતીઓ પુનઃ જીવનમાં પરોવાય ગયા. મદદની હુંકાર સામે ડાયમંડ નગરીના દાનવીરોએ કયારેય પાછી પાની કરી નથી. કોરોના સમયે પણ આગવી ઓળખ આપી છે. જેનું શ્રેષ્ઠ ઉદાહરણ કોમ્યુનીટી કોવિડ કેર આઈસોલેશન સેન્ટરો છે.
કોરોના વૈશ્વિક મહામારી સમયે દર્દીઓની વ્હારે વિવિધ સમાજો આગળ આવ્યા છે. આરોગ્ય અગ્ર સચિવશ્રી જયંતિ રવિ, નાણા વિભાગના સચિવશ્રી મિલિંદ તોરવણે, જી.આઇ.ડી.સી.ના એમ.ડી. શ્રી એમ.થૈન્નારસન, સુરત મહાનગરપાલિકાના કમિશનરશ્રી બંછાનિધિપાની અને કલેકટર શ્રી ધવલ પટેલના સંકલન હેઠળ રાજય સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલા ખાસ ફરજ પરના અધિકારી નિવૃત આઈ.એ.એસ.શ્રી આર.જે.માકડિયાને જવાબદારી સોંપવામાં આવી છે તેમની દેખરેખ હેઠળ વિવિધ સમાજો દ્વારા ૨૦ જેટલા ‘કોમ્યુનીટી બેઈઝડ કોવીડ આઈસોલેશન સેન્ટરો’ શરૂ કરાયા છે. દેશભરમાં આવા સેન્ટરો પ્રથમ શરૂઆત સુરત શહેરમાં થઈ છે. રાષ્ટ્રીય કક્ષાએ જેની નોંધ લેવાય છે. કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન મુજબ સેન્ટરોમાં વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

Surat Isolation covid center 2

સુરતમાં કોમ્યુનિટી બેઈઝ કોવિડ કેર સેન્ટરની જવાબદારી સંભાળતા શ્રી માકડિયા જણાવે છે કે, હાલમાં ૨૦ સમાજોના સેન્ટરોમાં કુલ ૧૪૧૧ બેડ પૈકી ૩૧૦ કોરોનાગ્રસ્ત દર્દીઓ સારવાર લઈ રહ્યા છે જયારે ૧૧૦૧ બેડ ઉપલબ્ધ છે અત્યાર સુધીમાં ૪૬૭ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ સેન્ટરમાં કોઈ કુટુંબોમાં કોરોનાગ્રસ્ત દર્દીને ઘરે આઈસોલેશન ન થઈ શકતા હોય તેવા અનેક કોરોના દર્દીઓને ઘર જેવું વાતાવરણ પુરૂ પાડી માનવીય સંવેદનાનું ઉમદા કાર્ય થઈ રહ્યું છે.
ઓકિસજનની સુવિધા ધરાવતું અલથાણ ખાતે અટલ સંવેદના ખાતે ૧૮૨ બેડ, રાંદેર ઝોનમાં જૈન સમાજ દ્વારા ૧૧૬ બેડ, કતારગામ ખાતે પાટીદાર સમાજ દ્વારા ૧૦૦ બેડ, મારૂતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા ૧૨૫ બેડ, લિંબાયત ભાઠેના કોવિડ સેન્ટર ખાતે ૧૬૮ બેડ, અઠવાઝોનમાં નવકાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૧૫ બેડ, અગ્રવાલ સમાજના સેવા ફાઉન્ડેશન દ્વારા ૮૦ બેડ, વાટલીયા પ્રજાપતિ સમાજ દ્વારા ૭૦ બેડ, વૈષ્ણવ સમાજ દ્વારા ચિલ્ડ્રન હોલ ખાતે ૫૦ બેડ, કોશીશ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૬૦ બેડ, બોટાવાલા આઈસોલેશન સેન્ટરમાં ૬૦ બેડ, પાટીદાર સમાજ અમીધારા પાટીદાર સમાજની વાડી ખાતે ૩૧ બેડ, હિબા હોસ્પિટલ દ્વારા ૮૪ બેડ, રાણા સમાજ દ્વારા ૪૦, વોરા સમાજ દ્વારા ૫૦, શ્રી સોરઠીયા રામીમાળી પંચ દ્વારા ૩૦, આહિર સમાજ દ્વારા ૫૦, શ્રી દયાળજી અનાવીલ કેળવણી મંડળ દ્વારા ૨૫, શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુથાર જ્ઞાતિ મંડળ દ્વારા ૨૫, પાંડેસરા ઔદ્યોગિક એકમો દ્વારા ૫૦ બેડ મળી કુલ ૧૪૧૧ જેટલા બેડની સુવિધા ઉભી કરીને કોરોનાગ્રસ્ત દર્દીઓને દવા, પૌસ્ટીક ભોજન, ડોકટરની સુવિધા વિનામૂલ્યે સારવાર પુરી પાડવામાં આવી રહી છે.
જે અંતર્ગત સૌથી વધુ અટલ સંવેદના સેન્ટરમાંથી ૨૪૭, જૈન સમાજમાંથી ૧૪૫, આહિર સમાજમાંથી ૧૭, વાટલીયા પ્રજાપતિ સમાજમાંથી ૧૬, પાટીદાર સમાજમાંથી ૧૨ દર્દીઓ તથા અન્ય સમાજ મળી કુલ ૪૬૭ જેટલા દર્દીઓએ સમાજના સેન્ટરોનો લાભ લઈને કોરોનાને મ્હાત આપી ડિસ્ચાર્જ થયા છે. જયારે ૫૮ દર્દીઓ આ જ સેન્ટરોમાં સારવાર લઈ વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. આમ, સુરત ખાતે કોરોના વૈશ્વિક મહામારીમાં ઉમદા કાર્ય થઈ રહ્યું છે.