corona image

Covid patient: કોવીડ પોઝીટીવ થતાં જીવવાની આશા છોડી ચૂકેલા ૬૭ વર્ષીય નિવૃત સબ ઈન્સ્પેક્ટરને તબીબોની સારવારે આપ્યુ નવજીવન

Covid patient: “મને સારવાર આપનાર તબીબો અને આરોગ્યકર્મીઓનું હું કયારેય ઋણ ચૂકવી શકું એમ નથી: ભીમજીભાઈ પરમાર

અહેવાલ: નિતિન રથવી
સુરેન્દ્રનગર, ૧૩ મે:
Covid patient: પ્રવર્તમાન કોરોના પરિસ્થતિમાં લોકોના મનમાં રહેલી સરકારી હોસ્પિટલો કે સરકારી કોવીડ કેર સેન્ટર વિશેની ખોટી માન્યતાઓના કારણે તેઓ તેમની સારવાર માટે સરકારી હોસ્પિટલની બદલે ખાનગી હોસ્પિટલને વધુ પસંદ કરતા હોય છે. તેમાંય જો કોઈ વ્યક્તિ વૃધ્ધ હોય તો તે કોરોના સામે ટક્કર ઝીલી શકતા નથી તેવી પણ લોકોમાં ગેરસમજણ પ્રવર્તતી હોય છે. જેને સુરેન્દ્રનગરમાં કોરોનાને મ્હાત આપી સ્વગૃહે પરત ફરેલા ૬૭ વર્ષીય ભીમજીભાઈ પરમારની સારવાર કરતાં તબિબો અને આરોગ્ય કર્મીઓએ ખોટી સાબીત કરી બતાવી છે.

patient
ભીમજીભાઈ પરમાર

સુરેન્દ્રનગરના દાળમીલ રોડ પર રહેતા ભીમજીભાઈ નિવૃત સબ ઇન્સ્પેક્ટર છે. થોડા દિવસો પહેલા અચાનક (Covid patient) ભીમજીભાઈને શ્વાસ લેવામાં તકલીફ પડતા અને તબિયત લથડતા તાત્કાલિક તેમનો સીટી સ્કેન રિપોર્ટ કરાવતા તેઓ કોરોના પોઝીટીવ આવ્યા. તેમના સીટીસ્કેન રિપોર્ટનો સ્કોર ૨૫ માંથી ૧૮ આવ્યો હતો. ભીમજીભાઈની તબીયત વધારે ખરાબ થતા તેમને સારવાર અર્થે સુરેન્દ્રનગર સ્થિત સરકારી સી.યુ.શાહ હોસ્પિટલ ખાતે દાખલ કરાયા હતા.

ભીમજીભાઈ દાખલ થતાની સાથે જ તેમના તમામ રિપોર્ટ કરી તેમની તુરંત જ સારવાર શરૂ કરાઈ. શરૂઆતમાં તેમને ઓક્સીજન બેડ પર રાખવામાં આવ્યા હતા. સરકારી સી. યુ. શાહ હોસ્પિટલમાં ફરજ પરના તબીબો અને આરોગ્ય કર્મીઓની સઘન સારવારના પરિણામે ભીમજીભાઈની તબિયત સ્ટેબલ થઇ. ત્યારબાદ તેમને ઓક્સીજન બેડ પરથી જનરલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા અને તાજેતરમાં જ તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા, હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

Whatsapp Join Banner Guj

કોરોનાને મ્હાત આપી સ્વ-ગૃહે પરત ફરેલા ભીમજીભાઈ પોતાનો અનુભવ વ્યક્ત કરતા જણાવે છે કે, “મને અચાનક શ્વાસ લેવામાં તકલીફ પડવાથી સરકારી સી. યુ. શાહ હોસ્પિટલમાં દાખલ કરી ઓક્સીજન બેડ પર રાખવામાં આવ્યો હતો. મારા ઘરવાળા ત્યાં મારી સાથે ન હોવાથી પહેલા દિવસે ખુબ ગભરામણ થઇ, પણ ત્યાંના તબીબો અને આરોગ્યકર્મીઓ જાણે મારા માટે ભગવાન બનીને આવ્યા હોય એવું મને લાગ્યું. હું જેટલા દિવસ રહ્યો ત્યાં સુધી ત્યાંના આરોગ્યકર્મીઓએ મારી એટલી સારવાર કરી કાળજી લીધી છે કે હું આખી જિંદગી તેમનો ઋણ ચૂકવી શકું એમ નથી. આજ સુધી ભગવાનને જોયા નથી, પણ મને આ નવું જીવન આપનાર તબીબો જ મારા માટે ભગવાન સમાન છે.”

ભીમજીભાઈના પુત્ર જણાવે છે કે, “મારા પિતાને જયારે સી. યુ. શાહ હોસ્પિટલમાં દાખલ કર્યા ત્યારે એમની તબિયત એટલી બધી ખરાબ હતી કે અમે લોકોએ તો ક્યાંક ને ક્યાંક એમના બચવાની આશા જ મૂકી દીધી હતી. પરંતુ તેમને હોસ્પિટલમાં મળતી સારવાર જોઈને અમારું પણ મનોબળ મજબૂત થયું હતું. ત્યાંના આરોગ્યકર્મીઓ ઘણીવાર વીડિયોકોલથી વાત કરાવતા ત્યારે અમને પણ હાશકારો થતો. લગભગ ૧૫ દિવસની સારવાર બાદ મારા પિતા સ્વસ્થ થઇ ઘરે પાછા ફર્યા. તેમની સારવાર સી. યુ. શાહ હોસ્પિટલના સરકારી કોવીડ કેર સેન્ટરમાં કરવામાં આવી હોવાના કારણે તેમની સારવાર પાછળ એકપણ રૂપિયાનો ખર્ચ અમારે કરવો પડયો નથી. આ માટે હું સરકારી સી. યુ. શાહ હોસ્પિટલના તમામ તબિબો અને આરોગ્યકર્મીઓનો જેટલો આભાર માનું એટલો ઓછો છે.”

આ પણ વાંચો…રાજ્યના ખેડૂતો(Gujarat Farmers) અને પશુપાલકો માટે નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલની મહત્વની જાહેરાત

આમ, એક સમયે ભીમજીભાઈએ પોલીસ સબ ઈન્સ્પેકટ તરિકે લોકોની કરેલી સુરક્ષાની જેમ આજે હોસ્પિટલના તબીબોએ તેમની કોરોના સામે રક્ષા કરી ભીમજીભાઈને નવજીવન બક્ષી સાચા અર્થમાં માનવધર્મ બજાવ્યો છે.

ADVT Dental Titanium