Jungle Safari Park

કેવડિયાના ‘મોગલી’ ! જંગલ સફારી પાર્કમાં રહેલા પશુપક્ષીઓના પરિવારજન બની જતા આદિવાસી યુવાનો

  • જંગલ સફારી પાર્કમાં કામ કરતા ૧૫૦ યુવાનો પૈકી આદિવાસી ૬૭ યુવાનો હિંસક પ્રાણીઓ અને પક્ષીઓના દિલોજાન દોસ્ત બની ગયા..
  • એનિમલ કિપર તરીકે કામ કરવામાં આદિવાસી યુવતીઓ પણ અગ્રેસર, પશુપક્ષીઓની સસ્નેહ રાખે છે સારસંભાળ…
  • આ ગાઈડ અને એનિમલ કીપર યુવાનો જંગલ સફારીની લટાર ને વધુ રસપ્રદ બનાવે છે.

લેખન:દર્શન ત્રિવેદી

પ્રકૃત્તિ અને વન્યપ્રાણીઓને નજીકથી નિહાળવા માટે તમે જો આફ્રિકા કે કેન્યા જવાનું આયોજન કરતા હો તો તે માંડી વાળવા જેવું છે. એનું કારણ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ! સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાની સાથે ત્યાં બનાવવામાં આવેલા જંગલ સફારીનો પ્રવાસ આફ્રિકા કે કેન્યા ટૂરનો અહેસાસ કરાવશે. વળી, તમને જંગલ સફારી પાર્કમાં એક નહીં, અનેક ‘મોગલી’ મળશે.

તમને આશ્ચર્ય થયા વિના નહી રહે કે આ મોગલી એટલે કોણ ? મોગલી એટલે એ ખૂબ જાણીતી બાળ કથાઓના નાયક જેવા જંગલ સફારીમાં એનિમલ કિપર તરીકે નોકરી કરી રહ્યા છે તેવા આદિવાસી યુવાનો જે હિંસક વન્ય પ્રાણીઓ અને નિર્દોષ પક્ષીઓના દિલોજાન દોસ્તાર બની ગયાં છે. દેશવિદેશના પશુઓ અને પક્ષીઓની સંભાળ રાખતા યુવાનોને તેમની સાથે એવો આત્મીય નાતો બંધાઇ ગયો છે જે તમને બાળ કથાઓના જંગલ કી જાન જેવા મોગલીની પ્રતીતિ કરાવ્યા વિના રહે નહીં !

Advertisement
whatsapp banner 1

સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં માત્ર ૬ માસના સમયગાળામાં ૩૭૫ એકરમાં જંગલ સફારી પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પાર્કમાં બનાવાયેલા એન્ક્લોઝર કુદરતી જંગલને આવરી લઇ બનાવવામાં આવ્યા છે. એથી ત્યાં રાખવામાં આવેલા પ્રાણીઓને જંગલનો માહોલ મળી રહે. જંગલ સફારી પાર્કમાં ૧૦૦ જાતના માંસાહારી અને તૃણાહારી મળી કુલ ૧૧૦૦ પશુપક્ષીઓ રાખવામાં આવ્યા છે. વિશ્વની સૌથી મોટી પક્ષીશાળા જંગલ સફારી પાર્કમાં છે. આકર્ષક વિદેશી પક્ષીઓનો અલગ ડોમ છે.

આ જંગલ સફારી પાર્કના કારણે કેવડિયા આસપાસના ૧૫૦ જેટલા યુવાનોને સીધી રોજગારી મળી છે. સામાન્ય રીતે અત્યાર સુધી બહારના જિલ્લામાં રોજગારી માટે સ્થળાંતર કરી ગયેલા આદિવાસી યુવાનો ઘર આંગણે સારા પગારે નોકરી મળતા વતનમાં સુખદ ઘર વાપસી કરી શક્યા છે. તેમાં ૬૭ યુવાનો એવા છે જે અત્યારે એનિમલ કિપર તરીકે કામ કરી રહ્યા છે.

એનિમલ કિપર તરીકે કામ કરી રહેલા યુવાનોને તમે મળો તો અચંબામાં મૂકાઇ જશો ! જેમકે, પહેલા સામાન્ય પગારે કામ કરતા અને વન્ય જીવોના રેસ્કયુ ના અનુભવી ધર્મેન્દ્ર બારિયા ગેંડાની સારસંભાળ રાખે છે. ગેંડાનું નામ મંગલ રાખવામાં આવ્યું છે. ધર્મેન્દ્ર અને મંગલની ગાઢ દોસ્તી થઇ ગઇ છે. એ…. મંગલ ! એવો સાદ ધર્મેન્દ્ર પાડે તો ‘મંગલભાઇ’ એન્ક્લોઝરના ગમે તે ખુણામાં હોય, દોડતા દોડતા ધર્મેન્દ્ર પાસે આવી જાય ! એની સાથે લાડ લડાવે !

આવું જ કામ મિત્રવર્તૃળમાં માઇકલ તરીકે ઓળખાતા ભદ્રેશ ડામોરનું છે. સફારી પાર્કમાં એનિમલ કિપર તરીકે તેની પ્રથમ નોકરી છે. આ નોકરી તેમના માટે લોટરી સમાન છે. કારણ કે એક તો ઘર આંગણે અને બીજું સારા પગારથી નોકરી મળી ! તે સફારી પાર્કમાં આફ્રિકન પ્રાણીઓના એન્ક્લોઝરમાં કામ કરે છે. શાહમૃગ અને જીરાફ સાથે ભદ્રેશને સારૂ એવું જામે છે.

ભદ્રેશ એન્ક્લોઝરમાં પ્રવેશે કે તુરંત બે શાહમૃગ તેની સાથે મસ્તી કરવા લાગે. શાહમૃગ ભદ્રેશ પાસે ચંપી કરાવડાવે ! પીછા સંવારવાનું કામ કરાવે ! જીરાફ પણ ભદ્રેશનો પીછો ના છોડે ! સીટીની ભાષા જીરાફ સારી રીતે સમજતો થઇ ગયો છે. એન્કલોઝરમાં એક વૃક્ષ સાથે લટકાડવામાં આવેલો ચારો ભદ્રેશના ઇશારે જીરાફ આરોગવા માંડે ! આ પ્રાણીઓને નજીકથી જોવાનો રોમાંચ કંઇક અલગ છે.

પક્ષીઓના બે ડોમ છે. આ બન્ને ડોમને બીજા શબ્દોમાં કલશોરનું કેન્દ્ર કહી શકાય ! વિશાળ ડોમ અનેક પ્રકારના પક્ષીઓના કલબલાટથી ગુંજતો રહે છે. લવબર્ડ,ફ્લેમિંગો, સારસ, હંસ, દેશીવિદેશી પોપટ, બતક, બગલા, રંગબેરંગી ચકલીઓથી આ બન્ને ડોમ ઉભરાય છે. ડોમની અંદર પ્રવેશ કરી પક્ષીઓના ગીતોને સાંભળવા એ અનેરો લ્હાવો છે.

ભાગ્યશ્રી નામની આદિવાસી યુવતી અહીં નોકરી કરે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જ્યારે, પક્ષીઓના ડોમની મુલાકાત લીધી ત્યારે ભાગ્યશ્રીએ જ મકાઉ પોપટને શ્રી મોદીના હાથમાં બેસાડ્યો હતો. એ મકાઉ પોપટનું નામ ગોલ્ડી છે. મકાઉ પોપટ ભાગ્યશ્રીનો કહ્યાગરો છે. ગોલ્ડી ગો ! એમ કહે તો તુરંત આ વિદેશી પક્ષી કોઇના હાથ ઉપર બેસી જાય. તેને મગફળીના દાણા બહુ ભાવે. ગોલ્ડીની દોસ્તી થી ભાગ્યશ્રી ના પરિવારમાં જાણે કે એક પાંખાળો સ્વજન ઉમેરાયો છે. એનિમલ કિપર તરીકે નોકરીથી મળતા પગારથી ભાગ્યશ્રી અને તેના પરિવારની આર્થિક સહુલિયત વધી છે.

જંગલ સફારી તમને બિલ્કુલ જંગલનો અનુભવ કરાવે. સિંહસિંહણ,સફેદ વાઘ અને ચટાપટા વાળી વાઘણ, દીપડા, દેશવિદેશના હરણો, લામા, કપિરાજો બાળકો માટે કિલકિલાટ કરી મૂકે ! અહીં ગાઇડ તરીકે કામ કરતા યુવાનો બહુધા આદિવાસી યુવક યુવતીઓ છે. જે હાઈ પ્રોફાઈલ પ્રવાસીઓ અને મોંઘરા મહેમાનો સાથે આત્મવિશ્વાસથી વાતો કરે, જંગલ સફારી પાર્ક, તેમાં રહેલા પાણીઓની ઝીણીઝીણી વિગતો રસપ્રદ રીતે સમજાવે.

જંગલ સફારી પાર્ક પ્રાણીઓને વિશેષ ફાવી ગયું છે. તેના વિશે માહિતી આપતા નાયબ વન સંરક્ષક ડો.રામ રતન નાલા કહે છે, અમે પ્રાણીમાં આવેલા શારીરિક બદલાવ નોંધ્યા છે. કેટલાક પ્રાણીઓના વજનમાં વધારો થયો છે. કેટલાક પ્રાણીઓની ઉંચાઇ વધી છે. જે પ્રાણીઓના વજન ના થઈ શકે એવા પ્રાણીઓની શારીરિક પુષ્ટતા નજરે દેખાઇ છે. એનિમલ કિપર તરીકે યુવાનો આ પ્રાણીઓની સંભાળ રાખવાનું કામ સારી રીતે કરી રહ્યા છે.

સંદીપ તડવી આવો એક યુવાન છે. તે સ્નાતક સુધીનો અભ્યાસ કરીને વાપી અને સુરત નોકરી કરતો હતો. પણ, સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કામ શરૂ થતાં તેમને અહીં નોકરી મળી ગઇ. એક તો વતનમાં અને પહેલા કરતા વધુ પગારે. તેમના પિતા મંગુભાઇ દલાભાઇ તડવી ડેમ સાઇટ ઉપર જ કામ કરતા હતા. પણ, કામ દરમિયાન જ તેમનું અવસાન થયું.

તે કહે છે, અહીં નોકરી કરતા હું મારા પરિવાર સાથે રહી શકું છું. આ નોકરી મળ્યા બાદ જ મારા લગ્ન સરળતા થી થયા. મને લોકો સાથે વાતો કરવી ગમે છે. હું મારા કામનો આનંદ માણું છું.

Jungle Safari Park 2 edited

બીજી રીતે કહી તો જંગલ સફારી પાર્કનું સંચાલન આદિવાસી યુવાનો કરે છે. પરોક્ષ રીતે ૬૦૦ જેટલા લોકો જંગલ સફારી પાર્કને કારણે રોજગારી મેળવતા થયા છે. ખાસ કરીને પશુપક્ષીઓ માટે ઘાસચારો, ફળફળાદી લાવવા માટે ખેડૂતો સાથે આ યુવાનો જ કામ કરે છે. સફારી પાર્કના સોવેનિયર શોપમાં આવેલી દૂકાનોનું સંચાલન સખી મંડળોને સોંપવામાં આવ્યું છે.

આમ, કેવડિયાના જંગલ સફારી પાર્કે અનેક આદિવાસી પરિવારોના યુવાનો ને રોજગારી આપીને પરિવારોને આજીવિકાની સરળતા કરી આપી છે જે તેમની માલી હાલતને મજબૂત કરવામાં મદદરૂપ બની રહી છે.