SK Nanda

રાજ્યના પૂર્વ અધિક મુખ્ય સચિવ ડો.એસ.કે.નંદાએ આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધનને પાઠવ્યો પત્ર

  • લક્ષણો વગરના અથવા આછા લક્ષણો ધરાવતા કોવિડ કેસોમાં દેશી ઔષધ પરંપરાઓનો શક્ય તેટલો વધુ વિનિયોગ કરીને લોકોને ખર્ચના ખાડામાંથી બચાવવા જોઈએ
  • ખૂબ ગંભીર કેસોમાં જ વેન્ટિલેટર સારવાર જરૂરી બને છે

વડોદરા, ૧૧ સપ્ટેમ્બર:ડો.એસ.કે.નંદા રાજ્યના અધિક મુખ્ય સચિવ અને જીએસએફસીના અધ્યક્ષ પદે થી નિવૃત્ત થયેલા,વિવિધ ક્ષેત્રોમાં વ્યાપક અનુભવ ધરાવતા પૂર્વ સનદી અધિકારી છે. એમણે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ તરીકે લાંબો સમય કામ કર્યું છે અને વન સમૃદ્ધ ડાંગ જિલ્લા અને આદિવાસી વૈદક પરંપરાઓ સાથે એમનો સઘન નાતો રહ્યો છે.

SK Nanda

તેમણે કોવીડ સંકટમાં લોકોને સસ્તી સારવાર કેવી રીતે સુલભ બને,રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં દેશી ઓસડીયાનો સસ્તો અને સમુચિત ઉપયોગ કેવી રીતે થઇ શકે એના વિચારશીલ સૂચનો કરતો પત્ર ભારત સરકારના આરોગ્ય મંત્રીને પાઠવ્યો છે.આ પત્રમાં તેમણે જેઓ કોવીડ પોઝિટિવ છે, પરંતુ તેના લક્ષ્ણો ધરાવતા નથી અથવા ખૂબ આછા લક્ષ્ણો ધરાવે છે એમને ઘર બંધિમાં રાખી દેશી વાનસ્પતિક ઔષધો દ્વારા સારવાર આપવાનો,અને ખૂબ જરૂરિયાતના સંજોગોમાં જ મોંઘી દવા,મોંઘી સારવાર નો સહારો લેવાનો વિકલ્પ અપનાવવા ભારપૂર્વક ભલામણ કરી છે.

તેમણે આ પત્રમાં પોતાના ડાંગ જિલ્લાના અનુભવો ટાંકીને જણાવ્યું છે કે આદિવાસીઓ ઝળીઝાંખ્રા વાળા ખેતરોમાં કામ કરતી વખતે મચ્છર,જીવજંતુ થી બચવા શરીર પર સરસીયા જેવા તેલોની માલિશ કરવા જેવી રીતો અપનાવે છે.દેશના ડાંગ જેવા આદિવાસી પ્રદેશો અને ગ્રામ વિસ્તારમાં રસોડામાં વપરાતા મસાલા આધારિત , જડી બુટ્ટી અને કંદમૂળ આધારિત દવાઓની સરળ,સસ્તી અને સોંઘી પરંપરાઓ છે.ડાંગ જેવા વિસ્તારોમાં આદિવાસી ગ્રામીણ વૈદો ની પરંપરા છે. આ પરંપરાઓ ના કોઈ પેટન્ટ લેવામાં આવ્યા નથી પરંતુ તે રોગને અટકાવવા અને ઉપચારમાં અસરકારક અને કારગર છે.અનુભવો ના આદાન પ્રદાન થી અને મૌખિક રીતે આ પરંપરાઓ ફેલાઈ છે અને વધુ મજબૂત અને વ્યાપક બની છે.ગ્રામીણ પરિવેશમાં એનો વિવિધ શારીરિક રોગોના ઉપચાર માટે ઉપયોગ થતો આવ્યો છે અને કારગર પણ જણાઇ છે.

આ પરંપરા ઉપચાર માટે વિવિધ વનસ્પતિઓ,વૃક્ષ, વેલા ના વાનસ્પતિક રસાયણો, મૂળ,છાલ,બીજ અને ફળોનો ઔષધ તરીકે ઉપયોગ કરે છે.તેના સેવન થી રોગની સારવાર પણ થતી આવી છે અને રોગો સામે પ્રતિકાર શક્તિના સંવર્ધન માટે તેનો ઉપયોગ થતો રહ્યો છે.કોરોના ને થતો અટકાવવાનો અને કોરોના થઈ જાય તો શરીર ને તેના મુકાબલા માટે સતત સક્ષમ રાખવાનો શ્રેષ્ઠ ઉપાય રોગ પ્રતિકાર શક્તિ ને મજબૂત કરવાનો છે.

એટલે મોંઘા એલોપેથીક ઉપચારો ના વિકલ્પે લક્ષણ વગરના અથવા આછા લક્ષ્ણો ધરાવતા લોકોને બને ત્યાં સુધીમાં ઘરમાં જ,સહુ થી અલગ જગ્યાએ રાખી આ પ્રકારના દેશી ઔષધો,ઉકાળાના સેવન દ્વારા તેમનો ઉપચાર કરવો વધુ હિતાવહ જણાય છે.તેના થી સારવાર ખર્ચ પણ બચશે અને દવાખાનાઓમાં વધુ ગંભીર દરદીઓનો શ્રેષ્ઠ એલોપેથીક વિકલ્પો થી સુવિધાજનક ઉપચાર થઈ શકશે.નાકના નસકોરામાં દેશી ઘી ના કે સરસીયા ના તેલના ટીપાં નાખી ઘરની બહાર નીકળવા જેવી પરંપરાઓ આપણી સંસ્કૃતિ સાથે વણાઈ ગઈ છે જેનો મૂળ ઉદ્દેશ આજના સંદર્ભમાં નાક વાટે શરીરમાં વિષાણુ એટલે કે વાયરસ નો પ્રવેશ અટકાવવાનો છે.લોકોને આ બધી પરંપરાના વિનિયોગ નું યોગ્ય શિક્ષણ અને માર્ગદર્શન આપીને,તેમને આ પરંપરાઓ સાથે જોડીને એક કોરોના પ્રતિકાર ઉપચાર વ્યવસ્થા ગોઠવવામાં આવે એવી ભલામણ ડો. નંદા એ કરી છે.

loading…