RJT Kid Civil

રાજકોટ સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ મારી દીકરીનો નહીં પણ મારો જીવ બચાવ્યો છે:સિકંદરભાઈ

RJT Kid Civil

સંકલન: હેતલ દવે, રાજકોટ

“દિકરી” આ ત્રણ અક્ષરનો શબ્દ સાંભળતા જ પ્રત્યેક વ્યક્તિના હૃદયમાં વહાલનો દરિયો ઉમટી પડતો હોય છે. અમીર હોય કે ગરીબ, કોઈપણ પરિવાર તેની દીકરી માટે સવિશેષ વહાલ ધરાવતો જ હોય છે. આવા આર્થિક રીતે નબળી પરિસ્થિતિ ધરાવતા કોઈ પરિવારના લાગણીના પુષ્પ સમી દીકરી હજુ તો માંડ ભાખોડીયા ભરતાં જ શિખી હોય અને તેને કોઈ શારીરિક તકલીફ થાય તો ? આવી કલ્પના કરવી જ મુશ્કેલ છે.

કોરોનાની મહામારી વચ્ચે આવી જ એક ઘટના રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બની છે. રાજકોટ સીવીલ હોસ્પિટલના તબીબોની ત્વરિત સારવારે આર્થિક રીતે નબળી પરિસ્થિતિ ધરાવતા સાવરકુંડલાના ફકીર પરિવારની માત્ર ૧ વર્ષની દિકરી સુહાનાને નવજીવન બક્ષ્યું છે.

અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં રહેતા અને મજુરીકામ કરી ઘર-પરિવારનું ગુજરાન ચલાવતાં સિકંદરભાઈના ઘરે બે દીકરાના જન્મ બાદ દીકરીનો જન્મ થતાં પતિ-પત્ની બંને ખુશ હતા, તેમણે તે દીકરીનું નામ સુહાના રાખ્યું. સુહાના એકાદ વર્ષ થઈ અને ભાખોડિયાભેર ચાલતી-રમતી થઇ તેવા સમયે એક દિવસ તેને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. માતા-પિતા બન્નેને માથે જાણે આભ તૂટી પડ્યું. હવે શું કરવું તેવી ચિંતા તેમને થઈ, તુરંત જ તેમણે અમરેલીના ડોક્ટરને બતાવ્યું, એક તરફ દીકરીનો જીવ બચાવવાની ચિંતા તો બીજી તરફ વિપરીત આર્થિક પરિસ્થિતિ. આવા સમયમાં તેમને સ્થાનિક ડોક્ટરોએ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બતાવવાની સલાહ આપી અને આ પરિવાર તુરંત રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોંચ્યો.

RJT Kid Civil 2

પોતાના પરિવાર ઉપર આવેલી પડેલી આ આફતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ દેવદૂત બનીને તેમની વ્હાલસોયી દીકરીને આપેલ નવજીવનની ગદ્દગદિત સ્વરે વાત કરતા દીકરીના પિતા સિકંદરભાઈ કહે છે કે,”રાજકોટ સિવિલ હોસ્પિટલના ડોકટર -મેડમે મારી દિકરી સુહાનાનો નહીં પણ મારો જીવ બચાવ્યો છે. મારી દીકરીને શ્વાસનળીમાં કાચનું મોતી ફસાઈ ગયું હતું, એટલે તેને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. તે શ્વાસ લે ત્યારે પણ અવાજ આવતો. આથી અમે પતિ-પત્ની ગભરાઈ ગયા અને તુરંત જ પહેલા અમરેલીના ખાનગી ડોક્ટરને બતાવ્યું તેણે કહ્યું કે અમારી સુહાનાના ગળામાં કંઇક ફસાઈ ગયું છે. તેથી તેનું ઓપરેશન કરવું પડે એટલે તમે રાજકોટ સિવિલમાં તેને લઈ જાવ. અમે તરત જ અહીં રાજકોટ સિવિલમાં આવ્યા અને અહીંના ડોક્ટરે અમારી દીકરી ને ચેક કરીને તેનું ઓપરેશન કરી તેના ગળામાંથી કાચનું મોતી કાઢીને તેને નવજીવન આપ્યું છે.

સિકંદરભાઈ પોતાની દીકરીને પુનઃ હસતા-રમતા જોઈને આનંદિત થઈ ગદગદ્દીત સ્વરે સિવિલ હોસ્પિટલના ડોક્ટરોનો આભાર માનતા કહે છે, અહીંના ડોક્ટરો અમારા પરિવાર માટે દેવદૂત બનીને આવ્યા છે. અહીંયા અમે આવ્યા ત્યારથી અમને રજા આપવામાં આવી ત્યાં સુધી ઓપરેશન – સારવાર દરમિયાન અમે એક પણ રૂપિયો ચૂકવ્યો નથી, એટલું જ નહીં અહિંયા અમને ભોજન પણ વિનામૂલ્યે આપવામાં આવતું હતું”

સુહાનાની સર્જરીની વિગતો આપતાં સિવિલ હોસ્પિટલના તબીબે જણાવ્યું હતું કે, “કોરોનાની મહામારી વચ્ચે કાર્યરત સિવિલ હોસ્પિટલમાં ઇમર્જન્સીમાં સિકંદરભાઈ તેમની દીકરીને સાંજે ૬ વાગ્યે લઈને આવ્યા હતા, ત્યારે બાળકીનો શ્વાસ રૂંધાતો હતો, તેથી તુરંત જ લોહીની તપાસ અને છાતીનો એક્સ-રે કરાવવામાં આવ્યો. તેમને બ્રોન્ક્સ (શ્વાસનળીનો ઊંડાણ વાળો ભાગ) માં એક નાની ગોળ આકારની કોઈ વસ્તુ ફસાઈ ગયેલ હોય તેવું દેખાયુ. તેથી ઇએનટી વિભાગના સર્જનોને તાત્કાલિક જાણ કરવામાં આવી, વધુ ખાતરી કરવા માટે છાતીનો સીટી સ્કેન જરૂરી હતો. જોકે છાતીનું સીટી સ્કેન કરવાથી ઓપરેશનમાં વધુ વિલંબ થઈ શકે અને સીટી સ્કેન મશીનનો મોટા ભાગે કોવીડ દર્દીઓ માટે ઉપયોગ કરવામાં આવતો હોવાથી બાળકને કોવીડ ઇન્ફેક્શન થવાનું જોખમ હતું.”

તબીબો માટે દરેક મિનિટ કિંમતી હતી, કેમ કે, પહેલે થી ચાર દિવસ તો પસાર થઈ ગયા હતા અને બાળક આ સ્થિતિને થોડા કલાકો સુધી ટકાવી રાખે તેવી તેની ક્ષમતા શંકાસ્પદ હતી. આ મૂંઝવણભરી પળમાં સમય, સ્થિતિને ધ્યાનમાં લઈને તાત્કાલિક ઓપરેશન કરવાની તૈયારી કરીને બાળકોના ડોકટર, એનેસ્થેસિયાના ડોક્ટરને હાજર રાખીને કાન, નાક, ગળાના સર્જન ડોક્ટરે ઓપરેશન (બ્રોન્કોસ્કોપી) કરીને એક નાનકડું મોતી બાળકની છાતીની નળીમાંથી બહાર કાઢી લીધું. આ ઓપરેશન તે જ દિવસે સાંજના ૮.૩૦ વાગ્યા સુધીમાં થઈ પણ ગયું, અને બાળકીનો જીવ અમે બચાવી શકયા. આ મોતી એક વર્ષના બાળક માટે ખાસ કરીને જ્યારે તે ફેફસાની નળીઓમાં ઊંડે સુધી પહોંચી ગયું હોય ત્યારે તો જીવન મરણનો ખેલ હોય છે.

રાજ્યનું પ્રત્યેક બાળક સારૂં સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે તે માટે રાજ્ય સરકાર સંવેદનશિલ છે જે બાબતની પ્રતિતિ સીવિલ હોસ્પિટલના ડોકટરોએ બાળકીને આપેલ નવજીવન દ્વારા કરાવી છે.