Madhuben Gohel

કોરોના સામે જીતવું જ છે એ પોઝિટિવ વિચારે કોરોના ‘‘પોઝીટીવ’’માંથી નેગેટિવ બનાવ્યા

Madhuben Gohel

૨૦ વર્ષથી શ્વાસની તકલીફથી પીડાતા મધુબેનને ‘‘કોરોના સામે જીતવું જ છે’’ એ પોઝિટિવ વિચારે કોરોના ‘‘પોઝીટીવ’’માંથી નેગેટિવ બનાવ્યા

અહેવાલ: રાધિકા વ્યાસ, રાજકોટ

રાજકોટ, ૦૩ ઓક્ટોબર: મને કોરોના થયો છે તો શું થયું હું તેમાંથી બહું ઝડપથી બહાર આવી જઈશ આવા પોઝીટીવ વિચાર સાથે સમરસ હોસ્ટેલમાં દાખલ થયેલા કોરોનાના દર્દી મધુબેન તેમને મળેલ સારવારની સાથે પોઝીટીવ વિચારના કારણે આજે નેગેટીવ બની પોતાના ઘર-પરિવાર પાસે પહોંચ્યા છે.

સરધાર ખાતે હેલ્થ સુપરવાઈઝરની ફરજ બજાવતાં મધુબેન કહે છે કે, “કોરોના થયાં પછી આરોગ્યની વધુ સંભાળ રાખવી જરૂરી છે. નિયમિત ઉકાળા, નાસ અને ગરમ દૂધનું સેવન એવાં ઘરગથ્થું ઉપાયો કોરોના સહિત અનેક બીમારીઓથી આપણને બચાવે છે. પરંતુ કોરોના થયાં બાદ હોસ્પિટલમાં ડોક્ટર્સના પ્રોપર ઓબ્ઝર્વેશન હેઠળ રહેવાથી તમને યોગ્ય સલાહ મળતી રહે છે જે તમને ઝડપથી સાજા કરવા માટે ઘણી મહત્વપૂર્ણ સાબિત થાય છે.”

મધુબેને પોતાનો અનુભવ વર્ણવતા જણાવ્યું હતું કે, ” હું ૩૫ વર્ષથી આરોગ્ય વિભાગ સાથે જોડાયેલી છું. અમે માર્ચ મહિનાથી સતત કોરોના સંબંધિત કામગીરી અને લોકોમાં કોરોના પ્રત્યે જાગૃતિ ફેલાય તેવાં કાર્યો કરી રહ્યાં છીએ. મારા પતિને કોરોના થતાં અમે પણ ટેસ્ટ કરાવ્યો અને તા. ૨૩ ના રોજ મારો રિપોર્ટ પોઝિટિવ આવતાં મને સમરસ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી.

loading…

સમરસ કોવિડ કેર સેન્ટરમાં ૯ દિવસની સારવાર અંગેની વાત કરતાં તેઓએ કહ્યું હતું કે, ” મને ૨૦ વર્ષ જૂની શ્વાસની તકલીફ છે, અને કોરોના થયાના પહેલાં ત્રણ દિવસ સુધી મને સખત માથાનો દુઃખાવો થયો. પરંતુ સમરસ ખાતે સમયસર અને યોગ્ય સારવાર મળી અને અહીં કાર્યરત કોરોના યોદ્ધાઓની મહેનત અને દર્દીઓને કોરોના મૂક્ત બનાવવા માટેના દ્રઢ મનોબળ જોઈ મેં પણ મનોમન ગાંઠ વાળી લીધી કે, હું તો કોરોનાથી લોકોને જાગૃત કરવાનું કામ કરૂં છું તો હું પોતે જ ડરી જાઉં એમ કેમ ચાલશે ? હું કોરોના સામે લડીશ અને જીતીશ જ. બસ આ જ પોઝિટિવ વિચારે મને કોરોનામાંથી બહું ઝડપથી બહાર કાઢી અને આજે હું કોરોના નેગેટિવ બની મારા પરિવાર પાસે પહોંચી ગઈ છું.”

આજે કોરોના સામે ઝઝુમીને અંતે વિજયી બનેલા મધુબેન જેવાં અનેક કોરોનાના દર્દીઓએ સાબિત કરી બતાવ્યું છે કે, ‘‘અડગ મનના મુસાફિરને હિમાલય પણ નથી નડતો….’’ હકારાત્મક અભિગમ અને દ્રઢ મનોબળના જોરે ગમે તેવી મુશ્કેલીનો સામનો કરશો તો સફળતા મળશે જ…