Sakhi one stop Jamnagar 2

જામનગર કલેકટર રવિશંકરના અધ્યક્ષ સ્થાને સખી વન સ્ટોપ સેન્ટરની સમીક્ષા બેઠક યોજાઈ

અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૨૩ ડિસેમ્બર
: કોઈ પણ પ્રકારની હિંસાથી પીડિત મહિલાઓને પોલીસ, મેડીકલ, કાનૂની, ટૂંકાગાળાનો આશ્રય અને કાઉન્સિલિંગની સુવિધા એક જ સ્થળેથી મળી રહે તેવા હેતુથી ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા દરેક જીલ્લામાં એક “સખી વન સ્ટોપ સેન્ટર” શરૂ કરવામાં આવેલ છે, જે ૨૪ કલાક કાર્યરત છે. જામનગરમાં રામેશ્વરનગર મેઇન રોડ, પટેલ કોલોની, મેન્ટલ ક્વાટર ખાતે જુન-૨૦૧૯ થી સખી વન સ્ટોપ સેન્ટર કાર્યરત છે.

whatsapp banner 1

સખી વન સ્ટોપ સેન્ટરની કામગીરીની સમીક્ષા માટે કલેકટર રવિ શંકરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં સેન્ટર પર આવતા વિવિધ કેસોની સમીક્ષા કરવામાં આવી હતી. જાન્યુઆરી -૨૦૨૦ થી નવેમ્બર-૨૦૨૦ સુધી સેન્ટર પર ૧૮૭ કેસો આવેલા, જેમાં ૧૩૭ ઘરેલું હિંસાના કેસોનો સમાવેશ થાય છે જે પૈકી મોટા ભાગના કેસોનું સેન્ટર દ્વારા સમાધાન કરાવવામાં આવ્યું હતું. કોરોના સમયગાળામાં લોકડાઉનમાં જામનગરમાં ફસાઇ ગયેલ મહિલાઓને તેમના પરિવારમાં પુનઃસ્થાપન કરેલ કેસોની પણ સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં ત્રણ મહિલાઓને ગુજરાતમાં અન્ય જીલ્લાઓમાં અને બે મહિલાઓને અન્ય રાજ્યમાં પોલીસની મદદથી તેમના પરિવારમાં પુનઃસ્થાપિત કરવામાં આવ્યા હતા.

પોલીસ સ્ટેશન ખાતે ઘરેલું હિંસા અને જાતીય અપરાધોમાં પણ કાઉન્સેલીંગ અને અન્ય મદદ મળી રહે તે હેતુથી દરેક પોલીસ સ્ટેશન ખાતે સખી વન સ્ટોપ સેન્ટરની જાહેરાતના પોસ્ટર લગાડવા કલેકટર દ્વારા સુચન કરવામાં આવેલ અને પોક્સો ગુના સંબધિત કેસોને વધુ સંવેદન શીલતાથી લેવા અને કેન્દ્રમાંથી જતા કેસોનું નિયમિત ફોલોઅપ લેવાની સુચના કલેકટર દ્વારા આપવામાં આવી હતી તદઉપરાંત વન સ્ટોપ સેન્ટરના નવા મકાનના બાંધકામની પ્રક્રિયા વહેલી તકે શરૂ કરવા માર્ગ અને મકાન વિભાગને સુચના આપવામાં આવી.

સમીક્ષા બેઠકમાં જીલ્લા વિકાસ અધિકારી ડો.વિપિન ગર્ગ, ડી.વાય.એસ.પી. ચાવડા, જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ પી. એચ. સૂચક, મહિલા અને બાળ અધિકારી સી. ડી. ભાંભી, દહેજ પ્રતિબંધક અધિકારી એચ. બી. ટાઢાણી, માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરશ્રી કટારમલ, વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ તથા બિન સરકારી સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો….