Screenshot 20200508 185609 01 1

પરપ્રાંતિય શ્રમિકો-કામદારોને વતન રાજ્ય જવા દેશમાં 163 વિશેષ ટ્રેનોમાંથી 97 એકલા ગુજરાતમાંથી રવાના થઇ

ગાંધીનગર,૦૮ મે ૨૦૨૦
◆ શુક્રવારે વધુ 33 વિશેષ ટ્રેન રવાના થશે
◆ ઉત્તરપ્રદેશ માટે 57-ઓરિસ્સા માટે 16- બિહાર 16- ઝારખંડ-4 સહિત 94 વિશેષ ટ્રેન દ્વારા અત્યાર સુધીમાં 1 લાખ 50 હજારથી વધુ શ્રમિકો વતન પહોચ્યા
◆ રાજ્યમાં મનરેગાના 4272 ગામોમાં કામો ચાલુ થયા-3 લાખ 32 હજાર શ્રમિકોને રોજગારી મળતી થઇ
◆ સુજલામ સુફલામ જળ અભિયાનના કામોથી 62754 શ્રમિકો- 4 લાખ 78 હજાર માનવદિન રોજગારી
◆ 26.88 લાખ ઘનમીટર જળસંચયનું કામ પૂર્ણ
◆ 61 લાખ APL-1 મધ્યમવર્ગીય પરિવારોમાંથી બે જ દિવસમાં 15 લાખ પરિવારોએ વિનામૂલ્યે અનાજ વિતરણનો બીજીવાર લાભ મેળવ્યો
▪મુખ્યમંત્રીશ્રીના સચિવે આપી વિગતો

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના દિશાનિર્દેશનમાં રાજ્ય સરકારના વહિવટી તંત્રએ ભારત સરકાર સાથેના સંકલન દ્વારા ગુરૂવાર સુધીમાં 94 વિશેષ ટ્રેન અને આજે અન્ય 33 ટ્રેનો એમ કુલ મળીને 127 જેટલી ટ્રેનો દ્વારા 1 લાખ 53 હજાર જેટલા અન્ય રાજ્યોના શ્રમિકો-વ્યક્તિઓને તેમના વતનમાં મોકલવાની વ્યવસ્થા કરી છે.

મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનિકુમારે આ અંગેની વધુ વિગતો આપતા જણાવ્યું કે, સમગ્ર દેશમાંથી આવી 163 વિશેષ ટ્રેનની ગુરૂવાર સુધીમાં પરપ્રાંતિય શ્રમિકોને વતન રાજ્ય માટે ચલાવવામાં આવી છે તેમાં સૌથી વધુ 94 ટ્રેન એકલા ગુજરાતમાંથી રવાના થઇ છે. શુક્રવારે વધુ 33 સ્પેશિયલ ટ્રેનના માધ્યમથી પરપ્રાંતિઓ, શ્રમિકો અને મજૂરોને ઉત્તરપ્રદેશ, બિહાર, ઓરિસ્સા, ઝારખંડ અને અન્ય રાજ્યોમાં પહોંચાડવામાં આવશે, એમ તેમણે ઉમેર્યુ હતું.

તેમણે વધુમાં જણાવ્યું કે, ગઇકાલ રાત્રી સુધીમાં સુરત શહેરમાંથી 39 ટ્રેનો રવાના કરવામાં આવી છે. જૈ પૈકી ઉત્તરપ્રદેશ માટે 16 ટ્રેનો, ઓરિસ્સા માટે 16, બિહાર માટે 4 અને ઝારખંડ માટે 3 ટ્રેનનો સમાવેશ થાય છે. અમદાવાદના સાબરમતી અને વિરમગામ સ્ટેશન પરથી ગઇકાલ રાત્રી સુધીમાં કુલ 24 ટ્રેનો રવાના થઇ છે, જેમાં ઉત્તરપ્રદેશ માટે 18, બિહાર માટે 6 ટ્રેનનો સમાવેશ થાય છે.

વડોદરા શહેરમાંથી 9 ટ્રેન રવાના થઇ છે, જેમાંથી 8 ઉત્તરપ્રદેશ અને 1 બિહારનો સમાવેશ થાય છે. રાજકોટમાંથી કુલ 4 ટ્રેનો રવાના થઇ છે જેમાં 2 યુ.પી, 1 બિહાર અને 1 મધ્યપ્રદેશ, ગોધરામાંથી કુલ 3 ટ્રેનો, જેમાં 1 ઉત્તરપ્રદેશ અને 1 બિહાર, જામનગરમાંથી કુલ 2 ટ્રેનો જેમાં ઉત્તરપ્રદેશ 1 અને બિહારની 1 ટ્રેનનો સમાવેશ થાય છે. જ્યારે કચ્છ ભૂજમાંથી ઉત્તરપ્રદેશ માટે 1 ટ્રેન, મહેસાણાથી ઉત્તરપ્રદેશ માટે 1, મોરબીથી ઝારખંડ માટે 1, નડિયાદથી ઉત્તરપ્રદેશ માટે 3 , પાલનપુરથી ઉત્તરપ્રદેશ માટે 1, આણંદથી કુલ 2 ટ્રેનો રવાના થઇ છે, જેમાં 1 બિહાર અને 1 ઉત્તરપ્રદેશ, અંકલેશ્વર-ભરૂચથી 1 ટ્રેન ઉત્તરપ્રદેશ, ભરૂચથી 1 ટ્રેન બિહાર, ભાવનગરથી 1 ટ્રેન ઉત્તરપ્રદેશ માટે રવાના થઇ છે એમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રીએ આ વિશેષ ટ્રેનોની વિગતો આપતા કહ્યું કે, ગઇકાલ રાત્રી સુધીમાં ઉત્તરપ્રદેશ માટે કુલ 57 ટ્રેનો, ઓરિસ્સા માટે 16 ટ્રેનો, ઝારખંડ માટે 4 ટ્રેનો, બિહાર માટે 16 ટ્રેનો અને મધ્યપ્રદેશ માટે 1 ટ્રેન એમ કુલ 94 ટ્રેનના માધ્યમથી 1 લાખ 13 હજાર પરપ્રાંતિઓ, મજૂરો, શ્રમિકોને ખુબ સારી વ્યવસ્થા અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ટ્રેનમાં તેમના વતન રાજ્યમાં રવાના કરવામાં આવ્યા છે.

આ વ્યવસ્થામાં કોઇપણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય એના માટેની ચોક્કસ વ્યવસ્થા અને પ્રબંધ સુરત, વડોદરા, અમદાવાદ, રાજકોટ, નડિયાદ, પાલનપુર, મહેસાણા અને અન્ય જિલ્લાઓના વહિવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યો છે.

તેમણે જણાવ્યું કે, શુક્રવાર કુલ 33 ટ્રેનો ગુજરાતના અલગ-અલગ શહેરમાંથી રવાના થશે. જેમાં ઉત્તરપ્રદેશની કુલ 25 ટ્રેનો, બિહારની 4, ઝારખંડની 1, મધ્યપ્રદેશની 2 અને રાજસ્થાનની 1 ટ્રેનનો સમાવેશ થાય છે.

તેમણે ઉમેર્યું કે, આજે સુરતમાંથી કુલ 9 ટ્રેનોમાંથી 5 ટ્રેન ઉત્તરપ્રદેશ, 2 ટ્રેન બિહાર, 1 ટ્રેન ઝારખંડ અને 1 ટ્રેન રાજસ્થાન રવાના થશે. વડોદરામાંથી કુલ 3 ટ્રેનો રવાના થશે, જેમાં ઉત્તરપ્રદેશ માટે 2 અને બિહારની 1 ટ્રેનનો સમાવેશ થાય છે. અમદાવાદમાં કુલ 7 ટ્રેનો રવાના થશે. જેમાંથી સાબરમતી સ્ટેશન પરથી ઉત્તરપ્રદેશ જવા માટે 5 ટ્રેન અને વિરમગામથી 2 ટ્રેન રવાના થશે. આ ઉપરાંત અમરેલી, આણંદ, ભરૂચ, ભાવનગર, દાહોદ, હિંમત્તનગર, જૂનાગઢ, જામનગર, પોરબંદર, રાજકોટ, તાપી, નડિયાદમાંથી 1 ટ્રેન અને મોરબીમાંથી 2 ટ્રેન રવાના થશે.

મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના 61 લાખ APL-1 કાર્ડઘારકો એટલે લગભગ 2.50 કરોડથી વધુ મધ્યમવર્ગીય લોકોને પ્રવર્તમાન લોકડાઉનની સ્થિતિમાં બીજીવાર વિનામુલ્યે અનાજ વિતરણની તા. ૧લી મે એ જાહેરાત કરીને સફળતાપૂર્વક તંત્ર મારફતે આ વિતરણ પાર પડી રહ્યું છે, તેની વિગતો શ્રી અશ્વિની કુમારે આપી હતી

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, આ અન્ન વિતરણ વ્યવસ્થાના બીજા દિવસે એવા લોકો જેમનો રેશકાર્ડનો છેલ્લો અંક 3 અથવા 4 હોય તેમને સસ્તા અનાજની દુકાન ઉપરથી રાશન આપવામાં આવી રહ્યું છે.

અત્યાર સુધીમાં લગભગ 12 લાખ જેટલા કુટુંબોએ સસ્તા અનાજની દુકાન પરથી પોતાનો પુરવઠો મેળવી લીધો છે. શુક્રવારે રાત્રે 10 વાગ્યા સુધીમાં આ આંકડો વધીને 15 લાખ થવાની શક્યતા છે.

માત્ર બે દિવસમાં જ રાજ્યના આશરે 15 લાખ જેટલા મધ્યમવર્ગીય કુટુંબો જેમની પાસે APL-1 કાર્ડ છે તેમને રાશન વિતરણ થયું છે.

શ્રી અશ્વિનીકુમારે જણાવ્યું કે, રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં જનજીવન ઝડપી પૂર્વવત્ થાય, શ્રમિકોને રોજગારી મળે સાથોસાથ સોશિયલ ડિસ્ટનસનું પાલન પણ થાય તેવી પુરતી સતર્કતા સાથે મનરેગાના કામો શરૂ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં આવા મનરેગા કાર્યક્રમ હેઠળ 3 લાખ 32 હજાર 439 શ્રમિકો રોજી-રોટી મેળવી રહ્યા છે. 4 હજાર 272 ગ્રામપંચાયતમાં મનરેગાના કામો ચાલું છે. જેમાં દાહોદમાં 46,522, ભાવનગર 31,510, નર્મદા 25,974, પંચમહાલ 19,376, છોટાઉદેયપુર 18,955, તાપી, 16621, સાબરકાંઠા 16,195 એમ સમગ્ર રાજ્યમાં કુલ 4 હજાર 272 ગ્રામપંચાયતમાં 3 લાખ 32 હજાર 439 શ્રમિકો પોતાની મનરેગાના કાર્યોના માધ્યમથી રોજી-રોટી મેળવી રહ્યા છે.

મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રીએ સુજલામ-સુફલામ જળ અભિયાનની વિગતો આપતા જણાવ્યું કે, અત્યાર સુધીમાં 26,88,718.91 ઘનમીટર જળસંચય થઇ શકે તેટલું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. 4 લાખ 78 હજાર માનવદીનનું સર્જન પણ થયેલું છે. અત્યારે 3,538 કામો પ્રગતિ હેઠળ છે અને 374 કામો પૂર્ણ થયા છે. હાલની તકે આ કામો ઉપર 62 હજાર 754 શ્રમિકો કામ કરીને રોજી-રોટી મેળવી રહ્યા છે.

આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, છેલ્લા બે વર્ષોમાં રાજ્યમાં 23 હજાર 500 લાખ ઘન ફીટ વધારાના પાણીનો સંગ્રહ આ યોજના થકી કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અતંર્ગત ગામડાઓમાં તળાવ, ચેકડેમ, નાની નદીઓને ઉંડી કરવાની કામગીરી હાથ ઘરવામાં આવે છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને ફળદ્રૂપ અને સારી માટી ખેતીવાડી માટે વગર મૂલ્યે મળી રહે અને તળાવોને ખોદવાથી વધારાનું જળસંચય થાય, જેથી વોટર સિક્યોરિટી મેળવી શકાય એ છે.