Akash Gohel

રેપીડ ટેસ્ટ અંગે જાગૃતિભર્યું ઉદાહરણ પુરો પાડતો રાજકોટનો ગોહેલ પરિવાર

Akash Gohel

શેરબજારમાં રસ હોવાથી કોરોનાની સારવાર દરમિયાન ઓનલાઈન બુક્સ અને ધ સમાર્ટ ઈન્વેસ્ટમેન્ટ જેવા મેગેઝીન રીડ કરતો: ૨૫ વર્ષીય આકાશ ગોહેલ

 અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ

રાજકોટ, ૦૩ ઓક્ટોબર: “સંયુક્ત કુંટુંબ અને ૧૧ જણાનો પરિવાર. શરૂઆતમાં મારા બંને કાકાને સામાન્ય શરદી, તાવ ઉધરસ પરંતુ ધીમે ધીમે પરિવારના બધા લોકોનું સ્વાસ્થ્ય કથળવા લાગ્યું. કોરોનાના જ લક્ષણો છે તેવો અંદાજ ત્યારે આવ્યો જ્યારે બાને શ્વાસ લેવામાં તકલીફ પડવાનું શરૂ થયું. પરિવારના દરેક સદસ્યએ સાથે મળીને નિર્ણય કર્યો કે, નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જઈને રેપીડ ટેસ્ટ કરાવીએ. નિર્ણયને અમલમાં મુક્યો અને રેપિડ ટેસ્ટ કરાવ્યો તો સામે આવ્યું કે પરિવારના ૯ સદસ્યોને કોરોના પોઝીટીવ આવ્યો છે. રેપીડ ટેસ્ટ પર વિશ્વાસ મુકીને હું, મારા બંને કાકા અને બા સિવિલમાં દાખલ થયાં અને અન્ય સદસ્યો હોમ આઈસોલેટ થયાં.” રેપીડ ટેસ્ટ કરાવવાના યોગ્ય પગલા સાથેનો આ સંવાદ છે કેવડીયા વાડી પાસે રહેતા ગોહિલ પરિવારના સદસ્ય ૨૫ વર્ષીય આકાશ ગોહેલની.

  રેપીડ ટેસ્ટ અંગે શંકા ધરાવીને ઘણાં-ખરાં નાગરિકો આરોગ્ય કર્મીઓ સાથે અયોગ્ય વ્યવહાર કરતા હોય છે. પરંતુ રાજકોટના ગોહિલ પરિવારે કોરોનાનું સંક્રમણ પોતાના પરિવારથી અન્ય લોકોમાં ન ફેલાય તે માટે સામે ચાલીને રેપીડ ટેસ્ટ કરાવ્યો. રેપીડ ટેસ્ટ કરાવ્યા બાદ સિવિલ અને સમરસ કોવીડ કેર સેન્ટરમાં મળેલી સારવાર અંગે અભિપ્રાય આપતા આકાશે જણાવ્યું હતું કે,” બંને જગ્યાએ મેં નજરો નજર જોયું છે કે, મેડીકલ સ્ટાફ દ્વારા વયોવૃધ્ધ વ્યક્તિઓનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. ૪ લોકોની ટીમ સાથે દિવસમાં બેથી-ત્રણ વાર ચેકઅપ કરી જાય છે. જમવાની સુવિધા પણ સારી છે.”

loading…

કોવીડ કેર સેન્ટરમાં પસાર કરેલ સમય વિશે વાતચીત કરતાં આકાશભાઈએ વધુમાં ઉમેર્યું હતું કે, ” મને શેરબજારમાં ખુબ રસ છે. તેથી સમયનો સદ્ઉપયોગ થાય અને મારા મનગમતા વિષયમાં નોલેજનો વધારો થાય તે માટે હું મોબાઈલ શેરબજારને લગતી વિવિધ વેબસાઈટ જોતો, ઓનલાઈન બુક્સ રીડ કરતો અને ધ સ્માર્ટ ઈનવેસ્ટમેન્ટ જેવા મેગેઝીનનું વાંચન કરતો.”

હું દરેક પરિવારને વિનંતી કરીશ કે સામાન્ય લક્ષણ જણાઈ તો સ્વૈચ્છાએ રેપીડ ટેસ્ટ કરાવવા આગળ આવો. ટેસ્ટ પોઝીટીવ આવે તો ગભરાવાની જરૂર નથી. આજે રેપીડ ટેસ્ટના કારણે જ મારા પરિવારના દરેક સદસ્યો સમયસર સારવાર લઈને કોરોના મુક્ત થયા છે. તેથી સરકારની કામગીરી અને નિર્ણયો પર વિશ્વાસ દાખવીને આરોગ્ય કર્મીઓને મદદરૂપ થઈએ તેમ આકાશભાઈએ કહ્યું હતું.

 કોરોનાને ખતમ કરવાની કામગીરીમાં રાજકોટના ગોહેલ પરિવારે રેપીડ ટેસ્ટ કરાવીને સમાજના દરેક પરિવારો માટે કોરોના અટકાવવા જાગૃતિભર્યું ઉદાહરણ બન્યા છે. જો દરેક પરિવાર આ વાત સમજશે તો કોરોના અચુક હારશે.