Surat Plasma center

લોકસમર્પણ બ્લડ બેંક ખાતે રાજ્યના સૌપ્રથમ ખાનગી પ્લાઝમા સેન્ટરનો શુભારંભ

Surat Plasma center


સુરત:સોમવાર: આરોગ્ય રાજ્યમંત્રીશ્રી કિશોરભાઈ કાનાણીના હસ્તે આજરોજ સુરતની ખ્યાતનામ લોકસમર્પણ બ્લડ બેંક ખાતે રાજ્યના સૌપ્રથમ ખાનગી ‘કોવિડ-૧૯ પ્લાઝમા સેન્ટર’નો શુભારંભ કરવામાં આવ્યો હતો. સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા સેન્ટર માટે રૂ.૧૧ લાખની માતબર રાશિનો સહયોગ આપવામાં આવ્યો છે.
        કોરોના મહામારીમાં પ્લાઝમા થેરાપી કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે ઉપયોગી સાબિત થઈ રહી
છે, ત્યારે વરાછા સ્થિત મિનીબજાર, સરદાર ચોક સ્થિત લોકસમર્પણ બ્લડ બેંકને પ્લાઝમા થેરાપી
પ્રક્રિયા શરૂ કરવા માટે રાજ્ય સરકાર તથા કેન્દ્રીય ડ્રગ કન્ટ્રોલ વિભાગ દ્વારા આપવામાં આવેલી
મંજૂરી અંતર્ગત કાર્યરત થયેલું પ્લાઝમા સેન્ટર સમગ્ર દક્ષિણ ગુજરાતના દર્દીઓને લાભકર્તા થશે.
આ પ્રસંગે મંત્રીશ્રી કિશોરભાઈ કાનાણીએ જણાવ્યું હતું કે, કોરોનાને નાથવા માટે રાજ્ય
સરકાર કોરોના દર્દીઓ નિ:શુલ્ક અને શ્રેષ્ઠ સારવાર આપી રહી છે. કોરોના વાયરસ સામેની
લડતમાં આરોગ્ય સેનાનીઓ અને જનતાના સહયોગથી વિજયી બનીશું. રાજ્ય સરકાર કોરોનાને
મ્હાત આપવાં પ્લાઝમા થેરાપીને પણ પ્રોત્સાહન આપી રહી છે. લોકસમર્પણ બ્લડ બેંક ખાતે
રાજ્યનું સૌપ્રથમ બિનસરકારી ‘કોવિડ-૧૯ પ્લાઝમા સેન્ટર’ કોરોના સામેની લડાઈમાં અતિ
સહાયરૂપ બનશે.

kanani blood plazma5903587336238517243.


મંત્રીશ્રીએ સરકારી હોસ્પિટલની સાથોસાથ ખાનગી બ્લડ બેંકો, સંસ્થાઓ પ્લાઝમા પ્રક્રિયા
માટે જાગૃત્ત બની સરકારની કોરોના સામેની લડાઈમાં સહભાગી બની રહ્યા છે એમ જણાવી
લોકસમર્પણ બ્લડ બેંકને અભિનંદન પાઠવ્યાં હતાં.
 
આ વેળાએ કોરોનામુક્ત થયેલા ૬૧ વર્ષીય ડો.અમુલખ સવાણી તેમજ ૧૪ દિવસની
સારવાર બાદ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયેલાં ૪૭ વર્ષીય રેડિયોલોજીસ્ટ ડો.જગદીશ
વઘાસિયાએ આ સેન્ટરમાં પ્લાઝમા ડોનેશન કર્યું હતું. ડો.જગદીશભાઈ આજ સુધી ૭૪ વાર
રક્તદાન કરી ચૂક્યા છે.
આ પ્રસંગે મેયર ડો. જગદીશભાઈ પટેલે જણાવ્યું હતું કે, કોવિડના સાજાં થયેલાં દર્દીઓએ
પ્લાઝમા ડોનેટ કરવા માટે આગળ આવવું જરૂરી છે. પ્લાઝમામાં કોરોના વાયરસ સામેની
એન્ટીબોડી હોય છે. કોરોનાની બિમારીમાંથી સાજા થયેલાં દર્દીના શરીરમાં વાયરસ સામે

surat lok samarpan hospital8682407624210779947.

એન્ટીબોડી ઉત્પન્ન થાય છે. સરકારી હોસ્પિટલમાં પ્લાઝમા ડોનર પાસેથી પ્લાઝમા એકત્ર કરતી
વખતે ICMR ની ગાઈડલાઈનને સંપૂર્ણપણે અનુસરવામાં આવે છે. પ્લાઝમા લેતી વખતે ડોનરનું
એન્ટી બોડી સ્ક્રિનિંગ ટેસ્ટ કર્યા બાદ કોરોનામુક્ત દર્દીમાં એન્ટીબોડી ડેવલપ થાય તેનું જ પ્લાઝમા
લેવામાં આવે છે. આ થેરાપીથી દર્દીઓની રોગપ્રતિકારક શકિતમાં ખુબ વધારો થાય છે.   
શ્રી કાનજીભાઈ ભલાળાએ જણાવ્યું હતું કે, કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિમાં સુરતમાં
પ્લાઝમા પ્રોસેસ કરી શકે તેવા પ્લાઝમા સેન્ટરની વધુ જરૂરિયાત હોવાથી લોકસમર્પણ રક્તદાન
કેન્દ્રની બ્લડ બેંકને પ્લાઝમા થેરાપી પ્રક્રિયા માટે ઝડપથી મંજૂરી મળે તે માટે આરોગ્ય
રાજ્યમંત્રીશ્રી કિશોરભાઈ કાનાણી દ્વારા રાજ્ય સરકાર તથા કેન્દ્રીય ડ્રગ કન્ટ્રોલ વિભાગને
અસરકારક રજૂઆત કરી ઝડપભેર મંજૂરી આપવામાં ઉમદા સહયોગ આપ્યો છે, જે બદલ
મંત્રીશ્રીનો તેમણે ઋણસ્વીકાર કર્યો હતો. સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ કોઈ પણ સંકટના સમયે
નાગરિકોને સહાયરૂપ થવાં માટે પ્રતિબદ્ધ છે એમ તેમણે ઉમેર્યું હતું.   
         લોકસમર્પણ રકતદાન કેન્દ્રના પ્રમુખશ્રી હરિભાઈ કથીરીયાએ વર્ષ ૧૯૯૬થી કાર્યરત
લોકસમર્પણ બ્લડ બેંકમાં હવે પ્લાઝમા માટે ટેસ્ટીંગ અને પ્લાઝમા જુદાં પાડવા માટેની કામગીરી થઈ શકશે. જેથી વધુમાં વધુ દર્દીઓને સ્વસ્થ કરવામાં સહાયતા મળશે એમ જણાવ્યું હતું.
આ પ્રસંગે સાંસદશ્રી સી.આર.પાટિલ, દર્શનાબેન જરદોશ, ધારાસભ્ય સર્વશ્રી કાંતિભાઈ
બલર, વિનુભાઈ મોરડિયા, વી.ડી.ઝાલાવાડીયા, પ્રવિણ ઘોઘારી, હિતેશભાઈ ઢાંકેચા, જીવરાજભાઈ ડાંખરા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.