filip urban nL6NEdJY0vc unsplash

રાજ્ય સરકાર દ્વારા ગ્રાહકના હિતને ધ્યાનમાં રાખીને તા. ૧.૧૨.૨૦૧૮નો ઠરાવ રદ કરવા બાબતે

ગાંધીનગર,૧૯ જુલાઈ ૨૦૨૦

રાજ્ય સરકાર દ્વારા તા, ૧.૧૨.૨૦૧૮ ના ઠરાવ પછીના સમયગાળા દરમ્યાન બદલાયેલ પરિસ્થિતિ, ઇન્ડોનેશિયા કોલસાની માર્કેટ ટ્રેન્ડમાં બદલાવ અને રાજયનાં વીજ ગ્રાહકોના હિતને ધ્યાન રાખીને તા. ૧૨.૦૬.૨૦૨૦ ના ઠરાવ દ્વારા અગાઉનો ઠરાવ રદ કરવામાં આવેલ છે

filip urban nL6NEdJY0vc unsplash 1
Photo by Filip Urban on Unsplash

તા. ૧.૧૨.૨૦૧૮નો ઠરાવ રાજ્યમાં સ્થિત ત્રણ આયાતી કોલસા આધારિત વીજ પ્રોજેક્ટ માટે હતો જે અંતર્ગત ચાર પાવર પરચેઝ એગ્રીમેન્ટ કરવામાં આવેલ. તે અન્વયે કોસ્ટલ ગુજરાત પાવર લી. સાથેનો સપ્લીમેન્ટલ કરાર, હિસ્સેદારી ધરાવતા અન્ય રાજ્યોની સહમતી ન હોવાના કારણે સહી કરવામાં આવેલ નથી. જયારે એસ્સાર પાવર ગુજરાત લી. સાથેના સપ્લીમેન્ટલ કરારને ગુજરાત વીજ નિયમન આયોગ દ્વારા શરતી મંજુરી આપવામાં આવેલ છે જેની સામે એસ્સાર દ્વારા એપેલેટ ટ્રીબ્યુનલ સમક્ષ અપીલ કરવામાં આવેલ છે, આમ આ સપ્લીમેન્ટલ કરાર પણ કાર્યરત થયેલ નથી. જયારે અદાણી પાવર સાથે થયેલ સપ્લીમેન્ટલ કરાર અન્વયે અદાણી દ્વારા, તા. ૧.૧૨.૨૦૧૮નાં ઠરાવ મુજબ પાછલા સમયગાળાનું નુકશાન પ્રોજકેટ ડેવેલોપર દ્વારા ભોગવવાની મુખ્ય શરતનો ભંગ કરવાના કારણે, આ સપ્લીમેન્ટલ કરારની મંજુરી રદ કરવા માટે GUVNL દ્વારા કેન્દ્રીય વીજ નિયમન આયોગ સમક્ષ પીટીશન કરવામાં આવેલ છે, જે પેન્ડીંગ છે. આમ, ઉપરોક્ત તમામ પ્રોજેક્ટને તા. ૧.૧૨.૨૦૧૮નાં ઠરાવ મુજબ ટેરીફ મળવાપાત્ર થતું નથી.

રાજ્ય સરકાર દ્વારા તા. ૧.૧૨.૨૦૧૮ના ઠરાવને રદ કરવામાં આવેલ છે અને તા. ૧૨.૦૬.૨૦૨૦થી ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખીને નવી માર્ગદર્શિકા આપવામાં આવેલ છે જેમાં વર્ષ ૨૦૧૮ પછી ઇન્ડોનેશિયન કોલસાના માર્કેટમાં થયેલ ફેરફારને ધ્યાનમાં લઈને અન્ય પ્રતિષ્ઠિત માર્કેટ ઈન્ડેક્ષનો કોલસાના ભાવની ગણતરી કરવા માટે સમાવેશ કરવામાં આવેલ છે. જેથી, પ્રોજેક્ટ ડેવેલોપર દ્વારા કોલસાની ખરીદી સ્પર્ધાત્મક રીતે ઓછામાં ઓછા દરે થાય અને સમયાંતરે થતા અંતરાષ્ટ્રિય કોલસાના ભાવનો ઘટાડાનો લાભ ગ્રાહકને મળી શકશે.

માનનીય ગુજરાત વીજ નિયમન આયોગ દ્વારા એસ્સાર પાવરના સપ્લીમેન્ટલ કરારની મંજૂરી આપવા અંતર્ગત સૂચવવામાં આવેલ સુધારા જેવા કે વધુ સારા ઓપરેશનલ પેરામીટર પ્રમાણે ટેરિફની ગણતરી કરવાની રહેશે અને નામંજૂર કરેલ ટ્રાંસીટ લોસ અને અન્ય ચાર્જીસ (3%) ને રાજ્ય સરકાર દ્વારા વીજ ગ્રાહકોના હિતમાં નવી માર્ગદર્શિકામાં સમાવેશ કરવામાં આવેલ છે જેથી તા.૧.૧૨.૨૦૧૮ ના ઠરાવની સરખામણીએ વીજદરમાં ઘટાડો થશે અને રાજ્ય ગ્રાહકોને ફાયદો થશે. આ પદ્ધતિ હેઠળ બળતણ ખર્ચની ગણતરી માટે ઉપરોક્ત જણાવેલ વધુ સારા ઓપરેશનલ પેરામીટર ઉપરાંત પ્રોજેક્ટ ડેવેલોપર દ્વારા ઉચિત રીતે, સ્પર્ધાત્મક અને પારદર્શક પ્રક્રિયા થકી કોલસાની ખરીદી કરવાની રહેશે જેનાથી વીજ દરમાં ઘટાડો થશે અને વીજ કરારના બાકીના ૧૫ વર્ષના સમયગાળા દરમ્યાન ગ્રાહકોને વ્યાજબી દરે વીજ પુરવઠો ઉપલબ્ધ રહેશે.

આ માર્ગદર્શિકા મુજબ, અમલીકરણ હેઠળના સપ્લીમેન્ટલ PPA અંતર્ગત ટેરીફમાં જુન-૨૦૨૦ના ભાવના સ્તરે અંદાજીત ૩૦ પૈસા પ્રતિ યુનિટ જેટલો ઘટાડો થાય છે, જે તા.૧.૧૨.૨૦૧૮નાં ઠરાવની સરખામણીએ નોંધપાત્ર ઘટાડો છે.

આ માર્ગદર્શિકા મુજબ ઇન્ડોનેશિયન કોલસાના મહતમ માન્ય ભાવ (HBA) ૧૧૦ ડોલર પ્રતિ મેટ્રિક ટનથી ઘટાડી ને ૯૦ ડોલર પ્રતિ મેટ્રિક ટન કરવામાં આવેલ છે અને દર ૫ વર્ષ બાદ મહતમ કોલસાના ભાવ (Ceiling Price) અન્વયે ફેરફાર માટેની જોગવાઈ રદ કરવામાં આવેલ છે. મહતમ દરમાં કોઈ પણ ફેરફાર માત્ર વીજ નિયમન આયોગની મંજુરી બાદ લાગુ પડશે. વધુમાં, ફિક્સ કોસ્ટમાં ઘટાડો, માઈનીંગ પ્રોફિટમાં હિસ્સો, વીજ કરારના સમયગાળામાં વધારા માટે GUVNL પાસે વિકલ્પ વિગેરે જેવા ગ્રાહકલક્ષી ફાયદાઓ નવી માર્ગદર્શિકામાં યથાવત રાખવામાં આવેલ છે.

ઉપરોક્ત માર્ગદર્શિકા મુજબ ચુકવવા પાત્ર ટેરીફ તા.૧.૧૨.૨૦૧૮નાં ઠરાવની સરખામણીએ ઓછો રહેશે જે મૂળ કરાર મુજબ હાલની સ્થિતિએ ચુકવવા પાત્ર ટેરીફ કરતા પણ ઓછો છે. આમ, નવી માર્ગદર્શિકા મુજબ આયાતી કોલસાના ભાવમાં થયેલ ઘટાડાનો ફાયદો ગ્રાહકોને મળી શકશે.

આમ, રાજ્ય સરકાર દ્વારા તા. ૧.૧૨.૨૦૧૮ના ઠરાવ ને રદ કરવા અને નવી માર્ગદર્શિકા જાહેર કરવા માટે થયેલ કાર્યવાહી રાજ્યના ગ્રાહકોના હિતમા છે જેથી વ્યાજબી દરે વીજ પુરવઠો ઉપલબ્ધ રહેશે.