Tik Tok Hello

‘આત્મનિર્ભર ભારત એપ ઈનોવેશન ચેલેન્જ’નો કર્યો પ્રારંભ:કેન્દ્ર સરકાર

કેન્દ્ર સરકારનું ચાઇનીઝ મોબાઇલ એપ પર ડીજીટલ સ્ટ્રાઇક બાદ વધુ એક સરાહનીય પગલું, ‘આત્મનિર્ભર ભારત એપ ઈનોવેશન ચેલેન્જ’નો કર્યો પ્રારંભ

દેશના યુવાનોને મળ્યો છે ‘મેક ઇન ઇન્ડિયા’નો મંત્ર, ટેકનોલોજી અને સ્ટાર્ટઅપ સાથે જોડાયેલ યુવા સાહસિકોને પુરસ્કાર સાથે પ્રોત્સાહન

09 JUL by PIB Ahmedabad

કોરોના વાયરસ સંક્રમણને અટકાવું, કોરોના સંકટથી દેશને સુરક્ષિત રાખવો, દેશના ગરીબવર્ગની સમસ્યાઓને દૂર કરી સહાય આપવી, દેશના અર્થતંત્રને પુનઃ દોડતું કરવું, સરહદ પર ઉભા થયેલ તણાવને દૂર કરી દેશને સુરક્ષિત કરવો આવા એક-બે નહીં પરંતુ અનેક મોરચે એક સાથે લડી રહેલ સરકાર એક પછી એક અસરકારક પગલાંઓની સાથે મહત્વપૂર્ણ નિર્ણયો લઇ રહી છે. સાથે જ દેશના અર્થતંત્રને ઝડપથી ધબકતું કરવા આર્થિક પેકેજના બુસ્ટર ડોઝની સાથે દેશમાં આત્મનિર્ભર ભારત અભિયાનની શરુઆત પણ કરી છે. ચીનની સરહદ પરની અપરાધજનક ગતિવિધિને સેનાએ તો જડબાતોડ જવાબ આપ્યો જ છે સાથે જ ચીનને આર્થિક મોરચે પણ  જવાબ આપતા કેન્દ્ર સરકારે 59 જેટલી મોબાઇલ એપ્લીકેશન પર પ્રતિબંધ લાદીને ચીન પર ડીજીટલ સ્ટ્રાઈક કરી દીધી છે. દેશની અખંડતા અને સુરક્ષા માટે ખતરારૂપ ચાઇનીઝ મોબાઇલ એપ્લીકેશન પર આઇટી એક્ટ,2009ની ધારા 69એ અંતર્ગત કેન્દ્ર સરકારે પ્રતિબંધ લાદી દીધો છે. જેનાથી ચીનને બહુ મોટો આર્થિક ફટકો પણ પડી રહ્યો છે. સરકારના આ ત્વરિત નિર્ણયની દેશભરના લોકો પ્રસંશા કરી રહ્યાં છે સાથે જ આ નર્ણયને આવકારી તેને પોતાનું સમર્થન પણ આપી રહ્યાં છે. દેશમાં ચાઇનીઝ મોબાઇલ એપ્લીકેશનની સાથે ચાઇનીઝ ઉત્પાદનોના બહિષ્કારનું સ્વયંભૂ અભિયાન પણ ઉભું થઇ ગયું છે. જે દર્શાવે છે કે કેન્દ્ર સરકારના આ નિર્ણયને દેશવ્યાપી જનસમર્થન મળી રહ્યું છે.

     ચીન પર ડીજીટલ સ્ટ્રાઇકની સાથે કેન્દ્ર સરકારે વધુ એક સરાહનીય પગલું પણ લીધું છે. પ્રધાનમંત્રીશ્રીએ આત્મનિર્ભર ભારત ઇનોવેશન ચેલેન્જનો પ્રારંભ કર્યો છે. આ ચેલેન્જનો પ્રારંભ કરાવતાં પ્રધાનમંત્રીશ્રીએ જણાવ્યું છે કે આજે વિશ્વકક્ષાની મેઈડ ઇન ઇન્ડિયા એપ્લીકેશનો તૈયાર કરવા માટે ટેક અને સ્ટાર્ટઅપ સમુદાયમાં પ્રબળ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમના નવા વિચારો અને ઉત્પાદનોને સુવિધા સાથે પ્રોત્સાહન પૂરું પાડવા માટે આત્મનિર્ભર ભારત એપ ઇનોવેશન ચેલેન્જનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જો દેશના કોઇ પણ વ્યક્તિ પાસે આવું કોઇ કામ કરતું ઉત્પાદન હોય અથવા એમ લાગતું હોય એની પાસે આવા ઉત્પાદનો તૈયાર કરવાની દૂરંદેશી દ્રષ્ટિ અને નિપૂણતા છે તો તેમના માટે આ ચેલેન્જ છે. અને તેઓ આ ચેલેન્જમાં ભાગ લઇ શકે છે. આ ચેલેન્જમાં સોશ્યલ નેટવર્કીંગ, એન્ટરટેઇમેન્ટ, ઓફિસ વર્ક એન્ડ વર્ક ફ્રોમ હોમ, ઇ-લર્નીંગ, સ્વાસ્થ્ય અને સલામતી, કૃષિક્ષેત્ર, રમતગમત અને સમાચાર જેવી આઠ કેટગરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. મુખ્ય કેટગરીમાં રૂપિયા 10 થી 20 લાખ સુધીના પુરસ્કાર રાખવામાં આવ્યાં છે. જ્યારે સબ કેટગરીઝમાં રૂપિયા 2 થી 5 લાખ સુધીના પુરસ્કાર રાખવામાં આવ્યાં છે.

pic1J32P
શ્રી ચેતનભાઇ સરવૈયા

     કેન્દ્ર રકારની આ ચેલેન્જથી ટેકનોલોજી સાથે જોડાયેલ યુવાવર્ગમાં વિશેષ ઉત્સાહનો સંચાર થયો છે. કેન્દ્રની સુવિધાઓ સાથે પુરસ્કારરૂપી પ્રોત્સાહને ટેકનોલોજી ક્ષેત્ર સાથે જોડાયેલ  યુવાનોના કંઇક નવું કરવાના અને મેઈડ ઇન ઇન્ડિયા ઇનોવશન કરવાના જોમ-જુસ્સામાં વધારો કર્યો છે. આવા યુવાસાહસિકો સરકારના આ નિર્ણયની સરાહના સાથે સરકારનો આભાર વ્યક્ત કરી રહ્યાં છે. ભાવનગરમાં રહેતાં આઇટી એક્સપર્ટ અને સોફ્ટવેર સોલ્યુશનનો સ્વતંત્ર વ્યવસાય ધરાવતાં ચેતનભાઇ સરવૈયાએ અમારા પીઆઇબીના પ્રતિનિધિને જણાવ્યું કે ચાઇનીઝ એપ્લીકેશન પરનો પ્રતિબંધ એ સરકારનું ઉત્તમ પગલું છે. જેની સરાહના સાથે હું તેને સમર્થન આપું છું. સાથે આત્મનિર્ભર ભારત એપ ઇનોવેશન ચેલેન્જનો એક આઇટી એક્સપર્ટ તરીકે સ્વીકાર કરું છું. આ ચેલેન્જથી મારા જેવા ટેકનોલોજી અને સોફ્ટવેરના સ્વતંત્ર વ્યવસાય સાથે જોડાયેલ લોકોને પ્રોત્સાહન સાથે પોતાની ક્ષમતાને દર્શાવી આગળ વધવાનું બળ પ્રાપ્ત થશે.  નવા ઇનોવેશન સાથે અમે પણ આત્મનિર્ભર ભારતના નિર્માણમાં અમારો સહયોગ આપી શકીશું. જે માટે હું પ્રધાનમંત્રીશ્રી અને ભારત સરકારનો આભાર માનું છું.

pic2SSUW
શ્રી કૌશલ ભટ્ટ

ભાવનગરમાં રહેતાં અને અમદાવાદમાં સોફ્ટવેર એન્ડ વેબસાઇટ ડેવલપમેન્ટ કંપનીમાં કાર્ય કરતાં એન્જીનીયર કૌશલ ભટ્ટે અમારા પ્રતિનિધિને જણાવ્યું કે ભારત સરકારનું ડીજીટલ ઇન્ડિયા અને મેઈક ઇન ઇન્ડિયા અભિયાનને આગળ વધારવા અમારા જેવા દેશના લાખો યુવાનો સક્ષમ છે. આવા યુવાનોની ક્ષમતા અને કુશળતાને પ્રદર્શિત કરવાની એક ઉત્તમ તક આત્મનિર્ભર ભારત એપ ઇનોવેશન ચેલેન્જથી ઉભી થઇ છે. સાથે જ સરકારનું પુરસ્કારરૂપી પ્રોત્સાહન અમારા નવા વિચારો અને ઇનોવેશન રજૂ કરવા માટેનું ટોનિક સાબીત થયું છે. જે માટે હું પ્રધાનમંત્રીશ્રીનો તેમજ ભારત સરકારનો ખૂબખૂબ આભાર વ્યક્ત કરું છું.

pic3A3JV
શ્રી પાર્થ પંડ્યા

      ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિન્યરીંગના અંતિમવર્ષમાં અભ્યાસ કરતાં ભાવનગરમાં રહેતા ભાવિ એન્જિનિયર પાર્થ પંડ્યાએ અમારા પ્રતિનિધિને જણાવ્યું કે ટેકનોલોજીના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા જઇ રહેલા અમારા જેવા યુવાઓ માટે સરકારનો આ નિર્ણય અને સરકારની આ ચેલેન્જ ખૂબ મહત્વપૂર્ણ છે. પડકાર આપવાની સાથે સુવિધાઓ પણ પૂરી પાડીને ભારત સરકારે આશાસ્પદ ટેકનોલોજી એક્સપર્ટ યુવાનોને તેમના સ્વતંત્ર વ્યવસાય ઉભા કરવા અને પોતાના ઇનોવેશનને રજૂ કરવા માટેનું એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. જે સૌના માટે લાભદાયી છે. સાથે જ આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરનાર છે. જે માટે હું ભારત સરકારને અભિનંદન સાથે આભાર વ્યક્ત કરું છું.

      હાલમાં ઉપયોગમાં હોય તેવી એપ્લિકેશનોને પ્રોત્સાહન અને  નવી એપ્લિકેશનનો વિકાસ એમ બે ટ્રેક પર આ ચેલેન્જને રજૂ કરવામા આવી છે. ભારતીય યુવાવર્ગ અને ભારતીય ટેકનોલોજી ઉદ્યોગસાહસિકો તેના નવા વિચારો અને ઇનોવેશન થકી દેશને વિશ્વકક્ષાએ આગળ લઇ જવાનું સામર્થ્ય ધરાવે છે. તેમના સામર્થ્યનો રાષ્ટ્રવિકાસમાં ઉપયોગ કરવા આ ચેલેન્જ ઘણી અસરકારક પૂરવાર થશે. ત્યારે દેશના યુવાનોને મેક ઇન ઇન્ડિયાનો મળેલો આ મંત્ર આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરશે.