રાજકોટ સિવિલ હોસ્પિટલના કોરોના વોરીયર્સ

કોરોનાના ૭૧ જેટલા દર્દીઓના સગાઓને તેમનો કિંમતી સામાન પરત કર્યો કોરોના વોરીયર્સ

રાજકોટ સિવિલ હોસ્પિટલના કોરોના વોરીયર્સ 3

પ્રામાણિકતાની જયોત જલાવતા રાજકોટ સિવિલ હોસ્પિટલના કોરોના વોરીયર્સ

“હલ્લો………..”

કૌશિકભાઈ બોલે છે ?

હું રાજકોટ કોવિડ કેર હોસ્પિટલના હેલ્પડેસ્કમાંથી વાત કરૂ છું. દિપકભાઈ ઠાકરશીભાઈ શેઠ આપના શું થાય ?

એ મારા બનેવી છે.

એમના સામાનમાં ૧૧,૪૦૦ રૂ. રોકડા, એક મોબાઈલ અને અન્ય સમાન અહીં ભુલી ગયા છે… તો આપ આવીને લઈ જાઓ…..

આ વાતચીત છે, રાજકોટ પી.ડી.યુ સિવીલ હોસ્પિટલના હેલ્પડેસ્ક પરના સંનિષ્ઠ કર્મચારી અને દર્દીના સબંધી વચ્ચેની જેઓને દર્દીનો સામાન સલામત રીતે પરત સોંપવામાં આવ્યો છે. રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોનાને હંફાવવા માટે રાજકોટ વહીવટીતંત્ર, આરોગ્ય તંત્ર સતત કાર્યરત છે જેની ફલશ્રૃતી સ્વરૂપે અનેક કોરોના સંક્રમિત દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. આ ઉપરાંત, અનેક કોરોના વોરીયર્સ એવા પણ છે કે જે લોકોના ધ્યાનમાં આવ્યા વગર શાંતીથી સતત પોતાનું કાર્ય કરી રહ્યા છે. સલામ છે આવા કોરોના વોરીયર્સને…….

રાજકોટ સિવિલ હોસ્પિટલના કોરોના વોરીયર્સ 1

રાજકોટ સિવીલ હોસ્પીટલમાં રૂ ૧૫૦ કરોડના ખર્ચે ઉભી કરાયેલી કોવિડ–૧૯ હોસ્પિટલમાં કુલ ૨૩૭ લોકો ફરજ બજાવે છે. અહીં શરૂ કરાયેલ કોવિડ કંટ્રોલરૂમમાં સુપ્રિટેન્ડન્ટશ્રી પંકજ બુચના માર્ગદર્શન હેઠળ ફરજ બજાવતા કંટ્રોલરૂમ ઈન્ચાર્જ અને આર.એમ.ઓ. ડો. મહેન્દ્ર ચાવડા, માનવ સંસાધન મેનેજરશ્રી રેખાબેન પટેલ, શ્રી યશશ્વીબા જેઠવા તથા ડો. હર્ષદ દુસરા તેમજ વોર્ડ ઈન્ચાર્જ સિસ્ટર, સુપરવાઈઝર સ્ટાફ, પટ્ટાવાળા ભાઈઓ-બહેનો સહિત સીક્યોરીટી ઇન્ચાર્જ શ્રી ગીરીરાજસિંહ રાઠોડ અને તેની ટીમ દ્વારા અત્યાર સુધીમાં કુલ ૭૧ થી વધુ દર્દીઓ/દર્દીઓના સંબંધીઓને તેમનો કિંમતી સામાન પરત આપ્યો છે.

સીક્યોરીટી ઇન્ચાર્જ શ્રી ગીરીરાજસિંહ રાઠોડ 1

જે અંગે સીક્યોરીટી ઇન્ચાર્જ શ્રી ગીરીરાજસિંહ રાઠોડ જણાવે છે કે, જ્યારે કોઈ દર્દીને રજા આપવામાં આવે અથવા મૃત્યુ પામે ત્યારે તેના નજીકના સગાઓ તેની અંતિમવિધીમાં વ્યસ્ત હોવાને કારણે દર્દીનો  સામાન લઈ જવાનું ભૂલી જતા હોય છે. આથી જ્યારે દર્દી દાખલ થાય ત્યારે જ તેના ત્રણ નજીકના સબંધીનો નંબર લેવામાં આવે છે જેથી તેનો સંપર્ક સાધી દર્દીનો કોઈ સામાન પરત સોંપવામાં આવે ત્યારે ‘ઓર્નામેન્ટ રજીસ્ટર’માં તેની નોંધ કરીને જ સામાન પરત આપવામાં આવે છે.

શ્રી ગીરીરાજસિંહ રાઠોડ વધુમાં જણાવે છે કે, કોઈ દર્દીનો સામાન ગેરવલ્લે ન થાય તે બાબતની ખાસ તકેદારી રાખીને એક ઈન્ચાર્જ સિસ્ટરની નિમણુક કરવામાં આવી છે .જો કોઈ દર્દી ૧૦૮માં એકલા આવે તો તેનો કિંમતી સામાન ગ્રાઉન્ડ ફ્લોર પરથી જ તેની પાસેથી લઈને, તેમના સબંધીઓને બોલાવીને સલામત રીતે પરત સોંપવામાં આવે છે. સામાન્ય રીતે જોઇએ તો સિવીલ હોસ્પિટલમાં વિનામુલ્યે સારવાર થતી હોવાના કારણે દર્દીએ પોતાની સાથે કીંમતી વસ્તુઓ, સામાન કે રોકડ રકમ લાવવાની જરૂર રહેતી જ નથી.

રાજકોટ સિવિલ હોસ્પિટલના કોરોના વોરીયર્સ edited

સુરેન્દ્રનગર જિલ્લામાં રહેતા અને ફરસાણની દુકાનમાં કામ કરતા દિપકભાઈ શેઠ જણાવે છે કે, મને અને મારા માતૃશ્રીને કોરોના થતા અમે રાજકોટ સિવીલ ખાતે સારવાર લઈ રહ્યા હતા. મારી પરિસ્થિતિ નાજુક થતા મને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો હતો. આ સમય દરમ્યાન મારો મોબાઈલ ફોન મારા માતૃશ્રીને પરિવારના સંપર્ક માટે આપ્યો હતો…… તેમજ દાખલ થતી વખતે મારા ખીસ્સામાં ૧૧ હજાર જેટલા રૂપિયા હતા. મારા બનેવી કિશોરભાઈને બોલાવીને તમામ રકમ તથા મોબાઈલ ફોન પરત સોંપેલા. રાજકોટ સિવીલ ખાતે મળેલી સારવારના કારણે મને નવજીવન મળ્યું છે. એટલું જ નહીં તેમની કર્તવ્ય નિષ્ઠા કાબીલેદાદ છે.  

આ ઉપરાંત, રહિમભાઈ ઈબ્રાહિમ ભાઈ, અલ્પેશભાઈ ઝાંઝરૂકિયા, પૂરીબેન દેવજીભાઈ, રાજેષભાઈ ચંદ્રવાડીયા, આકાશભાઈ મહેતા સહિત તમામ દર્દીઓના સબંધીઓને તેમનો સરસામાન સહિત મોટી રોકડ રકમ પણ પરત કરવામાં આવી છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલના કોરોના વોરીયર્સ 2 edited

અત્રે ઉલ્લેખનિય છે કે, રાજકોટ પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં કોવિડ -૧૯ હોસ્પિટલની શરૂઆત થઈ ત્યારથી લઈને આજ દિન સુધીમાં કુલ ૭૧ જેટલા વ્યક્તિઓના સગા-સબંધીઓને કુલ ૪૯,૦૦૦થી વધુની રોકડ રકમ, વિવિધ કંપનીઓના ૬૦ જેટલા મોબાઈલ ફોન-ચાર્જર, ચશ્મા, ઘળીયાર, પીળી-સફેદ ધાતુના વિવિધ દાગીનાઓ, દાંતનું ચોકઠુ, કપડાની થેલી આધારકાર્ડ-પાનકાર્ડ, જેવા જરૂરી દસ્તાવેજો સહિતની અનેક વસ્તુઓ પરત આપવામાં આવી છે.

રાજ્ય સરકારના આવા કર્મનિષ્ઠ કર્મયોગીઓના કારણે જ કોરોનાના કપરા કાળમાં જનઆરોગ્યની કામગીરી સાથોસાથ માનવતાની મહેક જળવાઈ રહી છે. “કર્મ એ જ સાચો ધર્મ છે” ના સુત્રને ધ્યાને રાખીને રાજકોટ સિવિલ હોસ્પિટલની સ્ટાફ સંપૂર્ણ પારિવારિક ભાવનાથી માત્ર પોતાની ફરજ જ નહીં પરંતુ દેશસેવાના આ અવસરને સંપૂર્ણ ચરિતાર્થ કર્યો છે