Reliance Retails 2309

રિલાયન્સ રિટેલ વેન્ચર્સમાં જનરલ એટ્લાન્ટિક રૂ.3675 કરોડનું રોકાણ કરશે

રિલાયન્સ રિટેલ વેન્ચર્સમાં જનરલ એટ્લાન્ટિક રૂ.3675 કરોડનું રોકાણ કરશે

– રિલાયન્સ રિટેલના ન્યૂ કોમર્સ વિઝન થકી સાતત્યપૂર્ણ સશક્તિકરણસર્વસમાવેશક પ્રગતિ સાધવા વૈશ્વિક રોકાણકાર સાથે ભાગીદારી

મુંબઈ, 30 સપ્ટેમ્બર, 2020: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (“રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ”) અને રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (“RRVL”) દ્વારા આજે જાહેરાત કરવામાં આવી છે કે, વિશ્વની અગ્રણી ગ્રોથ ઇક્વિટી ફર્મ જનરલ એટ્લાન્ટિક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પેટાકંપની RRVLમાં રૂ.3675 કરોડનું મૂડીરોકાણ કરશે. આ મૂડીરોકાણ થકી રિલાયન્સ રિટેલનું પ્રી-મની ઇક્વિટી મૂલ્ય રૂ.4.285 લાખ કરોડ આંકવામાં આવ્યું છે. જનરલ એટ્લાન્ટિક આ રોકાણ દ્વારા RRVLમાં ફૂલ્લી ડાયલ્યૂટેડ બેઝિઝ પર 0.84 ટકાનો હિસ્સો મેળવશે.

આ વર્ષના પ્રારંભે જિયો પ્લેટફોર્મ્સમાં રૂ .6598.38 કરોડનું મૂડીરોકાણ કર્યા બાદ જનરલ એટ્લાન્ટિક દ્વારા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પેટાકંપનીમાં કરાયેલું આ બીજું રોકાણ છે.

રિલાયન્સ રિટેલ લિમિટેડ, RRVLની પેટાકંપની ભારતનો સૌથી વિશાળ, સૌથી વધુ ઝડપે વિકસતો અને સૌથી વધુ નફો કરતો રિટેલ બિઝનેસ છે જે સમગ્ર દેશમાં આવેલા 12000 સ્ટોર્સમાં 640 મિલિયન ફૂટફોલ્સ ધરાવે છે. લાખો ખેડૂતો, સુક્ષ્મ, નાના અને મધ્યમ કક્ષાના વેપાર-વ્યવસાયોને સશક્ત બનાવી લાખો ગ્રાહકો સુધી પહોંચવાની વ્યાપક રણનીતિ દ્વારા ભારતના રિટેલ સેક્ટરને વેગવંતુ બનાવવું એ રિલાયન્સ રિટેલનું વિઝન છે. એ ઉપરાંત લાખો ભારતીયોની રોજગારીનું રક્ષણ કરી વધુ તકોનું સર્જન કરવાની સાથે સાથે વૈશ્વિક અને સ્થાનિક કક્ષાની કંપનીઓ સાથે સહયોગ સાધી તેમની સાથે મળી ભારતીય સમુદાયને મહત્તમ લાભ પહોંચાડવો એ પણ તેનો મુખ્ય ઉદ્દેશ રહેલો છે. રિલાયન્સ રિટેલે તેની ન્યૂ કોમર્સ સ્ટ્રેટેજીથી નાના અને અસંગઠિત વેપારીઓનું પરિવર્તનશીલ ડિજિટલાઇઝેશન આરંભ્યું છે અને 20 મિલિયન નાના વેપારીઓ સુધી આ નેટવર્કનો વિસ્તાર કરવાની નેમ છે. તેનાથી વેપારીઓને તેમના પોતાના જ ગ્રાહકો સુધી મૂલ્યવર્ધિક ઉત્પાદનો પહોંચાડવા માટે ટેક્નોલોજી અને કાર્યક્ષમ સપ્લાય ચેઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ફાયદો મળશે.

જનરલ એટ્લાન્ટિક વિશ્વની અગ્રણી ગ્રોથ ઇક્વિટી ફર્મ છે જેની પાસે ટેક્નોલોજી,  કન્ઝ્યુમર,  ફાઇનાન્શિયલ સર્વિસિઝ અને હેલ્થકેર સેક્ટરમાં રોકાણ કરવાનો 40 વર્ષનો અનુભવ છે. વિશ્વના  14  સ્થળો પર પથરાયેલા ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મના નેજા હેઠળ સંકલિત ટીમ તરીકે કાર્યરત જનરલ એટ્લાન્ટિક નાવિન્યપૂર્ણ અને ઉદ્યોગસાહસિકતા ધરાવતા તથા દીર્ધકાલિન વિકાસને ચરિતાર્થ કરનારા સાહસોમાં મૂડીરોકાણ કરે છે. જનરલ એટ્લાન્ટિક પાસે સમગ્ર વિશ્વના અનેક સાહસિક ઉદ્યોગકારો અને કંપનીઓમાં રોકાણ કરવાનો લાંબો અનુભવ છે, જેમાં એરબીએનબી, અલીબાબા, એન્ટફિનાન્શિયલ, બોક્સ, બાઇટડાન્સ, ફેસબૂક, સ્લેક, સ્નેપચેટ, ઉબર અને વિશ્વની અનેક ટેક્નોલોજી અગ્રણી કંપનીઓનો સમાવેશ થાય છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, “અમે વેપારીઓ અને ગ્રાહકો બંનેનું એકસમાન સશક્તિકરણ કરવા અને અંતે ભારતીય રિટેલ ક્ષેત્રને પરિવર્તિત કરવા માટે કામ કરી રહ્યા છીએ ત્યારે જનરલ એટ્લાન્ટિક સાથેના અમારા સંબંધો વધુ વિસ્તરિત થતાં હું આનંદિત છું. રિલાયન્સ રિટેલની જેમ જ જનરલ એટ્લાન્ટિક પણ ભારત અને સમગ્ર વિશ્વના વ્યાપક વિકાસને આગળ ધપાવવા મૂળભૂત રીતે ડિજિટલ સશક્તિકરણની ક્ષમતાઓમાં માને છે. જ્યારે દેશમાં રિટેલ ક્ષેત્રને પુનઃપરિભાષિત કરવા માટે અમે ન્યૂ કોમર્સ પ્લેટફોર્મ તૈયાર કર્યું છે ત્યારે જનરલ એટ્લાન્ટિકની ટેક્નોલોજીના વિવિધ ક્ષેત્રોમાં અને કન્ઝ્યુમર બિઝનેસીસમાં બહોળો અનુભવ અને ભારતમાં મૂડીરોકાણ કરવાના બે દાયકાના અનુભવોનો લાભ લેવા માટે અમે ઉત્સાહિત છીએ.”

જનરલ એટ્લાન્ટિકના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી બિલ ફોર્ડે કહ્યું હતું કે, “દેશના રિટેલ ક્ષેત્રમાં હકારાત્મક પરિવર્તન લાવવાના શ્રી મુકેશ અંબાણીના ન્યૂ કોમર્સ વિઝનને ટેકો આપવા જનરલ એટ્લાન્ટિક ઉત્તેજિત છે, આ વિઝન જિયો પ્લેટફોર્મ્સ દ્વારા ડિજિટલ ઇન્ડિયાનું સપનું સાકાર કરવાના તેમના વિઝન સાથે ખભે ખભા મિલાવી રહ્યું છે. પરિવર્તનશીલ વિકાસને વેગ આપવા માટે ટેક્નોલોજીની તાકાતનો ઉપયોગ કરવાની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની મૂળભૂત માન્યતા સાથે જનરલ એટ્લાન્ટિક સંમત છે અને રિલાયન્સની સંપૂર્ણ ઇકોસિસ્ટમની વ્યાપક ક્ષમતાઓથી અમે ઉત્સાહિત છીએ. વૈશ્વિક ડિજિટલ ઇકોનોમીમાં ભારતની સ્થિતિને વધુ મજબૂત બનાવવા માટે રિલાયન્સની ટીમ સાથે ભાગીદારી કરતાં ગૌરવ અનુભવીએ છીએ.”

રિલાયન્સ રિટેલના ડિરેક્ટર કુ. ઈશા અંબાણીએ જણાવ્યું હતું કે, “ભારતના તમામ ગ્રાહકો અને વેપારીઓના લાભાર્થે ભારતીય રિટેલ ઇકોસિસ્ટમને નવું સ્વરૂપ આપવા અને તેનો વિકાસ સાધવા અમે સતત પ્રયત્નશીલ છે ત્યારે જનરલ એટ્લાન્ટિકને અમારા મૂલ્યવાન ભાગીદાર તરીકે આવકારતાં અમે આનંદ અનુભવીએ છીએ. વર્ષોથી વિશ્વની અગ્રણી કન્ઝ્યુમર અને રિટેલ ક્ષેત્રની અગ્રણી કંપનીઓ સાથે કામ કરનાર જનરલ એટ્લાન્ટિક પાસે રિટેલ ક્ષેત્રના વિકાસનો બહોળો અનુભવ છે અને અમે અમારી સફરમાં વિકાસ સાધી રહ્યા છીએ ત્યારે અમને તેનો લાભ મળશે તેવી અપેક્ષા છે.”

જનરલ એટ્લાન્ટિકના ભારત અને દક્ષિણ એશિયાના મેનેજિંગ ડિરેક્ટર અને હેડ શ્રી સંદીપ નાઇકે જણાવ્યું હતું કે, “ભારતીય રિટેલ ઇકોસિસ્ટમમાં પરિવર્તનની તાતી જરૂરિયાત છે. રિલાયન્સ રિટેલની રણનીતિ અનોખી છે – તે અત્યંત આક્રમક હોવા છતાં સર્વસમાવેશક છે, ઇન્ડિયા અને ભારતની વૈવિધ્યપૂર્ણ જરૂરિયાતોને સારી રીતે સમજનારી છે તથા કરિયાણાના વેપારીઓ અને ગ્રાહકોને વધુ હોલિસ્ટિક ઓમ્નીચેનલ રિટેલ સોલ્યૂશન્સ પૂરા પાડવાની અસીમિત તકોનું સર્જન કરે છે.”

આ સોદો નિયમનકારી અને કાયદાકીય મંજૂરીઓને આધિન રહેશે.

રિલાયન્સ રિટેલ તરફથી મોર્ગન સ્ટેન્લી નાણાકીય સલાહકાર હતા અને સિરિલ અમરચંદ મંગળદાસ તથા ડેવિસ પોલ્ક એન્ડ વોર્ડવેલ કાયદાકીય સલાહકાર હતા. જ્યારે શાર્દુલ અમરચંદ મંગળદાસ એન્ડ કંપની તથા પૌલ, વૈસ, રિફકાઇન્ડ, વોર્ટન એન્ડ ગેરિસન એલએલપી જનરલ એટ્લાન્ટિક તરફે કાયદાકીય સલાહકાર હતા.