જૂનમાં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં જિયોએ ગુજરાતમાં રૂ.920 કરોડની આવક નોંધાવી

reliance jio 15026139619817139034 edited

૦૪ સપ્ટેમ્બર, અમદાવાદ

પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિવસ અને આંતરરાષ્ટ્રીય સખાવત દિવસ, સહિત અનેક કારણોસર ઉજવવામાં આવે છે. પ્રસિદ્ધ ફિલ્મ “થ્રી ઇડિયટ્સ”માં ચતુર રેન્ચોને આ દિવસની ચેલેન્જ આપતો હોવાનું કેટલાકને યાદ હશે. જોકે આ બધા કારણો ઉપરાંત પણ પાંચમી સપ્ટેમ્બર ડેટા રેવલ્યૂશન એટલે કે ડેટાની ક્રાંતિ માટે યાદ રાખવામાં આવે છે. હા, વર્ષ 2016માં આ દિવસે જ રિલાયન્સ જિયો લોન્ચ થયું હતું.

જિયોના લોન્ચની સાથે જ વિતેલા ચાર વર્ષો દરમિયાન ગુજરાત સહિત સમગ્ર ભારતના દરેક નાગરિકની જિંદગી અને જિંદગી જીવવાની પદ્ધતિમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. લોકો હવે તોતિંગ મોબાઇલ બિલની ચિંતા નથી કરતાં કે મર્યાદિત ડેટાની પણ નહીં.

એક સમય હતો જ્યારે ગુજરાતમાં લોકોના મોબાઇલ બિલ રૂ.1200થી 1500 સુધી આવતાં હતા અને તેમાં પણ વોઇસ સર્વિસનો ફાળો 70 ટકા જેટલો હતો. જિયોના લોન્ચ પછી દર મહિને લોકોના મોબાઇલ બિલ ઘટીને સરેરાશ રૂ.250 સુધી આવી ગયા છે અને તેમાં પણ વોઇસ સર્વિસનો હિસ્સો નગણ્ય રહ્યો છે.

ગુજરાતમાં જિયોના લોન્ચ બાદ બે ક્વાર્ટર સુધી તો નેગેટિવ રેવન્યૂ નોંધાઈ હતી, પરંતુ શ્રેષ્ઠ અને પોસાય તેવી સેવાઓના પરિણામે ધીમી છતાં મક્કમ ગતિએ જિયોની આવકમાં વધારો નોંધાયો અને આજે તે રૂ.920 કરોડે પહોંચી છે. આજે એ સ્થિતિ છે કે ગુજરાતમાં ટેલિકોમ ઇન્ડસ્ટ્રી દ્વારા જે આવક નોંધાય છે તેમાં જિયો અડધો અડધ હિસ્સો ધરાવે છે. જિયો અત્યારે ગુજરાતમાં માર્કેટ લીડર જ નથી પરંતુ ચાર ઓપરેટર્સમાં તે 49 ટકાનો રેવન્યૂ માર્કેટ શેર ધરાવે છે.

Banner City

ટેલિકોમ રેગ્યૂલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI) દ્વારા જારી કરાયેલા અહેવાલમાં જણાવ્યુ છે કે, 31 માર્ચ 2020ના રોજ પૂરા થતાં ત્રિમાસિક ગાળા સાથે સરખામણી કરવામાં આવે તો 30 જૂન 2020ના રોજ પૂરા થતાં ત્રિમાસિક ગાળામાં માત્ર જિયોએ એડ્જસ્ટેડ ગ્રોસ રેવન્યૂ (AGR)માં વૃદ્ધિ નોંધાવી છે. આ અહેવાલમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, તમામ ટેલિકોમ કંપનીની એજીઆર અથવા આવક પાંચ ટકા ઘટીને કુલ રૂ.1880 કરોડ રહેવા પામી છે.

આ સમયગાળા દરમિયાન એટલે કે જૂનમાં પૂરા થતાં ત્રિમાસિક ગાળામાં જિયોની આવક 16 ટકા વધીને રૂ.920 કરોડ થઈ છે. એરટેલ અને વોડાફોન આઇડિયાની ગુજરાતની આવક આ સમયગાળા દરમિયાન અનુક્રમે 7.5 ટકા અને 25 ટકા ઘટી છે. ગુજરાતમાં 30 જૂનના રોજ પૂરા થતાં ત્રિમાસિક ગાળામાં એરટેલની આવક રૂ.271 કરોડ જ્યારે વોડાફોન આઇડિયાની આવક 587.52 કરોડ નોંધાઈ હતી.

ટ્રાઈના અહેવાલમાં BSNLની નાણાકીય સ્થિતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, પરંતુ અહેવાલમાં એમ જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતમાં ટેલિકોમ ઉદ્યોગની આવકમાં જિયોનો હિસ્સો 49 ટકા, ત્યારબાદ વોડાફોન આઇડિયાનો હિસ્સો 32 ટકા અને એરટેલનો હિસ્સો 14 ટકા રહ્યો છે.