108 Driver parcel

સંક્રમિત થવાના ડરને કોરાણે મૂકીને સમર્પિતભાવે માનવસેવા કરતા તાત્કાલિક સેવાના કર્મયોગીઓ

  • કોરોના મહામારીમાં ૧૦૮ના પાયલોટ અને આરોગ્ય કર્મીઓ દિવસ-રાત ખડે પગે
  • કોરોના મહામારીમા લોકોના જીવ બચાવવામાં મદદરૂપ થવાનો આનંદ સાથે ગૌરવ અનુભવતા ૧૦૮ના કર્મયોગીઓ
  • સંક્રમિત થવાના ડરને કોરાણે મૂકીને સમર્પિતભાવે માનવસેવા કરતાતાત્કાલિક સેવાના કર્મયોગીઓ

રાજકોટ, ૧૩ સપ્ટેમ્બર: જનમાનસમાં ઝડપનો પર્યાય બની ચૂકેલી ૧૦૮ ઇમર્જન્સી સેવાથી આજે સૌ કોઈ પરિચિત છે. કદાચ ઘણા લોકોને તેનો અનુભવ પણ થયો હશે. સંકટના સમયે આ સેવાના માધ્યમથી અનેક મહામૂલી માનવ જિંદગી બચાવવામાં આવી છે. પ્રવર્તમાન કોરોના મહામારીમાં પણ ૧૦૮ સેવા દ્વારા ઉત્તમોત્તમ માનવ સેવા કરવામાં આવી રહી છે. કોવિડ-૧૯ મહામારીના કાળમાં ફરજ બજાવતાં કર્મયોગીઓને સંક્રમિત થવાનો ભય પણ રહેલો છે. પરંતુ ૧૦૮ સેવામાં કાર્યરત પાયલોટ અને આરોગ્ય કર્મીઓ પોતાની અને પોતાના પરિવારની ચિંતા છોડી, અહર્નિશ ખડે પગે સેવા કરી રહ્યા છે.

કોરોના મહામારીમાં વડોદરાથી રાજકોટ ખાતે ફરજ બજાવવા આવેલા ૧૦૮ના આરોગ્યકર્મી શ્રી કમલેશ બારીયા કહે છે કે,આ સંકટ સમયમાં કામગીરી કરવાનું અને અન્યોની જિંદગી બચાવવામાં મદદરૂપ થવાનું ગૌરવ અનુભવીએ છીએ, સાથે પૂરતી સાવચેતી અને સલામતી સાથે દર્દીઓની સેવા કરી રહ્યા છીએ.

૧૦૮ના પાયલોટ શ્રી ગોરધનભાઈ રબારી કહે છે કે, આ મહામારીમાં કોલ મળ્યાની સાથે લીધા દર્દીના સ્થળ પર નીકળી પડતા, તુરંત, એમ્બ્યુલન્સમાં જ દર્દીની સારવાર પણ શરૂ કરી દેવામાં આવે છે અને હોસ્પિટલ પહોંચ્યા બાદ ડોક્ટરને દર્દી સોંપવામાં આવે છે. આ કામમાં ઘણી વખત અમારું જમવાનું પણ છૂટી જતું હોય છે. પણ કોઈની મદદ કરવાનો અનેરો આનંદ હોય છે. તેવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી.

ચાર વર્ષથી ૧૦૮ ઇમર્જન્સી સેવામાં જોડાયેલા ધીરુભાઈ લાખોન્ગા  કહે છે કે, આ પરિસ્થિતિમાં દર્દીઓને હોસ્પિટલ લાવવામાં સંક્રમિત થવાનું જોખમ રહેલું હોય છે, પણ સહેજે ડર કે ખચકાટ રાખ્યા વગર દિવસ-રાત દર્દીઓની સેવા કરી રહ્યા છીએ. કોલ મળ્યાની સાથે સ્થળ પર પહોંચી દર્દીની સ્થિતિ અનુસાર તેની સારવાર શરૂ કરી દેવામાં આવે છે અને શક્ય એટલી ત્વરાથી વધીને હોસ્પિટલ પહોંચાડવાના પ્રયાસ કરીએ છીએ.

૧૦૮ એમ્બ્યુલન્સ અને અન્ય ઈમરજન્સી સેવામાં રહેલા વાહનોને સેનેટાઈઝ કરવાની કામગીરી કરતા શ્રી રાકેજા કહે છે કે, તાત્કાલિક સેવામાં રોકાયેલા આ વાહનોના માધ્યમથી કોઈ પાઈલોટ, આરોગ્યકર્મી  કે અન્ય કોઈ સંક્રમિત ન થાય તે માટે  વાહનોને સેનેટાઈઝ કરવામાં આવે છે. હું દરરોજ ૬૦ થી ૭૦ વાહનો સેનેટાઈઝર કરું છું, તેમ તેમણે ઉમેર્યું હતું.

loading…

૧૦૮ ઈમરજન્સી સેવામાં છેલ્લા એક વર્ષથી કામ કરતાં આરોગ્ય કર્મી શ્રી વિજયભાઈ સાંબડે કહ્યું કે અમારે સતત સમયને લક્ષમાં રાખીને કામગીરી કરવાની હોય છે, કોલ મળ્યાની સાથે દર્દીને લેવા માટે નીકળી પડતા હોયએ છીએ. હોસ્પિટલ સુધી પહોંચાડવામાં જરૂરી સારવાર આપવાની શરૂ કરી દેવામાં આવતી હોય છે. ખાસ કરીને કોરોના મહામારીમાં લોકોના જીવ બચાવવામાં મદદરૂપ થવાનો પણ એક આનંદ સાથે ગર્વ અનુભવીએ છીએ. તેવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી