Corona Vaccine 89 years old

૮૯ વર્ષના વરિષ્ઠ તબીબ કોરોનાની રસી મુકાવી: રસીથી ડરશો નહિ રસી થી જ કોરોનાને મહાત કરી શકીશું: ડો.રોહિત ભટ્ટ

Corona Vaccine 89 years old

ગુજરાતની કદાચ પ્રથમ ઘટના: ૮૯ વર્ષના વરિષ્ઠ તબીબ ડો.રોહિત ભટ્ટે કોરોનાની રસી મુકાવી: રસીથી ડરશો નહિ રસી થી જ કોરોનાને મહાત કરી શકીશું.. ડો.રોહિતનો સંદેશ

સરકારી અને કોર્પોરેટ સહિત ખાનગી હોસ્પિટલોના ૨૨૪ નિષ્ણાત તબીબો અને તબીબી ઉચ્ચ અધિકારીઓ જાતે રસી મુકાવી સબ સલામતનો પ્રેરક સંદેશ આપ્યો

વડોદરા, ૨૧ જાન્યુઆરી: સુકાનીઓ સેનાની મોખરે રહીને લડે તો સૈનિકોનો જુસ્સો બુલંદ થાય અને સહુ બમણાં જોશથી લડે એવો યુદ્ધનો પ્રચલિત નિયમ છે. હવે મેદાની યુધ્ધો ભૂતકાળની રમ્ય કથા બની ગયાં છે.પરંતુ આજે આખું વિશ્વ કોરોના સામે આરોગ્યના યુદ્ધનો મોરચો માંડીને બેઠું છે અને ઇન્દ્રના અચૂક આયુધ વજ્ર જેવી રસી આ રોગ સામેની લડાઇના બ્રહ્માસ્ત્ર તરીકે ઉતારવામાં આવી છે.

Whatsapp Join Banner Guj

હાલમાં વડોદરા શહેર અને જિલ્લામાં રાજ્ય સરકારના આરોગ્ય તંત્ર દ્વારા કોવીડની રસી મૂકવાનું શરૂ કરાયું છે.તેમાં રસીનો પહેલો લાભ આરોગ્ય ક્ષેત્રના સહુથી મોખરાના કોરોના લડવૈયા ઓને, સરકારી કે ખાનગી દવાખાનાના ભેદ વગર આપવામાં આવી રહ્યો છે.

આજે ત્રીજી વાર યોજાયેલા રસીકરણ અભિયાનમાં એક અદ્ભુત ઘટના ઘટી છે.ભાઈલાલ અમીન હોસ્પિટલના ૮૯ વર્ષના વરિષ્ઠ સ્ત્રી રોગ નિષ્ણાત ડો.રોહિત ભટ્ટે બુલંદ જુસ્સો પ્રદર્શિત કરતા હોંશે હોંશે રસી મુકાવી હતી.તેઓ વડોદરામાં ચોક્કસ પણે સહુથી મોટી ઉંમરે રસી મુકાવનારા પ્રથમ વ્યક્તિ બન્યા છે.કદાચ સમગ્ર ગુજરાતમાં વયોવૃદ્ધ ઉંમરે રસી લેનારા પ્રથમ વ્યક્તિ ડો.રોહિત ભટ્ટ હોય એવી ઉજળી શક્યતા છે. આટલી મોટી ઉંમરે સક્રિય પ્રેક્ટિસમાં હોય એવા ગુજરાતના જૂજ ડોકટરોમાં તેમનો સમાવેશ ચોક્કસ થતો જ હશે.

રસી લીધા પછી દેવાનંદ જેવા સદા બહાર આ વરિષ્ઠ અને અનુભવી તબીબે જણાવ્યું કે, વેક્સિન થી જ કોરોનાને મહાત કરી શકીશું.કોરોના કરતાં કોરોના ની બીક વધુ જવાબદાર છે. કોરોના એટલો ખરાબ નથી.સમયસર સારવાર લેવામાં આવે તો રોગ મુક્ત થઈ શકાય છે.એટલે અફવા ઓથી ડર્યા વગર બધાએ રસી લેવી જોઈએ. રોહિતભાઈએ કોરોના ટોચ પર હતો તેવા સમયે પી.પી.ઇ.કીટ પહેરીને એક સગર્ભાની સિઝેરિયન ડિલિવરી પણ કરાવી હતી.

Corona Vaccine Vadodara

વડોદરા શહેર અને જિલ્લામાં ચાલતા કોરોના રસીકરણનું એક ધ્યાનાકર્ષક અને ઉજળું પાસુ એ છે કે સરકારી અને ખાનગી દવાખાનાઓના બડા બડા ડોકટર સાહેબો અને કોર્પોરેટ હોસ્પિટલો ના સંચાલકોએ સામે ચાલીને રસી મુકાવી છે. થોડાં દાખલા જોઈએ તો સેવા સંસ્થા અને આરોગ્ય તીર્થ મુનિ સેવા આશ્રમના મુખ્ય વહીવટદાર સ્વાતિ પંડ્યા,પારુલ હોસ્પિટલ ના ચેરમેન ડો.દેવાંશુ, ભાઈલાલ અમીન હોસ્પિટલના ટ્રસ્ટી બરખા અમીન, ટ્રાયકલર હોસ્પિટલના ડો. પરબીંદર સીંઘ, ડો.ઇન્દ્રજીત, ધીરજ હોસ્પિટલના વરિષ્ઠ તબીબો,સયાજી હોસ્પિટલના અધિક તબીબી અધિક્ષક ડો હેમંત માથુર, ગોત્રી હોસ્પિટલના વહીવટી નોડલ અધિકારી ડો.શીતલ મિસ્ત્રી, ડો.વિજય શાહ, હૃદય રોગ નિષ્ણાત ડો.વી.સી.ચૌહાણ,વિભાગીય નાયબ આરોગ્ય નિયામક ડો.રાજેન્દ્ર પાઠકજી, જમના બાઈ હોસ્પિટલના સિવિલ સર્જન ડો.મિશ્રા જેવા કોરોના સામેની લડાઇના મોખરાના સુકાનીઓએ સહુથી પહેલાં રસી લઈને ,કોરોનાથી સાવધ રહો પણ રસી તો નીડર બનીને લો એવો પ્રેરક સંદેશ આપ્યો છે.

આ બાબતમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ઉદય ટિલાવતે ખૂબ રસપ્રદ જાણકારી આપતાં જણાવ્યું કે વડોદરા શહેર અને જિલ્લામાં સરકારી અને ખાનગી તબીબી સંસ્થાઓના ૨૦ કન્સલ્તન્ટ તબીબો,૧૦ પ્રોફેસર અને ડીન, રેસીડેન્ટ ડોકટરો સહિત ૧૮૪ તબીબી અઘિકારીઓ અને ૧૦ આયુષ તબીબો સહિત કુલ ૨૨૪ આરોગ્ય તંત્રના સુકાની કહી શકાય એવા લોકોએ હોંશે હોંશે રસી મુકાવી છે.

Corona Vaccine Vadodara 2

આજે પણ પાદરા સામુદાયિક આરોગ્ય કેન્દ્રના તબીબી અધિકારી ડો. શ્યામકૂમાર સિંહા એ પાદરા તાલુકામાં પહેલી રસી મુકાવી હતી.સોખડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તબીબી અધિકારી ડો.નેહા દેસાઈએ રસી મુકાવી સહુને પ્રેરણા આપી હતી.આજે સોખડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બપોરે જ ૧૦૦ ટકા રસીકરણ થઈ ગયું હતું.

યુધ્ધમાં સફળતા માટે સેનાપતિ મોખરે રહીને સેનાને દોરે એ મહત્વનું છે.રસીકરણ એ કોરોના ને અટકાવવાની લડાઇ છે.આ યુદ્ધના સુકાનીઓ જાતે પહેલી રસી લઇ,કોરોના ની રસી સલામત છે અને ડર્યા વગર લેજો નો પ્રેરક સંદેશ આપી રહ્યાં છે.

આ પણ વાંચો…વેક્સિનને લઇને મોટા સમાચારઃ બીજા તબક્કામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યોના મુખ્ય પ્રધાનો પણ લેશે રસી