WhatsApp Image 2020 08 15 at 10.38.54 AM

૭૪ મા સ્વતંત્રતા પર્વે વડોદરામાં નર્મદા વિકાસ રાજ્ય મંત્રીશ્રી રાષ્ટ્ર ધ્વજ લહેરાવી સન્માન સલામી આપી

WhatsApp Image 2020 08 15 at 10.38.56 AM

શહેર અને જિલ્લાના નાગરિકોને હાર્દિક અભિનંદન પાઠવ્યા

તમામ ક્ષેત્રોમાં કાર્યરત કોરોના વોરિયર્સને બિરદાવ્યા મંત્રીશ્રી યોગેશભાઈ પટેલ

WhatsApp Image 2020 08 15 at 10.38.54 AM
  • દેશના સુરક્ષા દળોમાં ગુજરાતના યુવાનોની વધી રહેલી સહભાગીદારી આનંદની વાત: અયોધ્યામાં રામલલ્લાના મંદિરના નિર્માણના પ્રારંભથી દેશ અનુભવી રહ્યો છે સંતોષ.
  • કોરોનાના પ્રતિકારની ભારતની કામગીરી વિશ્વમાં નોંધપાત્ર: કોરોના ગુજરાતને ડરાવી નહિ શકે રાજ્ય સરકાર આરોગ્ય અને આર્થિક બંને મોરચે કોરોનાના પ્રતિકાર માટે મક્કમ વ્યૂહ રચના સાથે અગ્રેસર..
  • કોરોનાનો ચેપ અટકાવવા વડોદરા શહેર અને જિલ્લા માટે રૂ.૨૦ કરોડની સહાયતા : ૫,૦૦૦ જેટલા બેડની વ્યવસ્થા
  • શાળાઓમાં વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવાનો વડોદરા જિલ્લાનો વર્ષા જળ નિધિ પ્રોજેક્ટ દેશ માટે બન્યો છે રાહબર

દેશના ૨૭૨ જિલ્લાઓ સાથે વડોદરામાં નશા મુક્ત ભારત અભિયાનનો મંત્રીશ્રીએ કરાવ્યો પ્રારંભ

નર્મદા વિકાસ રાજ્યમંત્રીશ્રી યોગેશભાઈ પટેલે દેશના ૭૪મા સ્વતંત્રતા પર્વ પ્રસંગે વડોદરા શહેરના રેલ્વે પોલીસ પરેડ મેદાન ખાતે ત્રિરંગો રાષ્ટ્ર ધ્વજ લહેરાવ્યો હતો અને આદર સન્માન સાથે સલામી આપી હતી. તેમણે આઝાદી જંગના શહીદોને વંદન અને નમન કરવાની સાથે શહેર અને જિલ્લાના નાગરિકોને સ્વતંત્રતા દિવસના અભિનંદન પાઠવ્યા હતા તથા તમામ ક્ષેત્રોમાં કોરોના વોરિયર્સની કામગીરીને બિરદાવી હતી.

આ પ્રસંગે તેમણે આરોગ્ય વિભાગના આમંત્રિત કોરોના વોરિયર્સનું બહુમાન કર્યુ હતું. અને ભારત સરકારના ઉપક્રમે દેશના ૨૭૨ જિલ્લાઓમાં શરૂ કરવામાં આવેલા વ્યસનમુક્ત યુવા પેઢી અને સમાજ ઘડતર માટેના અભિયાનનો વડોદરામાં આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. તેમણે વડોદરા જિલ્લાને વિકાસમાં અગ્રેસર રાખવામાં માટે ટીમ વડોદરાને અભિનંદન આપ્યા હતા.
સ્વતંત્રતા પર્વ આપણા સહુ માટે આનંદ અને ગૌરવનું પર્વ છે એવી લાગણી વ્યક્ત કરતાં મંત્રીશ્રીએ જણાવ્યું કે, દેશની સેનાઓમાં ગુજરાતના યુવાનોની વધી રહેલી સહ ભાગીદારી આનંદની વાત છે તો ૫૦૦ વર્ષની પ્રતીક્ષાનો અંત આણતા પ્રધાનમંત્રીશ્રીએ અયોધ્યામાં રામલલ્લાના ભવ્ય મંદિરના નિર્માણના કરાવેલા પ્રારંભથી દેશ સંતોષની લાગણી અનુભવી રહ્યો છે.

WhatsApp Image 2020 08 15 at 10.38.55 AM


તેમણે જણાવ્યું કે, કોરોનાના પડકાર સામે પ્રતિકારની દેશની કામગીરી વિશ્વમાં વખણાઈ છે, તો મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીની રાહબરી હેઠળ ગુજરાત વ્યૂહરચના સાથે લોકોના જીવનની રક્ષા કરવાની સાથે, કોરોનાથી ઉભા થયેલા આર્થિક પડકારોને સમાવવાની કામગીરી અવિરત કરી રહ્યું છે. ભારત સરકારે જાહેર કરેલા રૂ.૨૦ લાખ કરોડના આત્મનિર્ભર પેકેજના અમલની સાથે ગુજરાતે પોતાની રીતે બે આત્મ નિર્ભર પેકેજ અમલમાં મૂક્યા છે. તેમણે જણાવ્યું કે, ગુજરાતે ભૂતકાળમાં આફતોનો સફળ સામનો કર્યો છે અને કોરોના પણ ગુજરાતને ડરાવી નહિ શકે.

રાજય સરકારના સજાગ પ્રયાસોથી આજે મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ગુજરાતમાં કોરોનાના દર્દીઓના સાજા થવાના દરમાં વધારો થયો છે અને તે વધીને ૭૭ ટકાએ પહોંચ્યો છે. ૧ હજાર ટ્રેનો દોડાવી રાજ્ય સરકારે શ્રમિકોને વતન પહોંચાડ્યા છે અને ખેડૂતોને પાક વીમા સુરક્ષા છત્રનો વિનામૂલ્યે લાભ આપતી યોજના અમલમાં મૂકી ખેડૂત કલ્યાણને નવી દિશા આપી છે.
તેમણે વડોદરા શહેર અને જિલ્લાના લોકો માસ્ક પહેરવાના નિયમનું પાલન કરીને, હાથ ધોવા અને સેનેટાઈઝ કરવાના નિયમને આદત બનાવીને અને સોશિયલ ડિસ્ટન્સ જાળવીને પોતાના આરોગ્યની રક્ષા કરે અને સહુના આરોગ્યની રક્ષામાં યોગદાન આપે એવો ખાસ અનુરોધ કર્યો હતો.
તેમણે જણાવ્યું કે, કોરોના સામે વડોદરા શહેર અને જિલ્લાના લોકોને સલામત રાખવા તબક્કાવાર ૫,૦૦૦ જેટલા બેડની અને વેન્ટિલેટર સહિત જરૂરી સુવિધાઓનો સ્થાનિક સ્તરે રાજય સરકારના માર્ગદર્શન અને પીઠબળ સાથે પ્રબંધ કરવામાં આવ્યો છે અને ખાનગી દવાખાનાઓ સાથે સારવારનું ઉચિત સંકલન કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રીશ્રીના રાહત ભંડોળમાંથી રૂ.૧૫ કરોડ અને આરોગ્ય વિભાગ દ્વારા રૂ.૫ કરોડ મળી ફુલ રૂ.૨૦ કરોડની રકમ વડોદરાને ફાળવવામાં આવી છે.
વડોદરા જિલ્લામાં ૩૨ અને શહેરમાં ૩૪ મળીને કુલ ૬૬ આરોગ્ય સંજીવની રથો દ્વારા લોકોને ઘરની નજીક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે અને આરોગ્ય સર્વે દ્વારા કોરોનાને વધતો અટકાવવાની કામગીરી થઇ રહી છે.
તેમણે જિલ્લાની એક હજાર જેટલી પ્રાથમિક શાળાઓના મકાનોમાં વર્ષા જળ નિધિ પ્રોજેક્ટ હેઠળ લોક ભાગીદારીના અભિગમથી, છતો પર પડતાં વરસાદના પાણીને જમીનમાં ઉતારવા માટેની જિલ્લા વહીવટીતંત્રે કરેલી વ્યવસ્થાને બિરદાવતાં જણાવ્યું કે, પ્રધાનમંત્રીશ્રીએ આ પ્રોજેક્ટની નોંધ લીધી છે અને આ પ્રોજેક્ટ શાળાઓમાં જળ સંચયના ક્ષેત્રમાં દેશનો રાહબર બન્યો છે. તેમણે આ સિધ્ધી માટે જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલ અને ટીમ વડોદરાને બિરદાવી હતી.

WhatsApp Image 2020 08 15 at 10.38.55 AM 2


તેમણે જણાવ્યું કે, કોરોના સંકટને અનુલક્ષીને મુખ્યમંત્રીશ્રીના સંવેદના સભર આયોજન હેઠળ પુરવઠા વિભાગે વડોદરા શહેર અને જિલ્લામાં ૭.૧૯ લાખ રેશન કાર્ડ હેઠળની વસ્તીને વિનામૂલ્યે અનાજનું વિતરણ કર્યુ છે અને મધ્યાહન ભોજન નો લાભ મેળવતા ૧.૩૫ લાખ બાળકોને અનાજ કીટ પૂરી પાડી છે. પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના હેઠળ વડોદરા જિલ્લામાં લાભને પાત્ર ૧૯,૭૮૨ પરિવારોને રાંધણગેસ જોડાણ આપવામાં આવ્યાં છે.
મંત્રીશ્રીએ લોક ડાઉનના સમયમાં લોકોને મદદરૂપ બનનારા સહુની કામગીરીની પ્રશંસા કરી હતી અને કોરોનાથી અને કોરોના વોરિયર તરીકેની ફરજ દરમિયાન જાન ન્યોચ્છાવર કરનારાઓને સાદર અંજલિ આપી હતી.

તેમણે ભારત અને રાજ્ય સરકારના ખેડૂત કલ્યાણ, શહેરી વિકાસ, માળખાકિય વિકાસ સહિતના બહુઆયામી વિકાસ આયોજનોની વિગતવાર જાણકારી આપી હતી.
તેમણે સહુની સાથે વૃક્ષારોપણ કર્યુ હતુ.
આ પ્રસંગે સાંસદ શ્રીમતી રંજનબહેન ભટ્ટ, ધારાસભ્યો સર્વશ્રી જીતુભાઈ સુખડીયા, મનીષા બેન વકીલ, સીમાબેન મોહિલે અને પદાધિકારીઓ, જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલ, રેન્જ આઇજી શ્રી એચ.જી.પટેલ, પોલીસ કમિશનર શ્રી આર.બી.બ્રહ્મભટ્ટ, જિલ્લા પોલીસ વડા શ્રી સુધીર દેસાઈ, જિલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરી સહિત ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ, લોકો અને સન્માનિત કોરોના વોરિયર્સ ઉપસ્થિત રહ્યા હતા.