Exercise Corona 2

સયાજી હોસ્પિટલના કૉવીડ વોર્ડમાં દર્દીઓની શ્વસનક્રિયાને સમતોલ કરવા હાસ્ય અને રમત ચિકિત્સાનો પ્રયોગ

Exercise Corona 2
  • સયાજી હોસ્પિટલના કૉવીડ વોર્ડમાં દર્દીઓની શ્વસનક્રિયાને સમતોલ કરવા હાસ્ય અને રમત ચિકિત્સાનો પ્રયોગ થઈ રહ્યો છે
  • ૬ માળની ઇમારતના પ્રત્યેક માળ પર મ્યુઝિક સિસ્ટમના ભાગરૂપે ૨૦થી વધુ સ્પીકર દ્વારા સવાર સાંજ પ્રાર્થના અને પ્રેરણા ગીતોના વાદન દ્વારા સંગીત ચિકિત્સાનું આયોજન
  • નોન કોવિડ એરિયામાં આવેલા નિયંત્રણ કક્ષમાં માઇક સિસ્ટમ રખાશે:
  • શહેરના કલાકારો દર્દીઓની સંગીત સેવા કરી શકે તેવી તક આપવાની વિચારણા

વડોદરા, ૦૧ ઓક્ટોબર: ભગવાન શ્રીકૃષ્ણ જ્યારે વ્રજમાં વાંસળી વગાડતા ત્યારે જાણે કે આખા વ્રજમાં નવી ચેતનાનો સંચાર થતો. યમુનાના નીરથી લઈને પશુ, પક્ષી, વનસ્પતિ, વ્રજવાસીઓ અને જડ ચેતન બધાના એમનો વેનું નાદ ઉત્સાહ અને ઉમંગ ભરતો. કદાચ સમગ્ર સૃષ્ટિમાં સકારાત્મક ચેતના નો સંગીત દ્વારા સંચાર કરવાનો એ પ્રથમ પ્રયોગ હશે.

Exercise Corona

સંગીત ચેતના જગવે છે અને સકારાત્મક શક્તિનો સંચાર કરે છે એટલે દર્દીઓની સારવારમાં દવાઓની સાથે સંગીત દ્વારા ઉપચાર જગતમાં સ્વીકૃત થયો છે. એ રોગમાંથી સાજા થવાની મનની સંકલ્પ શક્તિને કેળવે છે. આ બાબતને ધ્યાનમાં લઈને સયાજી હોસ્પિટલની કૉવીડ સારવાર સુવિધામાં સંગીત ઉપચાર એટલે કે મ્યુઝિક થેરાપી ઉમેરવામાં આવી છે જે સારવાર હેઠળના દર્દીઓને પ્રફુલ્લિત રાખશે.તેની સાથે દર્દીઓની શ્વસન ક્રિયાને સમતોલ અને સામાન્ય (નોર્મલ) રાખવા હાસ્ય ચિકિત્સા અને સામૂહિક રમત ચિકિત્સાનો આધાર લેવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત યોગ અને વિવિધ પ્રકારની કસરતો તો ફિઝિયોથેરાપી વિભાગના સહયોગથી કરાવવામાં આવી જ રહી છે.

આ નોન મેડિકલ ઉપચારોનો મુખ્ય આશય સાજા થવાની સંકલ્પ શક્તિ કેળવવાનો અને તેના દ્વારા દર્દીઓમાં સાજા થવાની પ્રક્રિયાને વેગ આપવાનો છે. સયાજી હોસ્પિટલ ખાતેની કોવિડ સારવાર સુવિધા ૬ માળની ઈમારતમાં આવેલી છે જેના પ્રત્યેક માળ પર સંગીતના પ્રસારણ માટે ૨૦થી વધુ સ્પીકર લગાવવામાં આવી રહ્યાં છે એવી જાણકારી આપતાં વહીવટી નોડલ અધિકારી ડો.ઓ.બી .બેલીમે જણાવ્યું કે, આ મ્યુઝિક સિસ્ટમ નો નિયંત્રણ કક્ષ તળ મજલે નોન કૉવીડ એરિયામાં છે. તેની સાથે જાહેર પ્રસારણ માટે માઇક સિસ્ટમ લગાવવામાં આવી રહી છે જેની મદદથી પ્રત્યેક માળના દર્દીઓને જરૂરી સૂચનાઓનું સહેલાઇથી પ્રસારણ કરી શકાશે.

Exercise Corona 3

આ માઇક સિસ્ટમની મદદથી કલા નગરી વડોદરાના ગાયકો અને સંગીતકારોને કોવિડના દર્દીઓની સંગીત સેવાની તક આપવાની વિચારણા છે. અમે એવું વિચાર્યું છે કે, નોન કૉવીડ વિસ્તારમાં આવેલા નિયંત્રણ કક્ષની માઇક સિસ્ટમની મદદથી શહેરના ઇચ્છુક કલાકારોને ગીતો ભજનો દર્દીઓને સલામત રીતે સંભળાવીને સંગીત સેવા આપવાની તક આપવી. કોરોના સારવારમાં આ નવી પહેલ બની શકે તેમ ડો.બેલીમનું કહેવું છે.

હાલમાં સંગીત થેરાપીના ભાગ રૂપે મ્યુઝિક સિસ્ટમ લાગી જાય તે પછી રોજ સવારે નાસ્તા પછી ૧૦ મિનિટ સુમધુર ભજનો વગાડવા અને સાંજના ભોજન પહેલાં ૧૦ મિનિટ પ્રેરણા ગીતો, દેશભક્તિ ગીતો વગાડવા અને એ રીતે દર્દીઓને સકારાત્મકતા સિંચતી સંગીત થેરાપીનો લાભ આપવો એવું આયોજન વિચાર્યુ છે. આઇસીયુમાં જો કે સ્પીકર નહિ લગાડવામાં આવે પરંતુ સ્ટેબલ દર્દીઓ માટેના રિકવરી રૂમમાં તેની સુવિધા રાખવામાં આવશે. શહેરમાં વડીલજનો અને વ્યાયામ પ્રેમીઓ લાફિંગ કલબ દ્વારા હાસ્ય ચિકિત્સા અજમાવે છે. સયાજીના કૉવિડ વોર્ડમાં તેનો અમલ થઈ રહ્યો છે. આ ઉપરાંત સામૂહિક રમતો રમાડવામાં આવે છે. આ રોગ દર્દીના શ્વાસનો લય ખોરવી નાંખે છે. આ બંને દ્વારા શ્વાસની લયબદ્ધતા ફરીથી સામાન્ય થાય એવી આશા છે. દર્દીઓ ખૂબ જ ઉત્સાહથી યોગ, વ્યાયામ, હાસ્ય અને રમત ચિકિત્સામાં જોડાઈ રહ્યાં છે.

loading…

અગ્ર સચિવ ડો.જયંતિ રવિની પ્રેરણાથી આ પ્રયોગો હાથ ધરવામાં આવ્યાં છે. શાસ્ત્રીય સંગીત એમના રસનો વિષય છે અને તેઓ પોતે કર્ણાટકી સંગીતના જ્ઞાતા છે. ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે આ પ્રયોગોને પ્રોત્સાહન અને પીઠબળ આપ્યું છે. સયાજી હોસ્પિટલમાં કોઈપણ સમયે ૩૦૦ જેટલા દર્દીઓ કોવિડ વોર્ડમાં હોય છે. આ પૈકી ૨૫૦ જેટલા દર્દીઓ લગભગ સ્ટેબલ હોય છે. આ નવતર ઉપચારની સુવિધાઓ તેમની સાજગીને પ્રોત્સાહિત કરશે તેવી અપેક્ષા છે.