photo 1574323347407 f5e1ad6d020b

રાજ્યમાં જરૂરિયાતમંદોને અપાતા અનાજનું એફ.એસ.એલ સ્થિત ફૂડ રિસર્ચ લેબોરેટરીમાં થતું ફૂલપ્રૂફ ટેસ્ટીંગ

અનાજ સહિતના ખાદ્ય પદાર્થોની કવોલિટીમાં ‘નો કોમ્પ્રોમાઇઝ’ સરકારનો ધ્યેય
▪કોરોનાની સ્થિતિમાં સરકાર તરફથી કરોડો નાગરિકોને અપાઇ રહેલા ખાદ્યાન્નની ગુણવત્તા સંપૂર્ણ પારદર્શિતાથી ચકાસવા રાત-દિવસ કાર્યરત સાયન્ટિફિક એક્સપર્ટ સ્ટાફ
▪ગુણવત્તાના નિયત માપદંડમાં સહેજ પણ કચાસ દેખાય તો સપ્લાયરનો તમામ જથ્થો કરવામાં આવે છે રીજેક્ટ
▪મીઠું, તેલ અને અનાજ – કઠોળ આપતા સપ્લાયર તેમનો જથ્થો તૈયાર કરે ત્યારે FSLની ટીમ ગોડાઉનમાં જઈને રેન્ડમ સેમ્પલ લે છે : લેબમાં અદ્યતન સાધનોથી ટેસ્ટ થયેલા આ સેમ્પલ ગુણવત્તાયુક્ત સાબિત થાય તો જ ગોડાઉનમાંથી વિતરણ માટે મંજૂરી અપાય છે
▪ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી હસ્તક હોય તેવી આ દેશની પ્રથમ ખ્યાતિપ્રાપ્ત અતિઆધુનિક ફૂડ રિસર્ચ લેબોરેટરી
▪જાહેર વિતરણ વ્યવસ્થા અન્વયે વિતરીત થતા અનાજ અને ખાદ્ય પદાર્થો ફૂડ રિસર્ચ લેબોરેટરીમાં ટેસ્ટ થયેલ પ્રમાણિત પુરવઠો જ નાગરિકોને મળે તેવો સરકારનો નિર્ધાર
▪બે વર્ષમાં કુલ ૧૦,૧૭૮ સેમ્પલનું પૃથક્કરણ કરાયું, ૭૯૦ સેમ્પલ ફેઇલ થતા તે સપ્લાયરના માલ રિજેક્ટ કરવામાં આવ્યા
▪દેશના અન્ય રાજયો તેમજ વિદેશોમાંથી પણ આ ફૂડ રિસર્ચ લેબોરેટરીના પ્રયોગ પ્રત્યે જિજ્ઞાસા જાગી

photo 1574323347407 f5e1ad6d020b

રાજ્યમાં જરૂરિયાતમંદોને જાહેર વિતરણ વ્યવસ્થા અન્વયે વિતરિત કરાતાં અનાજ- કઠોળ ઉપરાંત તેલ, મીઠા સહિતના ખાદ્યાન્નનું ગાંધીનગર ખાતે એફ.એસ.એલમાં કાર્યરત ફૂડ રિસર્ચ લેબોરેટરીમાં ફૂલપ્રૂફ ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે. કોરોનાની આ સ્થિતિમાં રાજ્ય સરકાર તરફથી કરોડો નાગરિકોને અપાઇ રહેલા ખાદ્યાન્નની ગુણવત્તા સંપૂર્ણ પારદર્શિતાથી ચકાસવા સાયન્ટિફિક એક્સપર્ટ સ્ટાફ રાત-દિવસ કાર્યરત છે. ગુણવત્તાયુક્ત ખાદ્યસામગ્રી માટે નિયત કરાયેલા માપદંડમાં સહેજ પણ કચાસ દેખાય તો FRL દ્વારા નેગેટીવ રિપોર્ટ મોકલવામાં આવે છે. નિયત ધારાધોરણ મુજબ માલ ગુણવત્તાયુક્ત છે કે નહિ તેનો સ્પષ્ટ અહેવાલ FRL આપે છે જે આધારે પુરવઠા વિભાગ દ્વારા સપ્લાયરનો તમામ જથ્થો રીજેક્ટ કરી દેવામાં આવે છે. એટલું જ નહિ જરૂર જણાય ત્યાં સપ્લાયરની એજન્સીને પણ બ્લેક લીસ્ટ કરવા સુધીની કડક કાર્યવાહી કરવામાં આવે છે.

રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજયમાં જાહેર વિતરણ વ્યવસ્થા અન્વયે વિતરીત થતા અનાજ અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા-કવોલિટી ઉચ્ચકક્ષાની મળી રહે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવાનું નવતર સોપાન ગાંધીનગરમાં પ્રારંભ કરાવ્યું હતું. FSLમાં કાર્યરત હોય તેવી આ અદ્યતન ફૂડ રિસર્ચ લેબોરેટરી દેશની એકમાત્ર સ્વાયત્ત અને ખ્યાતિ પ્રાપ્ત લેબ છે. દેશના અન્ય રાજયો તેમજ વિદેશોમાંથી પણ આ ફૂડ રિસર્ચ લેબોરેટરીના પ્રયોગ પ્રત્યે જિજ્ઞાસા જાગી છે.

રાજયમાં ૧૭ હજારથી વધુ વાજબી ભાવની સસ્તા અનાજની દુકાનો પરથી રાહત દરે ખાદ્યાન્ન, તેલ, કઠોળ મેળવતા કરોડો લાભાર્થીઓ તેમજ મધ્યાહન ભોજન કેન્દ્રોના બાળકો અને પ૩ હજારથી વધુ આંગણવાડીને શુધ્ધ-ગુણવત્તાયુકત અનાજ-કઠોળ-તેલ વગેરે મળી રહે તે માટે કવોલિટીમાં કોઇ જ કોમ્પ્રોમાઇઝ ન થાય અને ફૂડ રિસર્ચ લેબોરેટરીમાં ટેસ્ટ થયેલ પ્રમાણિત પુરવઠો જ મળે તેવો સરકારનો ધ્યેય રહ્યો છે. જરૂરિયાતમંદોને અપાતા ખાદ્યાન્નની ગુણવત્તામાં ભેળસેળ-હલકી કક્ષા સામે ઝિરો ટોલરન્સ માટે આ ફૂડ રિસર્ચ લેબોરેટરી એક સક્ષમ માધ્યમ બન્યું છે. ગુજરાત નાગરિક પુરવઠા નિગમ દ્વારા અનાજ હાઇ કવોલિટીનું મળી રહે તેની ચોકસાઇ માટે બે વર્ષ પહેલા ડાયરેકટરેટ ઓફ ફોરેન્સીક સાયન્સ સાથે મળીને આ સ્ટેટ ઓફ ધ આર્ટ ફૂડ રિસર્ચ લેબોરેટરી શરૂ કરવા માટેના ૧૦ વર્ષના એમ.ઓ.યુ થયા છે. એફઆરએલ શરૂ થઈ ત્યારથી અત્યાર સુધી બે વર્ષમાં કુલ ૧૦,૧૭૮ સેમ્પલનું પૃથક્કરણ કરવામાં આવ્યું છે, જે પૈકી ૭૯૦ સેમ્પલ ફેઇલ થતા તે સપ્લાયરના માલ રિજેક્ટ કરવામાં આવ્યા છે.

લોકડાઉન દરમિયાન રાજ્યના કુલ ૯૨ ટકા નાગરિકોને ૧૭ હજાર જેટલી સસ્તા અનાજની દુકાનો પરથી રાજ્ય સરકાર દ્વારા વિનામૂલ્યે અનાજનું વિતરણ કરવામાં આવ્યું. એપ્રિલ માસમાં ૬ કરોડ કાર્ડધારકોની માટે માત્ર ૧પ દિવસના ટૂંકાગાળામાં ૧.૮૮ લાખ મે.ટન ઘઉં, ૭ર હજાર મે.ટન ચોખા, ૧૬ હજાર મે.ટન ખાંડ, ૧૩પ૦૦ મે.ટન ચણાદાળ અને ૮૧૦૦ મે.ટન મીઠાનો જથ્થો જીલ્લા-તાલુકા-ગ્રામ્યકક્ષાએ વિતરણ માટે પહોંચાડવાનો ભગીરથ પુરૂષાર્થ સફળ થયો. તેમાં પણ અનાજ – કઠોળ તથા મીઠા, તેલના સેમ્પલ લઈ લેબમાં પરીક્ષણ કર્યા બાદ વિતરણ શરૂ કરાવવામાં આવ્યું છે. એટલું જ નહિ મીઠું, તેલ અને અનાજ – કઠોળ આપતા સપ્લાયર તેમનો જથ્થો તૈયાર કરે ત્યારે FRL(ફૂડ રિસર્ચ લેબોરેટરી)ના પ્રતિનિધિ માર્ગદર્શન અને દેખરેખ હેઠળ ટીમ ગોડાઉનમાં જઈને રેન્ડમ સેમ્પલ લે છે અને સેમ્પલીંગ કાર્યવાહી બાદ લેબમાં અદ્યતન સાધનોથી સેમ્પલના ટેસ્ટીંગમાં માલ ગુણવત્તાયુક્ત સાબિત થાય તો જ ગોડાઉનમાંથી વિતરણ માટે મંજૂરી અપાય છે.

ડિરેક્ટરેટ ઓફ ફોરેન્સિક સાયન્સના નિયામકશ્રી ડૉ.જે.એમ.વ્યાસ, અધિક નિયામક અને આ પ્રોજેક્ટના હેડ શ્રી એચ.પી.સંઘવીના સતત માર્ગદર્શન હેઠળ તજજ્ઞ એવા ટેકનિકલ ઓફિસર શ્રી જી.પી.દરબાર અને નૂતનબેન શાહ પોતાના અનુભવી સ્ટાફ સાથે મળીને પરીક્ષણ સહિતની પારદર્શક કામગીરી સુપેરે સાંભળી રહ્યા છે.
*
▪ક્યારે જથ્થો રિજેકટ કરવામાં આવે છે?
સપ્લાયરના ગોડાઉનમાં જઈને એફ.આર.એલ હેડના પ્રતિનિધિ, નાગરિક પુરવઠા નિગમના પ્રતિનિધિ અને સપ્લાયરના પ્રતિનિધિ એમ ત્રણેયની હાજરીમાં સમગ્ર પારદર્શક સેમ્પલિંગ કામગીરી કરવામાં આવે છે. ફુડ રિસર્ચ લેબોરેટરીનાં તજજ્ઞો દ્વારા ત્યાર બાદ લેબોરેટરીમાં જઈને તેનું ટેસ્ટિંગ કરવામાં આવે છે. આ ટેસ્ટિંગમાં નિયત ધારાધોરણ મુજબના માપદંડો ચકાસવામાં આવે છે. અત્યાધુનિક સાધનો મારફતે તાલીમબદ્ધ સ્ટાફ દ્વારા કરવામાં આવતા પરીક્ષણ દરમિયાન જો અનાજ કે કઠોળમાંથી જીવાત નીકળે, અંદરથી નરી આંખે દેખી ન શકાય તેવા જીવાતના ઈંડા નીકળે, નમુનો ભેજયુક્ત નીકળે, વધુ પ્રમાણમાં કચરો કે કાંકરા નીકળે, ટેન્ડરની શરતોનું ઉલ્લંઘન થતું જણાય, ગુણવત્તા સહેજ પણ હલકી કક્ષાની હોય તો તે સહિતના વિવિધ માપદંડો આધારે સપ્લાયનો જથ્થો રિજેકટ કરી દેવામાં આવે છે. તે ઉપરાંત ટેન્ડરની નિયત માંગણી મુજબનું જથ્થાનું વજન ન હોય તો નિગમ દ્વારા સપ્લાયરને દંડ પણ કરવામાં આવે છે.
**

▪મીઠામાં રહેલા અતિસૂક્ષ્મ જોખમી ધાતુને સુધી કાઢતું અહીંનું અધ્યતન મશીન સમગ્ર દેશમાં માત્ર ચાર જ લેબમાં છે

ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ખાતે કાર્યરત ફુડ રિસર્ચ લેબોરેટરી ખાતે એકથી એક ચડિયાતા અતિઆધુનિક સાધનો છે. જેમાં મીઠાની ચકાસણી કરવા માટે એક વિશેષ સાધન ICPMS છે, જે સમગ્ર દેશમાં માત્ર ચાર જ લેબોરેટરીમાં છે. આ મશીન મારફતે મીઠામાં રહેલી અતિસૂક્ષ્મ અખાદ્ય ધાતુ કે જે શરીર માટે અત્યંત જોખમી હોય છે તેને પણ શોધી કાઢે છે. તે ઉપરાંત ગાંધીનગરની આ એફ.આર.એલમાં અનાજ-કઠોળના દાણાનું પરીક્ષણ કરવા માટે થ્રીડી માઈક્રોસ્કોપ પણ છે. જેના થકી દાણામાં રહેલી અતિસૂક્ષ્મ જીવાત કે નરી આંખે ન જોઈ શકાય તેવા જીવાતના ઈંડા આ મશીન મારફતે જઈ શકાય છે. એટલું જ નહીં, તેની વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી પણ કરી શકાય છે. તે ઉપરાંત સીંગતેલ અને કપાસિયા તેલના પરીક્ષણ માટે પણ અતિ આધુનિક મશીન આ લેબોરેટરીમાં છે અને અનાજ-કઠોળમાં રહેલા કલરની માત્રા ચકાસવા માટે પણ અલ્ટ્રાવાયોલેટ સ્પેક્ટ્રોમીટર મશીન તથા ટિંટોમીટર મશીન છે.
**