Deesa mother death

સણથ ગામે ખેતરમાંથી મળેલ માતા-પુત્રીની લાશનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો

Deesa mother death

ભિલડી પોલીસે ત્રણ ઈસમોને પકડી જેલ હવાલે કર્યા

અહેવાલ:: ભરત સુંદેશા, બનાસકાંઠા

બનાસકાંઠા, ૦૬ જાન્યુઆરી: ડીસા તાલુકાના સણથ ગામમાં ખેતરમાંથી બે દિવસ પહેલાં મળેલ માતા-પુત્રીની લાશ સંદર્ભે ભીલડી પોલીસે ત્રણ આરોપીને ઝડપી પાડી ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી દીધો હતો. આરોપીઓએ છોકરી ભાગી જવાના મુદ્દે બંધક બનાવ્યા બાદ ભાગી છુટેલી માતા પુત્રી ઝાટકા મશીનથી કરંટ લાગતા મોતને ભેટી હોવાનું ખુલ્યું હતું.

Whatsapp Join Banner Guj

બનાવની વિગત એવી છે કે બે દિવસ અગાઉ ૪ જાન્યુઆરીના રોજ ડીસાના સણથ ગામના અમરતભાઈ ભીખાભાઈ રબારીના ખેતરમાંથી કાંકરેજ તાલુકાના શિયા ગામની ગીતાબેન સરતનભાઈ રબારી (ઉંમર વર્ષ ૪૧ )અને તેમની પુત્રી મીનલબેન સરતનભાઈ રબારી (ઉંમર વર્ષ ૧૫ ) ની રહસ્યમય હાલતમાં લાશ મળી આવી હતી. ઘરેથી પિયર જવા નીકળેલી અને સણથમાં કોઈ સ્વજન પણ ન હોવા છતાં લાશો મળતા પોલીસ માટે ભેદ ઉકેલવો કોયડો બની ગયું હતું. જો કે ભીલડીના પી. એસ. આઈ. એ. બી. શાહે સ્ટાફના સહયોગથી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં બાતમીદાર અને મોબાઈલ કોલ ડિટેઇલ્સના આધારે ઝીણવટભરી તપાસ કરતા મૃતક ગીતાબેન સરતનભાઈ રબારી કુંવારા યુવકોને છોકરી લઈ આપવા એજન્ટનું કામ કરતી હતી.

જેમાં ડીસા તાલુકાના સાંડિયા ગામના રમેશભાઈ ભાણજીભાઈ રાવળના નાના ભાઈ માટે લગ્ન કરવા છોકરી જોઈતી હતી. જેથી તેણે તેના મામાના છોકરા પ્રવીણભાઈ કાનજીભાઈ રાવળ (ગામ ભદ્રવાડી તાલુકો કાકંરેજ) ને વાત કરી હતી. જેના પગલે શિયા ગામમાં રહેતી અને રૂપિયા લઈને સાબરકાંઠાની છોકરીઓ સાથે લગ્ન કરી આપતી ગીતાબેન રબારી સાથે લગ્ન કરાવવાની વાત કરવામાં આવી હતી. જેમાં બે માસ પહેલા દોઢ લાખ રૂપિયામાં છોકરીનો સોદો કરીને સાંડિયા ગામના પ્રવીણભાઈ ભાણજીભાઈ રાવળ સાથે લગ્ન કરાવવામાં આવ્યા હતા. પરંતુ ત્રણ દિવસ રહીને છોકરી ભાગી ગઈ હતી. જેથી રમેશભાઈ ભાણજીભાઈ રાવળ તેમજ તેના મામાના દિકરા પ્રવીણભાઈ કાનજીભાઈ રાવળે રૂપિયા પરત લેવા માટે સાંડિયા ગામના તેમના ખેતરમાં બન્ને માતા-પુત્રીને બે દિવસથી બંધક બનાવેલ હતી અને રૂપિયા આપશો ત્યારે જ તમને છોડવામાં આવશે તેવી માગણી કરી હતી. જો કે માતા-પુત્રી મોકો જોઈને રાત્રીના સુમારે ભાગી ગયા હતા.જેમાં ચાલતા ચાલતા બાજુના સણથ ગામના અમરતભાઈ ભીખાભાઈ રબારીના ખેતરમાં લગાવેલા ઝાટકા મશીનના વાયરે અચાનક અડી જતાં કરંટ લાગતા બન્નેનું ધટના સ્થળે મોત થયુ હતું.

જેમાં ખેતર માલિક અમરતભાઈ ભીખાભાઈ રબારી સામે મનુષ્ય વધનો ગુનો નોંધીને તેમને જેલના સળીયા પાછળ ધકેલવામાં આવ્યા હતા. જ્યારે બીજા બે આરોપી રમેશભાઈ ભાણજીભાઈ રાવળ અને પ્રવીણભાઈ કાનજીભાઈ રાવળને પણ ઝડપી પાડી જેલ હવાલે કરી દીધા હતા. ભિલડી પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી દેતા પંથકમાં પોલીસની કામગીરી પ્રશંસાને પાત્ર બની છે..

આ પણ વાંચો..