“એક વાત મહાત્માની” અંક :૨૮ મહિલા સશક્તિકરણ

Hiren Banker
હિરેન બેન્કર
પીએચડી રિસર્ચ સ્કોલર.અમદાવાદ
Ek vaat Mahatmani Part 28

મહાત્મા ગાંધીજીએ મહિલાઓનાં રાજકીય, સમાજિક, આર્થિક માટે કટિબદ્ધતા દાખવી હતી. આજે આપણે મહિલાઓને ભણેલી-ગણેલી અને આત્મનિર્ભર જોઈએ છીએ પરંતુ આ માટે ભારતમાં ઘણા મહાનુભવોએ પ્રયત્નો કર્યા છે. ગાંધીજીએ જાતિ સમાનતા, લગ્ન, દહેજપ્રથા, વિધવા પુનઃલગ્ન, મહિલા સન્માન, શિક્ષણ, વગેરે જેવા મહત્વનાં મુદ્દાઓ પર પોતાના વિચાર રજુ કરી તેમાં કામગીરી કરી હતી. ગાંધીજી માનતા હતા કે મહિલાઓ પુરુષો દ્વારા બનાવવામાં આવેલા રીતીરીવાજોથી દબાવી દેવામાં આવી છે જેમાં મહિલાઓનો કોઈ વાંક નથી. સામાજિક નિયમોનું ગઠન પરસ્પર સહયોગ અને પરામર્શથી થવું જોઈએ. મહિલાઓને પોતે પુરુષોની ગુલામ માનવાનું શીખવવામાં આવ્યું છે. મહિલાઓએ પોતે સપૂર્ણ રીતે પુરુષોની બરાબરીની ભૂમિકા ભજવવી જોઈએ. ગાંધીજીએ રચાનાંત્મક કાર્યક્રમ દરમિયાન કહ્યું છે કે પત્ની એ કોઈ રમકડું કે વસ્તુ નથી તેને માન-સન્માન સાથે કાર્યોમાં જોડવા જોઈએ. મહિલા સશક્તિકરણ શરૂઆત પોતાનાથી જ કરતા ગાંધીજીએ કસ્તુરબાને પત્ની ધર્મમાંથી મુક્ત કરી તેમના સેવા કર્યો ન કરવા કહ્યું હતું. આ સાથે ગાંધીજીએ શરુ કરેલી સ્વરાજની લડાઈમાં મહિલાઓને મહત્વનું સ્થાન આપ્યું હતું. મનુબેન, સુશીલા નાયર, આભાબેન, મીરાબેનને જેવા અનેક મહિલાઓને લડતમાં સાથે રાખી તેમની પોતાની શક્તિની ઓળખ કરવી હતી.

હિન્દુસ્તાનમાં ઓગણીસમી સદીમાં મહિલાઓ પર ગણા બંધનો હતા. બાલવિવાહ-બાળ હત્યા સાથે વિધવા, ત્યકતા સાથે થતો દુર્વ્યવહાર જેવી કુપ્રથાઓને ત્યજીને ગાંધીજીને નવી ચેતનાનો પ્રસાર કર્યો. ગાંધીજીનું માનવું હતું કે દેશની ચળવળમાં મહિલાઓ જે સમાજનો અડધો હિસ્સો છે તેમને સાથે રાખ્યા વિના કામગીરી ન થઇ શકે. સ્ત્રીઓની સ્વતંત્રતાનો માર્ગ માત્ર શિક્ષણ નથી પરંતુ પુરુષની તેમના પ્રત્યેની દ્રષ્ટી અને વર્તનમાં બદલાવ જરૂરી છે. હિન્દુસ્તાનની મહિલાઓ રીતી રીવાજો અને ઓછા હક્કોથી ભોગવતી હશે ત્યાં સુધી દેશનો ખરો ઉદ્ધાર થશે નહિ. ગાંધીજી એ બિહારમાં ઉચ્ચ કુળની મહિલાઓને મળ્યા ત્યારે તેઓ પડદામાં હતી અને ગાંધીજીએ આહવાન કયું કે ચાલો બહાર પુરુષો સાથે બેસીએ ગાંધીજીએ પડદારીવાજને દુર કરવાની વાત કરતા કહ્યું હતું કે “મહિલાઓને અક્ષરજ્ઞાન પહેલા પોતાની દશાનું ભાન થવું જરૂરી છે.” મહિલાઓને સ્વાવલંબી બનાવવા રેંટીયો હિન્દુસ્તાનની દરેક સ્ત્રીઓનાં હાથમાં આપ્યો. ગાંધીજીએ કહ્યું હતું કે હિન્દુસ્તાનમાં જે શિક્ષિત બહેનો છે તેમણે મેદાને ઉતરવું પડશે અને સુધારણા રચનાત્મક કાર્યો કરી વહેમ, અંધ શ્રધ્ધા, અને કુરિવાજોનો ત્યાગ કરવા બહેનોને સભાન કરવી પડશે.

ગાંધીજીનાં આહવાહનથી વર્ષ ૧૯૨૯ની લાહોરની મહાસભામાં સેકડો  મહિલાઓ સ્વયંસેવિકાઓ તરીકે જોડાઇ. સ્વદેશ અને સ્વરાજનાં ઉપદેશથી પ્રેરિત થઇ બારડોલી અને દાંડી સત્યાગ્રહમાં મોટી સંખ્યામાં મહિલાઓ સરઘસમાં અને યાત્રામાં જોડાઇ હતી. દક્ષીણ આફ્રિકામાં ચલાવેલી લડતમાં મહિલા મોરચાની જવાબદારી કસ્તુરબાએ નિભાવી હતી. ગાંધીજીનાં મત અનુસાર જે મહિલાને અબળાને આપણે સબળા અને નબળા મદદ વિહોણાને મદદ કરીને શક્તિશાળી બનાવીએ ત્યારેજ સામાજિક સુધારાણા કરીને સાચું સ્વરાજ મેળવી શકીશું. ગાંધીજીનાં નવચેતના પ્રેરિત વિચારોથી ભણેલી–અભણ, શહેરી-ગ્રામ, દેશની કે પરદેશની મહિલાઓ પ્રભાવિત થઇ છે. સરોનીજી નાયડુ, લક્ષ્મી મેનન, રાજકુમાર અમ્રિત કોર જેવી અનેક મહિલાઓને ગાંધીજીએ માર્ગદર્શિત કર્યા મહાત્મા ગાંધી બાળ વિવાહનો સદંતર રીતે વિરોધ કર્યો હતો. વિધવા પુનઃ લગ્નને સમાજિક અને ધાર્મિક બંધનોથી દુર થઈને લગ્ન માટે પ્રેરિત કર્યા. દેહજ પ્રથાને ગાંધીજીએ દુસ્વપ્ન સમાન ગણાવ્યું હતું. ગાંધીએ માત્ર ભારતીય રાજકારણમાં જ નહીં, પણ મહિલાઓ માટેના જીવનમાં પણ ક્રાંતિ લાવી હતી. (ડિસ્કલેમર:આ લેખકનું પોતાના વિચાર છે.)

Reference:ગાંધી સાહિત્ય, ઇન્ડિયન ઓપીનીયન, કલેકટીવ વર્ક ઓફ ગાંધી

આવતીકાલે….અંક ૨૯: છેલ્લો ઉપવાસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!