Ek Vaat Mahatmani Part 27

“એક વાત મહાત્માની” અંક:૨૭ ગાંધીજીનું અર્થશાસ્ત્ર

Hiren Banker
હિરેન બેન્કર
પીએચડી રિસર્ચ સ્કોલર.અમદાવાદ
Ek Vaat Mahatmani Part 27

મહાત્મા ગાંધીજીએ સામાજિક, રાજકીય સુધારણા માટે તો પોતાના વિચારો રજુ કર્યા છે. જેની સાથે તેમણે આર્થિક વિચારોથી પણ વિશ્વને આપ્યા. ગાંધીજીનાં આર્થિક વિચારો સીધા અને સરળ હતા ગાંધીજીનાં આર્થિક વિચારો “સ્વકેન્દ્રિતા” ને બદલે “સમાજકેન્દ્રી” વલણને મહત્વ આપતા હતા. ગાંધીજીમાનતા હતા કે જેમ રાજનીતિ એ નીતિથી અલગ નથી તેમ અર્થનીતિ એ નીતિથી અલગ ન હોય. કોઈ સમાજનાં લોઈ ચોક્કસ વર્ગનાં ઉત્કર્ષ માટેની પરંતુ સમગ્ર માનવજાતિનો ઉત્કર્ષને કેન્દ્રમાં રાખી નીતિ બનાવવી જોઈએ. તેમનું માનવું હતું કે અર્થશાસ્ત્ર એ માત્ર આંકડા અને કિમતો સાથે જોડાયેલું શાસ્ત્ર નથી તે નૈતિક મુલ્યો સાથે પણ સંકળાયેલુ છે. બાપુએ અર્થશાસ્ત્રની મહત્વની બાબતો  પોતાને ગમતા લેખક જોન રસ્કિનની પુસ્તક “ અન ટુ ધીસ લાસ્ટ”માંથી મેળવી. જેમાંથી તેમને ત્રણ સિદ્ધાંત આપ્યા સર્વ કલ્યાણમાં પ્રત્યેકનું કલ્યાણ, વકીલ હોય કે વાંદળનાં કામની સમાન કિંમત કારણ બંને પોતાના નિર્વાહ માટે શ્રમ કરે છે, શ્રમયુક્ત જીવન જ સાચું જીવવા યોગ્ય જીવન છે.   

ગાંધીજીએ પોતના વિચારમાં યંત્રોનો વિરોધ દર્શાવ્યો છે. પરંતુ આ વિરોધને સમજવો જરૂરી છે. તેમણે તમામ યંત્રો ખોટા છે કે તેનો ઉપયોગ ન કરવો જોઈએ એમ કહ્યું કે માનતા નહાતા. ગાંધીજીનાં મતે યંત્રનાં ઉપયોગ પાછળનો હેતુ શ્રમ બચાવવાનો હોવો જોઈએ નહિ કે પૈસાનો લોભ, તે સમયનાં મહાન વિચારકોએ પણ વિશ્વમાં વધી રહેલા ઔધોગિકરણ અને યંત્રીકરણનો વિરોધ કરતા ઉદાહરણો આપ્યા છે કે રેલ્વે માટે કેટ-કેટલા જંગલોનો નાશ કરવામાં આવ્યો. ગાંધીજીનો યંત્ર વિરોધ એકાન્તિક વિરોધ ન હતો એટલે કે યંત્રનોયંત્ર તરીકે વિરોધ નહિ પણ તેના દુરઉપયોગ સામેનો તેમનો વિરોધ હતો. ગાંધીજીએ કહ્યું છે કે  “મારો વાંધો યંત્રો સામે નહિ પરંતુ પણ યંત્રોની ઘેલાછા સામે છે” મોટી મોટી ઈમારત, મોટા પત્થર ઉચકવા કે સમાન ઉપર ચઢાવવા શ્રમિકોની કમર તોડવા કરતા યંત્રોનો ઉપયોગ આવશ્યક છે.

મૂડીવાદીઓએ મેળવેલ રૂપિયામાં શ્રમિકો,ગરીબોનાં શ્રમનું શોષાય હોય છે. મૂડીવાદ એ હિંસા આધારિત છે એમ ગાંધીજીનું માનવું હતું. તેમણે અમીર-ગરીબ અને માલિક-શ્રમિકનાં વધતા ઘર્ષણને ટાંકતા કહ્યું છે કે “ હું  દ્રશ્ય કલ્પી શકું છું કે જેમાં શ્રીમંતો ગરીબોને ભોગે શ્રીમંત થવાનું નકારે અને ગરીબો શ્રીમંતોની અદેખાઈ ન કરે તો કલેહ અને દ્વેષભાવને દુર કરી શકીએ અને એમ કરવું જ જોઈએ” ગાંધીજી મૂડીવાદનાં આર્થીક અસામનતાનાં પ્રખર વિરોધી હતા તે માટે તેમને કહ્યું છે કે “ આર્થિક અસમાનતાને માટે કાર્ય કરવું એટલે મૂડીને મજુરી વચ્ચેનો કાયમી ઝઘડો મીટાવવો. એનો અર્થ એ કે જેની પાસે રાષ્ટ્રની ખુબ સંપતિ છે તેવા લોકો સંપતિ કમી કરવી અને ગરીબની સંપતિ કેવી રીતે વધે તે પ્રયત્નો ચાલુ રાખવો. જ્યાંસુધી આ અસમાનતા છે ત્યાં સુધી અહિંસાના પાયા પર  રાજવહીવટ કરવો મુશ્કેલ છે.

ગાંધીજીએ મહાત્મા ગૌતમ બુદ્ધનાં ઉપદેશમાંનાં અપરિગ્રહ એટલે કે જીવન જરૂરિયાત કરતા વધુનું સંગ્રહખોરી ન કરવી. ગાંધીજીનું માનવું હતું કે “માનવી પોતાની જરૂરિયાત કરતા વધારે વાપરે છે તેથી જ આ જગતમાં ઘણી કંગાલિયત પેદા થઇ છે.સૌ પોતાને જોઈતો જ સંગ્રહ કરે તો કોઈને તંગી ન આવે અને સૌને સંતોષ રહે” નૈતિક અને આર્થીક બંને દ્રષ્ટીએ આ મહત્વનું છે. ગાંધીજીનાં આર્થિક સ્વાવલંબન માટે માનવું હતું કે દરેક ગામમાં ગાય, રેંટીયો, ઘંટી, ખાંડણીયો જેવા સાધનો અને કુંભાર, મોચી, ઘાંચી જેવા કારીગરો પણ હોવા જરૂરી છે જેથી ગામ સ્વાવલંબી બને. ગાંધીજીએ જણાવ્યું કે વિશ્વમાં વ્યાપેલી ગરીબીનું નિરાકરણ વિપુલ પ્રમાણમાં ઉત્પાદન નથી પરંતુ લોકો માટે ઉત્પાદન દ્વારા થશે. (ડિસ્કલેમર:આ લેખકનું પોતાના વિચાર છે.)

Reference:ગાંધી સાહિત્ય, ઇન્ડિયન ઓપીનીયન, કલેકટીવ વર્ક ઓફ ગાંધી

આવતીકાલે……અંક :૨૮ મહિલા સશક્તિકરણ

********