Mantra 3

“પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર” વિજેતા રાજકોટના મંત્રનો પ્રધાનમંત્રી સાથે રચાયો પ્રેરણાત્મક સંવાદ

Mantra in Live Confrence

સફળતા સાથે હરખનો મંત્ર આપે છે રાજકોટનો દિવ્યાંગ સ્વિમર…

“પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર” વિજેતા રાજકોટના મંત્રનો પ્રધાનમંત્રી સાથે રચાયો પ્રેરણાત્મક સંવાદ

રાજકોટ,૨૫ જાન્યુઆરી:

વડાપ્રધાન મોદી:  કેમ છે મંત્ર મજામાં કોણ કોણ છે તારી સાથે ?

રાજકોટથી મંત્ર હરખાની : હા, મજામાં…. મમ્મી,પપ્પા

વડાપ્રધાન મોદી: તારૂ લક્ષ્ય શું છે ?

મંત્ર : દુનિયાનો શ્રેષ્ઠ સ્વિમર બનવું છે અને દેશની સેવા કરવી છે.

વડાપ્રધાન મોદી: તું કોચ જોડે મને મળવા ન આવ્યો ?

મંત્ર : ના, તમે જ રાજકોટ આવી જાઓ, ચા પીવડાવીશ અને ગાઠીયા પણ ખવડાવીશ

જી હાં,દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ડાઉન સિન્ડ્રોમની બિમારીના સામા વહેણમાં એક શ્રેષ્ઠ તરવૈયાની માફક તરીને બહાર આવતા રાજકોટના ૧૭ વર્ષિય મંત્ર હરખાની સાથે કલેક્ટર કચેરી ખાતેથી લાઈવ કોફરન્સમાં સંવાદ સાધ્યો હતો.

વડાપ્રધાન મોદીએ ૭૨માં પ્રજાસત્તાક પર્વ પૂર્વે “પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર” જીતવાની શુભેચ્છાઓ પાઠવતા કહ્યું હતું કે, બાળકો દેશનું ભવિષ્ય છે. બાળકો જ દેશની મુડી છે. જે દેશ કે સમાજ તેના બાળકો પાસેથી જે કાંઈ જાણવાનો, નવું શીખવાનો પ્રયત્ન કરતો છે તે સમાજ વિકસીત થાય છે.

મંત્રના માતા પિતાને તેમના ત્યાગ અને સમપર્ણની ભાવના બદલ શ્રી મોદીએ કહ્યુ હતું કે, તારા જેવા તમામ બાળકો માટે તું અને તારા માતા પિતા પ્રેરણાનો સ્ત્રોત છો.  આ તકે જિલ્લા કલેકટરશ્રી રેમ્યા મોહને શુભેચ્છા પાઠવતા કહ્યું હતું કે, રાજકોટને વૈશ્વિક નકશા પર એક અલગ સ્થાન અપાવ્યું છે. સ્પેશ્યલ ઓલમ્પિક વર્લ્ડ ગેમ્સની તરણ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતવો એ ખુબ જ કઠિન કામ છે, પરંતુ મંત્રએ મક્કમ મનોબળથી તે કાર્ય સિધ્ધ કરી બતાવ્યું છે. વિષમ પરિસ્થિતિમાં પણ તેને અધરી તાલીમને જીવનનો મહત્વનો હિસ્સો બનાવવામાં પુરતો સહકાર અને પ્રોત્સાહન પૂરુ પાડનાર તેમના માતા-પિતાનો મહત્વનો ફાળો છે

 મંત્રના પિતા જીતેન્દ્રભાઈએ જણાવ્યું કે મંત્ર જન્મથી જ ડાઉન સિન્ડ્રોમની બિમારી સામે લડી રહ્યો છે અને સમયાંતરે જીતતો રહ્યો છે. તેની ઉંમર હાલમાં ૧૭ વર્ષની છે. મારો દિકરો ૧૦ વર્ષનો હતો ત્યારથી સ્વિમિંગ કરતો હતો. સામાન્ય રીતે મનોદિવ્યાંગને સ્વિમિંગની પરમિશન મળતી નથી. પરંતુ સ્વિમિંગ કોચ શ્રી વિપુલભાઈ ભટ્ટના અથાગ પ્રયત્નોના કારણે રાજકોટ મ્યુનિ. કમિશ્નરશ્રીએ અલગ થી પરમિશન આપી. વર્ષ ૨૦૧૬માં મંત્ર ગોવા, તેલંગાણા, રાજસ્થાનમાં યોજાયેલા કેમ્પમાં તે સિલેક્ટ થયો અને ત્યાર બાદ નેશનલ ઓલમ્પીક્સમાં સિલેક્ટ થયો અને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો…તે અમારા જીવનની ઐતિહાસિક ક્ષણ હતી.

Mantra with Rajkot Collector

સ્પેશ્યલ ઓલમ્પિક વર્લ્ડ ગેમ્સ, અબુધાબી-૨૦૧૯માં એક ગોલ્ડ મેડલ ૫૦ મીટર બેકસ્ટ્રોક સ્વિમિંગ માટે અને બીજું ગોલ્ડ મેડલ ૫૦ મીટર ફ્રી સ્ટાઇલમાં સ્વિમિંગમાં મેળવ્યો હતો. લોકો અમારા બાળકને ભલે સ્પેશ્યલ ચાઈલ્ડ કહે છે પણ તેણે સાબિત કર્યું છે કે તે ખરા અર્થમાં સ્પેશ્યલ છે. તેમ જીતેન્દ્રભાઈએ જણાવ્યું હતું. માતા પિતાના ત્યાગ અને સમપર્ણ પાસે કુદરત પણ વામણી બની જાય છે તેમ જીતેન્દ્રભાઈ અને બિજલબેને સાબિત કરી બતાવ્યું છે.  

આ પણ વાંચો…જાણો યૌન શોષણ મામલે બોમ્બે હાઈકોર્ટની નવી વ્યાખ્યાઃ જ્યાં સુધી સ્કિન ટૂ સ્કિન ટચ ન થાય, ત્યાં સુધી યૌન શોષણ માની શકાય નહીં !