Nurse MG Padghar

દર્દી પોતાનાં ઘરથી અને સ્વજનોથી દૂર છે તેવું લાગવા દેતાં નથી

  • કેન્સર હોસ્પિટલ ખાતે કાર્યરત કોવિડ હોસ્પિટલમાં દાખલ ૬૫ વર્ષથી વધુ વય ધરાવતાં ૪ દર્દી સહિત ૮ દર્દી થયાં કોરોનામુક્ત
  • જમવાથી લઇને દવા પહોંચાડવા સુધીની તમામ સ્ટાફની કામગીરી સરાહનીય છે: દર્દી મીરાજભાઈ સીસાંગિયા
  • દર્દી પોતાનાં ઘરથી અને સ્વજનોથી દૂર છે તેવું લાગવા દેતાં નથી: નર્સ એમ.જી.પાઘડાર

અહેવાલ: રાધિકા વ્યાસ, રાજકોટ

રાજકોટ,૨૯ સપ્ટેમ્બર: કોરોના વાઇરસના પ્રકોપ વચ્ચે કેન્સર હોસ્પિટલ ખાતે કાર્યરત કોવિડ હોસ્પિટલમાંથી સારાં સમાચાર મળ્યા છે. આજરોજ એકસાથે ૮ દર્દીઓ કોરોનાને હરાવી સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા છે. હોસ્પિટલ ખાતે સંતોષકારક સારવાર મેળવનાર દર્દી મીરાજભાઈ સીસાંગિયાએ પોતાનાં અનુભવો વર્ણવતાં જણાવ્યું હતું કે, “અહીંયા ચાર દિવસ સારવાર દરમિયાન સ્ટાફના તમામ લોકોનો મને ખૂબ સારો સહકાર પ્રાપ્ત થયો હતો અને મને કોઈપણ પ્રકારની તકલીફ થવા દીધી નથી. અહીંયા કાર્યરત નર્સિંગ સ્ટાફ, ડોક્ટર્સ તેમજ તમામ કર્મચારીઓ સરાહનીય કામગીરી કરી રહ્યાં છે. આ લોકો મારાં જમવાથી લઈને દવાઓ સહિત બધી બાબતોની કાળજી લેતાં ત્યારે મને લાગતું કે જાણે હું મારા ઘરે જ છું.”

Nurse MG Padghar

કોવિડ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવનાર એમ.જી. પાઘડારએ કહ્યું હતું કે, “અહીંયા ૩૫ વર્ષથી લઈને ૮૦ વર્ષની ઉંમર ધરાવતાં દર્દીઓ દાખલ થયેલા છે. આજે રજા મેળવનાર ૮ દર્દી પૈકી ૪ દર્દીની ઉંમર ૬૫ વર્ષથી વધુ છે. કોઈને ડાયાબીટીસ છે તો કોઈને હાઇપર ટેંશન, તેમ છતાં તેઓ આજે કોરોના સામેની જંગ જીતી ઘરે પરત ફર્યા છે.”  

તેઓએ પોતાની કામગીરી વિશે વાત કરતાં જણાવ્યું હતું કે,  “અહીંયા ગમે ત્યારે કોઈ પણ દર્દી બોલાવે એટલે ડોક્ટર-નર્સ કે સ્ટાફના જે વ્યક્તિ હાજર હોય તે મદદ માટે પહોંચી જાય છે. જેથી દર્દીને પોતાના ઘરથી કે સ્વજનોથી દૂર હોવાનો અહેસાસ થતો નથી. કોરોનાના આ સમયમાં સામાન્ય નાગરિકોને અમારી વિનંતી છે કે, વહીવટીતંત્ર દ્વારા નિશ્ચિત તમામ નિયમોનું પાલન કરવું. સોશિયલ ડિસ્ટન્સ જાળવવું. હેન્ડવોશ કરવા અને જો જરૂર જણાય તો ટેસ્ટ કરાવવો જેથી તરત જ સારવાર લઈ શકાય.” 

loading…

વહીવટીતંત્ર દ્વારા મળતી સુવિધાઓ વિશે તેમણે જણાવ્યું હતું કે, ” કલેકટરશ્રી તેમજ વહીવટીતંત્ર દ્વારા અમને જરૂરી ચીજવસ્તુઓ તાત્કાલિક ધોરણે મળી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંયા દાખક થયેલા દરેક દર્દીને શ્રેષ્ઠ સારવાર-સુવિધા મળે તેની કાળજી રાખવામાં આવે છે. દર્દીને જરૂર જણાય તો રેમ્ડેસીવીર જેવાં મોંઘા ઇન્જેક્શન તેમજ તમામ દવાઓ પણ અમે અહીંથી જ પુરી પાડીયે છીયે. 

કોરોના સામે જંગ જીતી ઘરે પરત ફરનારા દર્દીઓ અને કોવિડ હોસ્પિટલનો સ્ટાફ આત્મવિશ્વાસસભર સુરમાં એક  સાથે કહી રહ્યાં છે, હારશે કોરોના, લડશે રાજકોટ અને જીતશે રાજકોટ….