કોવિડના દર્દીઓનું સેમ્પલિંગ કરવા માટે લોકોને સુયોગ્ય રીતે તાલીમબધ્ધ કરાયા

રાજકોટ પી.ડી.યુ. મેડીકલ કોલેજના ENT વિભાગ દ્વારા કોવિડના દર્દીઓનું સેમ્પલિંગ કરવા માટે અંદાજીત ૧૦૦૦ થી વધુ લોકોને સુયોગ્ય રીતે તાલીમબધ્ધ કરાયા

રાજકોટ, ૧૩ સપ્ટેમ્બર: કોઈપણ વ્યક્તિ કોરોના સંક્રમિત થયેલ છે કે કેમ તે જાણવા માટે નાક અને ગળામાંથી સેમ્પલ લેવામાં આવે છે. આ સેમ્પલ લેતી વખતે વ્યક્તિને કોઈ પ્રકારની તકલીફ ના થાય તેનું ધ્યાન રાખીને સેમ્પલ કેવી રીતે લેવા તે કામગીરી રાજકોટના કાન નાક અને ગળાની સારવારનાં  વિભાગ દ્વારા રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકો અંદાજીત ૧૦૦૦ થી વધુ લોકોને સુયોગ્ય રીતે તાલીમબધ્ધ કરવામાં આવ્યા છે.

રાજકોટ પી.ડી.યુ. મેડીકલ કોલેજના ENT વિભાગના એસોસિએટ પ્રોફેસરશ્રી સેજલબેન નરેશભાઈ મિસ્ત્રી જણાવે છે કે, મને રાજકોટ જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ નોડલ ઓફિસર સેમ્પલ કલેક્શનની જવાબદારી સોંપવામાં આવી છે. કોવિડના દર્દીઓનું ટેસ્ટીંગ સક્ષમ રીતે થાય તે માટે ENT વિભાગ દ્વારા તાલુકા તથા મહાનગરપાલીકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસર થી માંડીને લેબ ટેક્નિશ્યન અને હેલ્થવર્કર્સ સુવ્યવસ્થિત રીતે કામગીરી કરી શકે તે માટે તાલીમબધ્ધ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, સેમ્પલ કેવી રીતે લેવા તેની ગાઈડલાઈન અને પ્રેક્ટીકલ સેશન પણ આપવામાં આવ્યા છે, જેથી તેઓ સુવ્યવસ્થિત રીતે સેમ્પલ લઈ શકે.

loading…

વધુમાં જણાવતા પ્રોફેસરશ્રી સેજલબેહેને જણાવ્યું હતું કે, કોરોના સંક્રમિત દર્દીના સેમ્પલ કલેક્શન કરતી વખતે ENT વિભાગના ૧૦ જેટલા ડોક્ટરો સંક્રમિત થયા હતા. જે પૈકી ૨ ડોક્ટરો પોતાનો ક્વોરેન્ટાઈન પિરિયડ પુરો કરીને તુરંત જ સમાજના જવાબદાર નાગરિક તરીકે પોતાની ફરજ પર હાજર થઈને પોતાની સેવા બજાવી રહ્યા છે.

આમ, કોરોના સંક્રમણના સમયમાં તમામ ડોક્ટરો, નર્સ અને પેરામેડીકલનો સ્ટાફ પોતાના માનવધર્મ અને રાષ્ટ્ર ધર્મને પ્રાથમિકતા આપીને પોતાની ફરજ બજાવી રહ્યા છે.