corona Awareness edited

કલાણા ગામનાં સગર્ભાએ મક્કમ મનોબળને સથવારે આપી કોરોનાને મ્હાત

corona Awareness edited

કલાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓના સંનિષ્ઠ પ્રયાસો થકી હવે અમારો પરિવાર કોરોનામુક્ત છે – લલિતભાઈ દેવરાજભાઈ સોલંકી

અહેવાલ: રાધિકા વ્યાસ, રાજકોટ

રાજકોટ, ૦૭ ઓક્ટોબર: એવું કહેવાય છે કે, સગર્ભાવસ્થાનો આઠમો મહિનો ગંભીર હોય છે અને સગર્ભા મહિલાઓએ સામાન્ય મહિનાઓ કરતાં આ મહિનામાં વધુ કાળજી રાખવી પડે છે. પરંતુ જ્યારે આઠમા મહિનામાં કોઈ બીમારી લાગુ પડે ત્યારે શું થાય..? એમાંય કોરોનાનું નામ સાંભળતા જ લોકોની તંદુરસ્તી કરતાં મનદુરસ્તી વધુ ઝડપથી લથડી જતી હોય છે. એક પરિવારની આવી જ કંઈક હાલત થઈ. વાત છે કલાણા ગામનાં રહેવાસી લલિતભાઈ સોલંકીના પરિવારની…

લલિતભાઈના ૨૭ વર્ષીય ભાઈ સાગરભાઈની તબિયત બગડતાં કલાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તેમનો કોરોના ટેસ્ટ કરાવતાં રીપોર્ટ પોઝિટિવ આવ્યો. તે દરમિયાન સાગરભાઈનું ઓક્સિજન લેવલ ખૂબ ઘટી જતાં તેમને જૂનાગઢ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. 

સાગરભાઈનો રિપોર્ટ પોઝિટિવ આવતાં કલાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમ દ્વારા તેમના ઘરની મુલાકાત કરવામાં આવી. તપાસ દરમિયાન ઘરની ૫ વ્યક્તિઓ હાઇ રીસ્ક ગ્રુપમાં આવતાં તમામ લોકોના રિપોર્ટ કરવામાં આવ્યા. અને લલિતભાઈના સગર્ભા પત્ની હસ્મિતાબેનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. હસ્મિતાબેનને એક તરફ આઠમો મહિનો ચાલતો હતો અને બીજી તરફ કોરોનાનો ડર મનમાં પેસી જવાથી પરિવારના તમામ સભ્યો પહેલાં તો જાણે બેબાકળા જ બની ગયા. પરંતુ હોસ્પિટલમાંથી પણ તપાસ બાદ ઘરે રહીને સારવાર કરવાની સલાહ મળતાં તેઓ હોમ કોરેન્ટાઇન થયા.

 લલિતભાઈએ જણાવ્યું હતું કે, “કલાણા પી.એચ.સી.ના તમામ આરોગ્યકર્મીઓ દ્વારા હસ્મિતાબેનનું રૂટિન ચેકઅપ થતું, તબિયત સારી હતી. પરંતુ ૨ દિવસ બાદ તબિયત બગડતાં મેડિકલ ઓફિસરે મુલાકાત કરતાં ગ્લુકોઝ ચડાવવાની જરૂર પડી અને સતત બે દિવસ સુધી બાટલાં ચડાવ્યાં. પી.એચ.સી.ના તમામ કર્મચારીઓની મહેનતે અમારું મનોબળ વધાર્યું અને આજે મારા પત્ની અને ભાઈ સમ્પૂર્ણ સ્વસ્થ છે. તે બદલ અમે આરોગ્ય ટીમનો હ્રદયપૂર્વક આભાર માનીએ છીયે.”

Advt Banner Header

જ્યારે કોરોનાના કારણે લલિતભાઈના પરિવારના બે સભ્યોની હાલત ગંભીર હતી ત્યારે માનસિક અને આર્થિક રીતે ચિંતાગ્રસ્ત લલિતભાઈના પરિવાર માટે કલાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારી ડો. યુ.એચ.ચગ, હેમાક્ષીબેન સાવલિયા, મહેશભાઇ પરમાર, લક્ષ્મીબેન મુછડીયા, મનીષાબેન મણવર, જસ્મિનભાઈ રામકબીર, મોહનભાઇ બાગિયા જાણે ટેકણલાકડી બન્યા અને તમામ કર્મચારીઓએ તેમના મનમાંથી કોરોનાનો ભય દૂર કરી શક્ય તેટલી તબીબી મદદપુરી પાડી હતી.

દર્દીઓના આત્મબળ અને આરોગ્યકર્મીઓની મહેનતના કારણે આજે અનેક ગંભીર દર્દીઓ જ્યારે કોરોનાને પરાજિત કરી સ્વસ્થ બની પોતાનાં ઘરે પરત ફરે છે ત્યારે તેમનાં હૃદયની સંવેદના જાણે શબ્દ બનીને સ્ફુરે છે કે, “અમને તંદુરસ્તી બક્ષનારા કોરોના યોદ્ધાઓનો ખુબ ખુબ આભાર…આ કોરોના વીરોને સો સો સલામ…”