geetaben shroff

“હું સુરત” તમને ખાત્રી આપું છું કે હું ફરીથી બેઠું થઇશ:ગીતા શ્રોફ

ખુદ સુરક્ષિત રહીશું અને અન્યો ને સુરક્ષિત રાખીશું……

geetaben shroff
ગીતા શ્રોફ,સમાજ સેવિકા અને મહિલા અગ્રણી

હું સુરત……

  • આગ માં પણ ખાક થયુ, લૂંટાયું પણ ખરું, રોગચાળો ,પુર,અને બીજી અનેક આપત્તિઓનો સામનો કરી  બમણા વેગથી   વિકાસની  સ્પીડ પકડી બેઠું પણ થયું છું….જે સૌએ જોયું છે…
  • એક એવો સમય હતો કે મુંબઈ થી આવતી ટ્રેનો સુરત સ્ટેશન નજીક આવે એટલે અંદર બેઠેલા મુસાફરો નાક આગળ રૂમાલ રાખતા, એ ગંદકીભર્યો ભૂતકાળ દૂર કરનારા સરકારી અધિકારીઓ ,નગરસેવકો અને સહકાર આપનાર નાગરિકો જ હતા. જેના પરિણામે સ્વચ્છતામાં સુરતે આંતરરાષ્ટ્રીય સ્તરે એવૉર્ડ પ્રાપ્ત કર્યા. આજે સૂરતીઓને સ્વચ્છતા ગમી ગઈ છે. ભલે એ પછી શિક્ષિત હોય યા ના હોય બધાને ચોખ્ખું સુરત જ ગમે છે,જે સાકાર થઈ ગયું ….

બીજી ઓળખ આપું….દેશના અન્ય પ્રાંતોના લોકોની રોજગારીનું કેન્દ્ર શહેર એટલે સુરત…અન્ય પ્રાંતના લોકોને પોતાના રંગે રંગી સૌમ્ય અને ખંતીલા બનાવ્યા એ સુરત…

  • પુર આવ્યું ત્યારે વેપાર, રહેણાંક ના હજારો મકાનો ,  દુકાનો પાણી માં ડૂબેલા ત્યારે  ટી.વી. ઉપર આવતા દ્રષ્યો જોઈ બીજા રડી પડયા હશે પણ આવા સમયે ખુશ રહે…..હસતો રહે…….અને ડૂબેલા સુરત ના માહોલ માં પણ લારી ઉપર ગરમા ગરમ લોચો કે ભજીયા ખાઈ શકે એ સુરતી ….
  • સુરત… વિશ્વનું એકમાત્ર નગર જયાં કરોડોના હીરાઓની લે-વેચનું બજાર જાહેર રસ્તા પર હોય માત્ર સૂરત માંજ સંભવી શકે…
  • સુરત ની જે પવિત્ર ભૂમિ ઉપર શ્રીનાથજીએ પરે ભૈયાના સ્વરૂપે સ્વયમ વ્રજથી અહીંયા બેઠક કરેલ તેવો ૩૫૦વર્ષ જૂનો ઐતિહાસિક વારસો ધરાવતી શ્રી પરે ગોવર્ધનજી બેઠક આજે પણ રેલ્વે સ્ટેશન પાસે સાક્ષાત્ છે…
  • કુંવારી ભૂમિ એટલે અશ્વિનીકુમારભૂમિ …જ્યાં દાનવીર કર્ણને અગ્નિદાહ  અપાયો.તેથી જ આજે પણ સુરત દાનવીરોની ભૂમિ તરીકે ઓળખાય છે…   

સૂર્યપુત્રી તાપી ના પાવન કિનારે વસેલું નગર એટલે સુરત…

  • વર્ષો થી નવું કરવાનું ,નૂતન અભિગમો ,પહેલ કરવી ,સાહસ કરવાની વૃત્તિ  જયાં સહજતાથી વહે એ સુરત….પોતાની દુકાન ,ઘર ડીમોલેશન માં સામેથી આપનારા સુરતના વિકાસમાં મહત્વનું યોગદાન આપનારા દરિયા દિલ વિરલાઓનું આ સુરત….
  • વેપાર ,વાણિજ્ય, ઉધોગ,નૂતન અભિગમો, જબરજસ્ત આર્થિક તાકાત ધારાવતું  વૈશ્વિક ઓળખ ધરાવતું  સુરત શહેર અને સુરતીઓ સંકલ્પબદ્ધતા દાખવે તો કદાચ કોરોના ને ભગાડવામાં રાજ્ય કે દેશમાંજ નહીં પણ વિશ્વ ને પ્રેરણા  આપવાની શક્તિ ધરાવે છે સુરત…..
  • સૌને નવો રસ્તો બતાવવાની ક્ષમતા પણ આ શહેરમાં અને શહેરીજનોમાં છે જ…
  • સુરતીઓએ પોતાની કાળજી લઇ અન્યોને કોરોના સંક્રમણ થી બચાવવાનું કાર્ય કરવાનું છે અને કેટલાક એ પ્રેરણારૂપ કાર્ય કરી પણ રહયા છે…

આ સમય છે ધૈર્ય સાથે દ્રઢતાપૂર્વક સંકલ્પ કરી સ્વયં શિસ્તનું પાલન કરવાનો…

  • શ્રદ્ધા -વિશ્વાસ -સાવચેતી સાથે પોઝીટીવ વિચાર-આચાર અને નવા રસ્તા કંડારવાનો….
  • શ્રી નરેન્દ્રભાઇ મોદીએ તો કોરોના ને અટકાવવા તાકીદે લોકડાઉન જાહેર કરી આપણને સૌને મોટી જાનહાનિથી બચાવ્યા. હવે વારો છે આપણો…કોરોના સંક્રમણ સામે રાજ્ય સરકાર ,આરોગ્ય વિભાગ ની આદર્શ આચાર સંહિતા નું  પાલન કરીને નૈતિક જવાબદારી નિભાવવાનો…
  • ગુજરાત સરકાર તેમજ મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તથા આરોગ્ય વિભાગ  અને સમગ્રતયા તંત્ર કામ કરી રહ્યા છે.. સારામાં સારી સારવાર દરેક ને મળે મૂલ્યવાન  જીવન બચાવવા દિવસ રાત પરિશ્રમ કરી રહ્યા છે
  • ત્યારે સામે પક્ષે જે લોકો સંક્રમિત નથી થયા તે ઓએ આરોગ્ય ગાઈડ લાઈન નું અચૂક પાલન કરવું રહ્યું..

  સુરત ખાતે ખાસ ફરજ ઉપરના રાજ્યના આરોગ્ય સચિવ શ્રી મિલિંદ તોરવણે, સચિવ શ્રી મહેન્દ્ર પટેલ ,આપણા મ્યુનિસિપલ  કમિશનર શ્રી બંછાનિધિપાની અને સમગ્રતયા આરોગ્ય ટીમ કોરોના સંક્રમિત લોકને બચાવવા સતત કાર્યરત  છે.શહેરીજનોને  જરૂરી અને યોગ્ય માહિતી આપવાનું એક જનજાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે.

સુરત મહાનગર પાલિકાની ટીમ,આપણા ડોકટર્સ, મેડિકલ અને નોનમેડિકલ સ્ટાફ,પોલીસ ડિપાર્ટમેન્ટ, સ્વૈચ્છિક સંસ્થાઓ, સરકારી કર્મચારીઓ ,જરૂરીયાતી સેવાઓ આપનાર કર્મીઓ, આ તમામ દેશના સૈનિકોની માફક આપણી સુરક્ષા માટે પોતાનો જીવ જોખમમાં મૂકે છે. તે તમામની સેવાઓને બિરદાવવી એ આપણી જવાબદારી પણ છે અને ફરજ પણ…

તમામના સ્વાસ્થયની શુભકામના સાથે યાચના :

ખુદ સુરક્ષિત રહો અને અન્યોને સુરક્ષિતતા આપો …