COVID 19 HOSPITAL Nursing Sttaf ON DUTIES 5

દર્દીઓને વહેલાસર રોગમુકત કરી સ્વગૃહે મોકલવા એ જ માત્ર અમારૂ ધ્યેય”:કિશોરભાઇ હાસીયાણી

અહેવાલ:રશ્મિન યાજ્ઞિક, રાજકોટ

રાજકોટ, ૧૦ સપ્ટેમ્બર : “હુ અને મારી સમગ્ર ટીમ સમર્પીત ભાવે દિવસ-રાત કોવિડ-૧૯ના દર્દીઓની સારવારમાં છીએ. અમારૂં એક માત્ર ધ્યેય તમામ દર્દીઓને કોરોનાથી મુકત કરી વહેલામાં વહેલી તકે કોરોનાને મ્હાત આપવી તે જ છે. ” તેમ ઉત્સાહભર્યા સ્વરે જણાવતાં રાજકોટ સ્થિત કોવીડ-૧૯ હોસ્પીટલમાં કાર્યરત હેડ નર્સ શ્રી કિશોરભાઇ હાસીયાણી તેમની ટીમ સાથે દર્દીઓની સેવામાં સતત જોડાયેલા રહયા છે.

હાલ કોરોના સંક્રમણને અટકાવવા તમામ પગલાઓ રાજય સરકાર દ્વારા લેવાય રહ્યા છે, આ માટે જરૂરી માર્ગદર્શક આદેશો, સોશીયલ ડિસટન્સીંગ તથા સંક્રમણને ફેલાતા અટકાવવાના ખાસ પગલાઓ, જનજાગૃતિ સાથે ઘરે ઘરે ફરીને તમામ નાગરિકોની આરોગ્ય તપાસ અને રોગપ્રતિકારક શક્તિ વધારવાની દવાઓ પણ અપાઇ રહી છે. આમ છતાં કોરોના સંક્રમીત દર્દી આવે તો તેને તમામ જરૂરી સઘન સારવાર વિનામૂલ્યે મળી રહે તે માટે રાજકોટ જિલ્લા પ્રશાસન દ્વારા નક્કર આયોજનબધ્ધ કાર્ય કરવામાં આવી રહયું છે.

 રાજકોટ સીવીલ હોસ્પીટલ ખાતે કાર્યરત બનાવાયેલ કોવીડ-૧૯ હોસ્પીટલમાં કોરોનાના દર્દીઓને વિશેષ દેખરેખ સાથેની સારવાર આપવામાં આવે છે. આ અંગે વધુમાં હેડ નર્સ શ્રી કિશોરભાઇ જણાવે છે કે કોવીડ-૧૯ હોસ્પીટલમાં સામાન્ય દર્દીઓ કરતાં વધારે ગંભીર હોય તેવા એટલે કે જે દર્દીઓને ઓકસીજન, વેન્ટીલેટર અને વિશેષ દેખરેખની જરૂર હોય તેવા દર્દીઓ માટે ખાસ ક્રિટીકલ કેર વોર્ડ છે. અહીં તજજ્ઞ ડોકટરો સાથે મેડીકલ અને પેરા મેડીકલ સ્ટાફ પુરતા પ્રમાણમાં છે. અમારી સમગ્ર ટીમ પ્રત્યેક દર્દીઓ પર આત્મીયતાપૂર્વક ધ્યાન આપે છે. સમયસર તપાસ સાથે તેઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ડાયેટીશ્યન દ્વારા નિર્દેશિત કરેલ ભોજન પીરસવામાં આવે છે. અહીં પુરતા પ્રમાણમાં ઓકસીજન માટેની સુવિધા સાથે નોંધપાત્ર સંખ્યામાં વેન્ટીલેટરો પણ ઉપલબ્ધ છે.

છેલ્લા ચાર માસથી સતત કોવિડ-૧૯ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા કિશોરભાઇ જણાવે છે કે અહીં આવતા કોરોના દર્દીઓથી સ્ટાફને સલામત રાખવા અને તેમને પણ કોઈ સંક્રમણ ન લાગે તેની તેકદારી માટે અમારી સમગ્ર ટીમ વિશેષ પી.પી.ઈ. કીટ સાથે સારવાર કરી રહી છે. રાજય સરકાર અને આરોગ્ય તંત્ર દ્વારા કરાયેલ તમામ સુવિધાઓ અને સાધનોની સાથે અમારી ટીમ કોરોના દર્દીઓને વહેલાસર રોગમૂકત કરી સાજા નરવા સ્વગૃહે પરત મોકલવાના એક માત્ર ધ્યેય સાથે કાર્ય કરી રહી છે.

અમને સૌને દર્દીનારાયણની સેવા કરવાનો આ અવસર મળ્યો છે, એ બાબતને ઇશ્વરીય સંકેત ગણી અમે અમારા કાર્ય માટે ગૌરવ અનુભવીએ છીએ