Electricity 2

કિસાન સૂર્યોદય યોજના: ખેતી માટે રાત્રે મળતા વીજ પૂરવઠાને લીધે ખેડૂતોને પડતી મુશ્કેલીઓ ના નિવારણનું દૂરંદેશીભર્યુ આયોજન

Electricity
  • વાઘોડિયા તાલુકા ના વધુ ૩૭ ગામોના ખેડૂતોને ઉર્જા મંત્રીએ યોજનાનો લાભ સુલભ બનાવ્યો
  • કુલ ૯૪ પૈકી ૭૦ ગામોનો યોજના હેઠળ સમાવેશ:હવે પછીના તબક્કામાં બાકી રહેતા ૨૪ ગામો યોજના હેઠળ આવરી લેવાશે
  • વાઘોડિયા તાલુકો કિસાન સૂર્યોદય યોજનાનો ૧૦૦ ટકા લાભાર્થી તાલુકો બનશે

વડોદરા, ૨૨ જાન્યુઆરી: રાજ્ય સરકારે ખેતી માટે રાત્રે વીજ પુરવઠો મળવાને લીધે જીવ ના જોખમ સહિત વિવિધ પ્રકારની હાલાકી ભોગવતા ખેડૂતોની મુશ્કેલીઓના નિવારણ માટે ખેતી વિષયક વીજ પુરવઠો દિવસ દરમિયાન આપવાની કિસાન સૂર્યોદય યોજના અમલમાં મૂકી છે અને જરૂરી વધારાની વીજ માળખાકીય સવલતો ના નિર્માણ માટે રૂ.૩૫૦૦ કરોડ જેટલી માતબર રકમ ફાળવી છે.

Whatsapp Join Banner Guj

વડોદરા જિલ્લાના તમામ તાલુકાઓના કૃષિ વીજ જોડાણ ધરાવતાં ખેડૂત ખાતેદારોને તેનો લાભ આપવા જરૂરી માળખાકીય સંરચના સુધારવાની કામગીરી મધ્ય ગુજરાત વીજ કંપનીએ અગ્રતાના ધોરણે શરૂ કરી છે અને તેની સાથે સાથે તબક્કાવાર તાલુકાઓના ગામોના ખેડૂત વીજ જોડાણ ધારકોને તેનો લાભ આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. આ આયોજન અન્વયે જિલ્લા નો વાઘોડિયા તાલુકો કિસાન સર્વોદય યોજનાનો ૧૦૦ ટકા લાભાર્થી તાલુકો બનવા તરફ અગ્રેસર છે.

તેના ભાગરૂપે રાજ્યના ઊર્જા મંત્રીશ્રી સૌરભભાઈ પટેલે આજે વાઘોડિયા તાલુકાના વધુ ૩૭ ગામોને આ યોજના સાથે જોડતા આયોજનનું લોકાર્પણ કર્યું હતું જેના લીધે આ ગામોના ૫૧૬ કૃષિ વીજ જોડાણ ધારકોને ખેતી માટે દિવસે વીજ પુરવઠો મળવાનું શરુ થઈ જતાં વિવિધ મુશ્કેલીઓનું નિવારણ થશે.અગાઉ આ તાલુકાના ૩૩ ગામો માટે તેનો લાભ સુલભ બની ચૂક્યો છે. આમ,હવે વાઘોડિયા તાલુકાના ૭૦ ગામોના ૧૩૧૨ કૃષિ વીજ ગ્રાહકોને રાતના ઉજાગરામાંથી મુક્તિની રાહત આપી દેવાઈ છે.હવે પછીના તબક્કામાં તાલુકાના બાકી રહેતા ૨૪ ગામોને યોજના હેઠળ આવરી લઈને તાલુકાના તમામ ૯૪ ગામ માટે આ યોજના સુલભ બનાવવાનું આયોજન છે.

Electricity 3

આ યોજના હેઠળ ખેતી માટે સવારના ૫ થી રાત્રિના ૯ વાગ્યા દરમિયાન સતત આઠ કલાક ખેતી માટે પૂરો પાડવાનું આયોજન છે.જેના પગલે રાત્રે મળતા વીજ પુરવઠાને લીધે વેઠવી પડતી ઉજાગરા અને આરોગ્યને નુકશાન,સખત ટાઢ અને ભારે વરસાદમાં પડતી મુશ્કેલીઓ,વન્ય જીવો અને ઝેરી જીવજંતુઓનો ભય જેવી મુશ્કેલીઓનું સુખદ નિરાકરણ આવશે. આ યોજનાનો લાભ વીજ સબ સ્ટેશનોથી નીકળતી કૃષિ વીજ રેષાઓમાં જરૂરી સુધારા વધારા અને નવીનીકરણ કરીને આપવામાં આવી રહ્યો છે.તેમાં વીજ લાઈનોનું જરૂરી સમારકામ, ટ્રાન્સફોર્મરોનું સમાર કામ,ઝાડની ડાળીઓ સહિતના વીજ લાઈનો ના નડતરનું નિવારણ,અર્થીંગની સુધારણા,નવા જમ્પર બેસાડવા, તાણીયા ખેંચીને ચુસ્ત કરવા,ખામીયુક્ત પિન સેલ અને ઇન્સ્યુલેટર બદલવા, નવા ફ્યુજ નાંખવા જેવા કામોનો સમાવેશ થાય છે.આ કામો કરતાં જઈને સાથે સાથે જ્યાં કામ પૂરું થયું તે વિસ્તારમાં યોજનાનો લાભ આપવાની વ્યૂહ રચના અપનાવવામાં આવી છે.

આ પણ વાંચો…મેડિકલ સ્ટાફ બાદ એસોસિએશનના હોદ્દેદારોએ લીધી કોરોનાની રસ, કોઇ આડઅસર થતી નથી!