Gondal

કોરોનાએ આયુર્વેદના મહત્વને સમજાવ્યું છે

Gondal
કોરોનાએ આયુર્વેદના મહત્વને સમજાવ્યું છે, ત્યારે આપણે તેનાથી ડર્યા વિના આપણી આયુર્વેદીક ચિકિત્સા પધ્ધતિને અપનાવીએ ગોંડલના સદ્દગુરૂ ચેરીટેબલ ટ્રસ્ટના સેક્રેટરી નીતિનભાઈ રાયચુરાનો પ્રેરક સંદેશ

અહેવાલ: હેતલ દવે, રાજકોટ

રાજકોટ, ૦૮ ઓક્ટોબર: ગોંડલના સદ્દગુરૂ ચેરીટેબલ ટ્રસ્ટના સેક્રેટરી અને રાજકોટના જાણીતા બીઝનેસમેન નીતિનભાઈ રાયચુરા કોરોનાની મહામારીનો ગભરાયા વિના સામનો કરી આપણી આયુર્વેદીક ચિકિત્સા પધ્ધતિને અપનાવવાનો પ્રેરક સંદેશ આપતાં કહે છે કે, કોરોના મહામારીના સમયમાંથી આપણે પસાર થઈ રહયાં છીએ. આનાથી આપણે ગભરાવાની જરૂર નથી. પરંતુ જાગૃતિ વધારવાની જરૂર છે.

કોરોના એક રીતે તો આપણા માટે આશીર્વાદરૂપ બન્યો છે. એણે આપણા આયુર્વેદના મહત્વને સમજાવ્યું છે, અને દેશી ઉપચારોથી શરીરને સાચવવાની પ્રેરણા પુરી પાડી છે. ત્યારે આપણે સૌ તેનાથી ડર્યા વિના આપણી પારંપરિક આયુર્વેદિક ચિકિત્સા પધ્ધતિને અપનાવીને આપણા રોજીંદા જીવનમાં દેશી ઉપચારો જેવા કે, સુદર્શન, સૂંઠ, મધ અને હળદર સહિતના ઔષધોનું નિયમિત સેવન કરીશું તો આપણા જીવનની આજીવન રક્ષા થશે. કોરોના એવી કોઈ વસ્તુ નથી કે જે આવી છે એટલે હવે જશે જ નહીં. આ મહામારી આજે આવી છે તો કાલે અવશ્ય જવાની જ છે.

loading…

આપણી ભારતીય પારિવારિક પરંપરા મુજબ આપણે બહાર જઈને ઘરમાં પ્રવેશતાં પહેલા આપણા હાથ-પગ અને મોઢું સ્વચ્છ પાણીથી ધોઈને પછી જ ઘરમાં પ્રવેશતા હતા, તેવી જ રીતે જમવા બેસતી વખતે પણ આપણે આપણા હાથ – પગ ધોઈને પછી જ જમવા બેસતા હતા. આપણી આ પરંપરા આપણે ભૂલ્યા, તેના કારણે આજે આપણે અનેક રોગોનો સામનો કરવો પડી રહયો છે.

આપણા વડીલોએ આપણને જે સંસ્કાર વારસો આપ્યો હતો. તેને પુન: જાગૃત કરી આપણે સૌએ નિર્ભયપણે આ મહામારી સામે લડવાનું છે. ‘‘હારશે કોરોના, જીતશે રાજકોટ’’.