અહો આશ્ચર્યમ…ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામે સરકારી શાળામાં પ્રવેશ મેળવવા માટે વાલીઓએ લાઇન લગાવી…!

School admission
સરકારી શાળામાં પ્રવેશ મેળવવા માટે વાલીઓએ લાઇન લગાવી

ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ લેતાં ૩૫ બાળકો:
સો વરસ જૂની સરકારી શાળાના ઘોઘાવદરના ૧૧ શિક્ષકો ધન્યવાદને પાત્ર

ખાસ લેખ-સોનલ જોષીપુરા, પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામે આજે આંખને ઠારે એવું દ્રશ્ય જોવા મળ્યું હતું ગામની અન્ય ખાનગી શાળામાં અભ્યાસ કરતા ૩૫ બાળકોના વાલીઓએ ચીલો ચાતરીને તેમના બાળકોને ખાનગી શાળામાંથી ઉઠાડીને સરકારી શાળામાં બેસાડવા માટે રીતસરની લાઈન લગાવી હતી. અને રાજ્ય સરકાર પ્રત્યે પોતાનો વિશ્વાસ સાર્થક કર્યો હતો. વર્ષ ૧૯૨૦ ગોંડલના મહારાજા શ્રી ભગવતસિંહજીના હસ્તે સ્થપાયેલી ગોંડલ તાલુકાની ઘોઘાવદર કુમાર શાળાની યશ કલગીમાં આજે નવું એક છોગું ઉમેરાયું છે. ઘોઘાવદરની અન્ય ખાનગી શાળામાં અભ્યાસ કરતા કુલ ૩૫ બાળકોએ સરકારી કુમાર શાળા અને કન્યા શાળામાં આ વર્ષે પ્રવેશ મેળવ્યો છે.આ માટે શાળાના ૧૧ શિક્ષકો ધન્યવાદને પાત્ર છે કે ગામના જાગૃત નાગરિકોએ તેમના બાળકોનાભવિષ્ય અને શિક્ષણ માટે શાળાના શિક્ષકો પર ભરોસો મૂક્યો છે.

School Rajkot
અમારા બાળકોને અમે દેખાદેખીથી મુક્ત રાખીને સરકારી શાળામાં એટલા માટે પ્રવેશ અપાવ્યો છે


પ્રતિ વર્ષે યોજાતો શાળા પ્રવેશોત્સવનો રાજ્યવ્યાપી કાર્યક્રમ કોરોના મહામારીને લીધે આ વર્ષે યોજાઈ શક્યો નથી તેમ છતાં અનલોક-૧( એક)ના છેલ્લા દિવસે ઘોઘાવદરની કુમાર શાળા ખાતે આજે ઇતિહાસ રચાયો હતો. એકથી માંડીને ધોરણ-૮ સુધીના કુલ ૩૫ બાળકોએ ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો, અને ખુશખુશાલ મુદ્રામાં નવો પ્રવેશ મેળવતા શાળાના બાળકોને ગામના અગ્રણીઓએ શૈક્ષણિક કીટ આપી હરખાતા હૈયે આવકાર્યા હતા. સરકારી શાળામાં પ્રવેશ મેળવતા બાળકોના વાલીઓએ હોંશભેર જણાવ્યું હતું કે અમારા બાળકોને અમે દેખાદેખીથી મુક્ત રાખીને સરકારી શાળામાં એટલા માટે પ્રવેશ અપાવ્યો છે કે અહીં અમને ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા શિક્ષકો મારફતે મળતું શિક્ષણ અન્ય ખાનગી શાળા કરતાં ખૂબ જ ઉચ્ચ દરજ્જાનું જોવા મળ્યું છે.

School

અહીંની શાળાના શિક્ષકો નિયમિત પણે ફોલોઅપ લઈને બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવામાં ખૂબ જ મહેનત કરે છે. તે જોઈને અમે લોકોએ અમારો નિર્ણય બદલીને બાળકોને સરકારી શાળામાં મૂક્યા છે. અને અમે લોકો સ્વેચ્છાએ એવું વચન આપવા બંધાઈ એ છીએ કે અમે અમારા બાળકોને રોજ ઘરે સ્કૂલમાંથી આપેલું લેશન કરાવીશું અને તેમના અભ્યાસમાં રસ લઈને તેમના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં ખૂબ મદદ કરીશું. છેલ્લા ત્રણ મહિનામાં શાળાના શિક્ષકોએ આસપાસના વિસ્તારોમાં સર્વેક્ષણ કરીને સમજાવટથી વાલીઓને સરકારી શાળામાં તેમના બાળકોને ભણાવવા માટે પહેલ કરી હતી જે રંગ લાવી છે.