પથરીના દર્દને ભુલાવી ગાયનેક, બાળરોગ તેમજ કોરોનાની મલ્ટીપલ જવાબદારી નિભાવતા મનીષાબેન

Manisha ben

પથરીના દર્દને ભુલાવી ગાયનેક, બાળરોગ તેમજ કોરોનાની મલ્ટીપલ  જવાબદારી  નિભાવતા ઇન્ચાર્જ નર્સ મનીષાબેન પંડયા

અહેવાલ: રાજકુમાર સાપરા, રાજકોટ

રાજકોટ,૦૧નવેમ્બર:આશરે ૧૫ વર્ષથી સિવિલમાં નર્સિંગ સ્ટાફમાં કાર્યરત મનીષાબેન પંડયા પથરીના દર્દને ભુલાવી કોરોના વોર્ડ તેમજ ગાયનેક અને બાળરોગ વિભાગમાં મલ્ટીપલ કામગીરી કરી સાચા અર્થમાં સિસ્ટરની ભૂમિકા ચરિતાર્થ કરી રહ્યા છે.

કોરોના ડયુટી દરમ્યાન તેમના પુત્ર કોરોના સંક્રમિત થયો હતો. તેની સારસંભાળ રાખવાની જવાબદારી પણ પૂર્ણ કરતા, આ જ સમય દરમ્યાન તેમના નણંદના દીકરાનું મૃત્યુ થયું તો પણ જરાપણ વિચલિત થયા વગર તેમની ફરજને અગ્રીમ ગણી કોરોનાની જવાબદારી સંભાળી હતી.

કોરોના વોર્ડમાં દર્દીઓની સારવાર ઉપરાંત એડમીન તરીકે તેઓને સ્ટાફનું મેનેજમેન્ટ કરવાનું, દર્દીઓને ટ્રાન્સફર કરવા તેમજ મૃતકોનું નિયમન સહીત વિવિધ કામગીરી કરી. રોટેશન મુજબ તેઓ બાળકોના વિભાગમાં તેમજ ગાયનેક વિભાગમાં અવિરત સેવા પુરી પાડી રહ્યા છે.

નારી શક્તિ અને પ્રબળ ઈચ્છા શક્તિના સંગમ થકી સિવિલમાં નર્સ બહેનોને તેઓ પ્રેરણા પુરી પડી રહ્યા છે.