Bhupendra singh chudasma

શાળાઓ-કોલેજો શરૂ થતાં ઓનલાઇન એજ્યુકેશન બંધ નહિ કરાય હાજરી એકદમ મરજીયાત છે: શિક્ષણ મંત્રીશ્રી

Bhupendra singh chudasma

રાજ્યમાં ર૩ નવેમ્બરથી માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક શાળા-કોલેજોમાં ફરી શૈક્ષણિક કાર્ય શરૂ કરવા અંગેની સજ્જતા-વ્યવસ્થાઓની સર્વગ્રાહી સમીક્ષા કરતા શિક્ષણ મંત્રીશ્રી

ગાંધીનગરના કમાન્ડ-કંટ્રોલ સેન્ટરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા તમામ DEO-યુનિવર્સિટી વાઇસ ચાન્સેલરશ્રીઓ-શાળા સંચાલકો સાથે સંવાદ બેઠક યોજી સમગ્ર તૈયારીઓનો જાયજો મેળવ્યો

  • વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને જ સરકારે કેન્દ્રસ્થાને રાખ્યુ છે-હાજરી એકદમ મરજીયાત છે
  • SOPના પાલનને સુનિશ્ચિત કરવા જિલ્લા-નગરો-તાલુકામાં ટાસ્કફોર્સની રચના કરી છે
  • શાળાઓ-કોલેજો શરૂ થતાં ઓનલાઇન એજ્યુકેશન બંધ નહિ કરાય
  • સ્થાનિક પરિસ્થિતી-સગવડતા-અનુકૂળતા મુજબ જરૂર જણાયે SOPમાં ફેરફાર કરી શકાશે
  • જિલ્લા કલેકટરો સાથે સંકલનમાં રહિને કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવશે
  • કોઇ જ કન્ટેનમેન્ટ વિસ્તારમાં શાળા-કોલેજો શરૂ નહિ થાય
  • શાળા-કોલેજ શરૂ થયે વિદ્યાર્થીઓની હાજરી-વાલીઓની સંમતિની માહિતી દિવસમાં ૩ થી ૪ વાર રાજ્યકક્ષાએ મળે તેવી સંકલન વ્યવસ્થા કરી છે
  • કાળજીથી કામ લેવાથી પરિણામ પણ મળે અને કોરોનાથી બચી પણ શકાય તેવો સંદેશ ગુજરાત આપશે

અહેવાલ: ઉદય વૈષ્ણવ,સીએમ-પી. આર.ઓ

ગાંધીનગર, ૧૯ નવેમ્બર: શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ રાજ્યની માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક શાળા-કોલેજોમાં આગામી તા.ર૩ નવેમ્બરથી શૈક્ષણિક કાર્ય શરૂ કરવા અંગેની સર્વગ્રાહી વ્યવસ્થાઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા હાથ ધરી હતી. શિક્ષણ મંત્રીશ્રીએ શિક્ષણ વિભાગના ગાંધીનગરના કમાન્ડ-કંટ્રોલ સેન્ટરથી વિડીયો કોન્ફરન્સ યોજીને રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ, શાળા સંચાલકો તેમજ સરકારી, ખાનગી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરશ્રીઓ અને શિક્ષણ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથે વિસ્તૃત બેઠક યોજીને તલસ્પર્શી માહિતી મેળવી હતી.

whatsapp banner 1

શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ બેઠકની વિગતો આપતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, રાજ્ય સરકારે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને કેન્દ્રસ્થાને રાખ્યું છે અને હાજરી એકદમ મરજીયાત છે. શિક્ષણ મંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં તા.૧૧ નવેમ્બરે નિર્ણય લેવાયો છે કે તા.ર૩ નવેમ્બરથી શાળા-કોલેજો પૂન: શરૂ કરવામાં આવશે. આ સંદર્ભમાં તેમણે ઉમેર્યુ કે, રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે આ નિર્ણયની જાહેરાતના એક માસ પૂર્વે જ રાજ્યના તમામ DEO મારફતે જિલ્લા કક્ષાએ આ અંગેના અભિપ્રાયો મેળવવા, ચર્ચા-વિચારણા કરવા શિક્ષણવિદો, વાલીઓ, સામાજિક અગ્રણીઓને બોલાવી ચર્ચા પરામર્શ બાદ આવેલા હકારાત્મક અહેવાલના આધારે તા.ર૩ નવેમ્બરથી શાળા-કોલેજો શરૂ કરવાનો નિર્ણય કરેલો છે.

તેમણે કહ્યું કે, આ નિર્ણયના પગલે જે પૂર્વ તૈયારીઓ કરવાની થાય છે તેની સંપૂર્ણ સજ્જતાની સમીક્ષા આજે હાથ ધરી છે. શિક્ષણ મંત્રીશ્રીએ આ બેઠકમાં જે મહત્વપૂર્ણ બાબતો શાળા-કોલેજો પૂન: શરૂ કરવા નિર્ધારિત કરવામાં આવી છે તેની પણ વિશદ છણાવટ કરી હતી. તેમણે કહ્યું કે, એસ.ઓ.પી.ના પાલનની સુનિશ્ચિતતા માટે જિલ્લા-નગરો-તાલુકા કક્ષાએ ટાસ્ક ફોર્સની રચના કરી છે. શ્રી ચુડાસમાએ ઉમેર્યુ કે, બધા જ DEO, સરકારી, ગ્રાન્ટેડ, ગ્રાન્ટ ઇન એઇડ અને સ્વનિર્ભર શાળાઓ, કોલેજો-યુનિવર્સિટીઓએ શાળા-કોલેજો શરૂ કરવાની સંમતિ સાથે બધું જ આગોતરૂં આયોજન કરી લીધું છે.

તેમણે સ્પષ્ટ કર્યુ કે, શાળાઓ શરૂ થવાથી ઓનલાઇન એજ્યુકેશન-લર્નિંગ બંધ કરવામાં આવશે નહિ. એટલું જ નહિ, હાજરી પણ મરજીયાત રાખી છે તથા કેન્દ્રની SOP મુજબ જ રાજ્ય સરકારે વિદ્યાર્થીના માતા-પિતા કે વાલીના સંમતિપત્રક મેળવવાનું જરૂરી રાખ્યું છે. શ્રી ચુડાસમાએ ઉમેર્યુ કે, તા.ર૩ નવેમ્બરથી શાળા-કોલેજો શરૂ થાય એટલે કેટલા વિદ્યાર્થીઓ હાજર રહે છે, કેટલા વાલીઓની સંમતિ આવી છે તેની માહિતી દિવસમાં ૩ થી ૪ વાર રાજ્યકક્ષાએ મળે તેવી સંકલન વ્યવસ્થા કરેલી છે. શિક્ષણ મંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું કે, સ્થાનિક પરિસ્થિતી, અનુકૂળતા અને સગવડતા માટે જરૂર જણાયે નાના-મોટા ફેરફારો SOPમાં કરી શકાશે. જિલ્લા કલેકટરો સાથે સંકલનમાં રહિને કંટ્રોલરૂમ કાર્યરત કરવાની પણ વ્યવસ્થા ઊભી કરી છે એમ તેમણે ઉમેર્યુ હતું.
શિક્ષણ મંત્રીશ્રીએ જણાવ્યું કે, કોઇ જ કન્ટેનમેન્ટ વિસ્તારોમાં શાળા-કોલેજો શરૂ કરવામાં નહિ આવે.

જ્યાં શાળા-કોલેજો શરૂ થાય ત્યાં થર્મલ ગન, ફરજીયાત માસ્ક, સેનીટાઇઝર, શાળાની નજીકમાં જ આરોગ્ય કેન્દ્ર દવાખાનાની સગવડતા અંગે વિશેષ કાળજી રાખવાની રહેશે. તેમણે ઉમેર્યુ કે, સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા જરૂર જણાયે રેમિડિયલ એજ્યુકેશન વ્યવસ્થા કરવામાં આવશે. શાળા-કોલેજો શરૂ કરતા પહેલાં સ્વચ્છતા-સફાઇને પ્રાધાન્ય આપવાનું રહેશે. એટલું જ નહિ, શાળા સંચાલકો, SMC સભ્યો, શિક્ષકો, વિદ્યાર્થીઓમાં SOP અને હેલ્થ હાઇજિન પ્રોગ્રામ માટે કેપેસિટી બિલ્ડીંગ પણ કરવામાં આવશે. શિક્ષણ મંત્રીશ્રીએ ભારપૂર્વક કહ્યું કે, સ્થાનિક સગવડ તા-પરિસ્થિતી મુજબ કોઇ ફેરફાર સંદર્ભે વાલીઓની જો કોઇ નાની-મોટી ફરિયાદ-રજૂઆત આવે તો DEO અને વાઇસ ચાન્સેલરશ્રીઓ તેનો યોગ્ય ઉકેલ લાવે તેવી પણ સૂચના આપી છે.

શ્રી ભૂપેન્દ્રસિંહજીએ જણાવ્યું કે, કાળજીપૂર્વક કરવામાં આવતા કામનું પરિણામ અવશ્ય આવે જ છે તે ધ્યાનમાં રાખીને સંપૂર્ણ સતર્કતા-સાવચેતી સાથે શાળા-કોલેજો શરૂ કરવાનો રાજ્ય સરકારનો નિર્ણય છે તેમાં આ સમગ્ર વ્યવસ્થાઓ સરળતાથી સચવાશે જ. તેમણે કહ્યું કે કાળજી લેવાથી કામ પણ ચાલે અને કોરોનાથી બચી પણ શકાય તેવો સંદેશ તા.ર૩મી નવેમ્બરથી શાળા-કોલેજો શરૂ કરીને ગુજરાત આપશે. શ્રી ચુડાસમાએ આ સર્વગ્રાહી બધી જ પૂર્વ તૈયારીઓની સજ્જતા માટે શિક્ષણ તંત્ર, DEO સહિત સૌને અભિનંદન આપ્યા હતા.

આ વિડીયો કોન્ફરન્સમાં શિક્ષણ અગ્ર સચિવ શ્રીમતી અંજુ શર્મા, સચિવ શ્રી વિનોદ રાવ, માધ્યમિક શિક્ષણ બોર્ડના શ્રી એ. જે. શાહ, સમગ્ર શિક્ષા અભિયાનના નિયામક શ્રીમતી પી. ભારથી અને વિવિધ શાળા-યુનિવર્સિટી સંચાલકો, વાઇસ ચાન્સેલરો જોડાયા હતા.