Plasma Donate

જન્મદિવસે કોવિડ દર્દીઓને પ્લાઝમા દાન સ્વરૂપે ‘બર્થ ડે રિર્ટન ગિફ્ટ’ આપતા અંકિત નાયક

Plasma Donate 4

પાંચ બહેનોના સ્નેહ, માતા અને ધર્મપત્નીની પ્રેરણાથી અંકિતભાઈએ નવી સિવિલમાં જન્મદિવસે પ્લાઝમા ડોનેટ કરી જન્મ દિવસની અનોખી ઊજવણી કરી

Plasma Donate 2

‘મને ગર્વ છે કે હું પણ કોઈ બે દર્દીઓના જીવન બચાવવામાં નિમિત્ત બની શકીશ: અંકિત નાયક

રિપોર્ટ: પરેશ ટાપણીયા

સુરત:શનિવાર: સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસની ઉમંગભરી ઉજવણી પરિવાર, મિત્રો સાથે મળીની કેક કાપીને કરતા હોય છે. ત્યારે તા.૦૮મી ઓગસ્ટના રોજ પોતાના જન્મદિને પ્લાઝમા ડોનેટ કરી સુરતના પ્લાઝમા ડોનર અંકિતભાઈ નાયકે જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી સમાજ માટે પ્રેરણાદાયી પહેલ કરી છે. કોરોના સંકટ સમયે સેવાકીય પ્રવૃત્તિ કરતાં કરતાં અંકિતભાઈ કોરોનાગ્રસ્ત બન્યાં હતાં. ૨૫ દિવસ હોમ આઇસોલેશનમાં રહી કોરોનાને મ્હાત આપી. સ્વસ્થ થયા બાદ તેમણે ૮મીએ પોતાનો જન્મદિવસ આવતો હોવાથી તેમણે જન્મદિને જ પ્લાઝમા દાન કરી બે દર્દીઓના જીવન બચાવવામાં નિમિત્ત બનવાનો સંકલ્પ કર્યો હતો. પાંચ બહેનોના સ્નેહ, માતા અને ધર્મપત્નીની પ્રેરણાથી અંકિતભાઈએ આ સંકલ્પને સાકાર કરતાં જન્મદિવસે જ જરૂરિયાતમંદ કોવિડ દર્દીઓને પ્લાઝમા ડોનેટ કરી ‘બર્થ ડે રિર્ટન ગિફ્ટ’ આપી હતી.

Plasma Donate

ઉધના ગામના ગાયત્રી સોસાયટીમાં રહેતા અને કિશોરાવસ્થાથી જ સમાજસેવા દ્વારા લોકોને મદદરૂપ થવાની ભાવના ધરાવતાં અંકિતભાઈએ જણાવ્યું હતું કે, એપ્રિલ મહિનામાં લોકડાઉન થયું, ત્યારથી ઉધના ગામના ભીડભંજન મહાદેવ મંદિરની ટીમ સાથે મળી અનેક વિસ્તારોમાં ફરી લગભગ ૩૫,૦૦૦ ફુડ પેકેટનું વિતરણ કર્યું હતું. સાથે ઉધના વિસ્તારની આશરે ૨૦ જેટલી સોસાયટીઓમાં ડી.જી.વી.સી.એલ, પોલીસ સ્ટેશન, બેંક જેવી સરકારી ઓફિસ મળી લગભગ ૩૫૦૦ જેટલા પરિવારોને હોમોયોપેથિક દવા આર્સેનિક આલ્બ-૩૦નું વિતરણ કર્યું એ દરમિયાન મને કોરોના ઇન્ફેકશન લાગ્યું હતું. તબીબી તપાસમાં તા.૦૫ જુલાઈના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ૪૦ ટકા જેટલી કોરોનાની અસર હતી, પણ ઓક્સિજન કે બીજી કોઈ શારીરિક તકલીફ ન જણાતા નવી સિવિલના તબીબોની સલાહ મુજબ ૨૫ દિવસ હોમ આઈસોલેશનમાં રહીને સારવાર મેળવી હતી. અને આખરે કોરોના સામે વિજયી બન્યો હતો.

Plasma Donate 3

પાંચ બહેનોના એકના એક ભાઈ એવા અંકિત નાયકે વધુમાં જણાવ્યું કે, ૨૦ વર્ષ પહેલા જ પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ માતાએ જ મને મોટો કર્યો. પરિવારમાં ૭૬ વર્ષના વયોવૃદ્ધ માતા અને પાંચ બહેનોના સહારે આજે મેં જીવનના ૩૫ વર્ષ પૂર્ણ કર્યા છે, અને ૩૬મા વર્ષની શરૂઆત પ્લાઝમા દાન સાથે કરી રહ્યો છું. માતાના આશિર્વાદ, બહેનોના સ્નેહ અને ધર્મપત્નીની પ્રેરણાથી જન્મદિવસે પ્લાઝમાનું દાન કરી રહ્યો છું. મને ગર્વ છે કે હું પણ કોઈ બે દર્દીઓના જીવન બચાવવામાં નિમિત્ત બની શકીશ.

કોરોનાને મ્હાત આપીને હવે હું પહેલા કરતા બમણા જુસ્સાથી કોરોનાની સામે લડવા મેદાને ઉતર્યો છું. લોકોને પણ પ્લાઝમા ડોનેટ કરવા માટે જાગૃત કરીશ એમ તેમણે ઉમેર્યું હતું.
અંકિત નાયકના સેવાકાર્યમાં સહભાગી થઈ જન્મદિનની શુભેચ્છા પાઠવવા સી.આર.પાટીલ, ધારાસભ્ય વી.ડી.ઝાલાવડિયા અને વિવેક પટેલ, ગુજરાત નર્સિંગ કાઉન્સીલનાં પ્રમુખશ્રી ઈકબાલ કડીવાલા ઉપસ્થિત રહ્યા હતાં.

નવી સિવિલ બ્લડ બેંકનાં હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ડો. મયુરભાઇ જરગ, ડો.જિતેન્દ્રભાઇ પટેલ, ડો. સંગીતાબેન વાધવાણી, કાજલબેન પરમહંસ, શ્રી અંજનીબેન સુરતી પ્લાઝમા ડોનેશન માટે કાઉન્સેલિંગ કરી કરી રહ્યાં છે. જેથી વધુમાં વધુ કોરોનામુક્ત લોકો પ્લાઝમા દાન માટે જાગૃત્ત બની આગળ આવે.