ઇન્ટેલ કોર્પોરેશનની મૂડીરોકાણ કરનારી પેટા કંપની ઇન્ટેલ કેપિટલનું જિયો પ્લેટફોર્મ્સમાં રૂ.1894.50 કરોડનું રોકાણ

– આ રોકાણ જીવન બહેતર બનાવતી અત્યાધુનિક ટેક્નોલોજી પૂરી પાડવા માટે પ્રોત્સાહક બનશે મુંબઈ,03 જુલાઈ,2020: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (“રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ”) અને ભારતના અગ્રણી ડિજિટલ સર્વિસીઝ પ્લેટફોર્મ્સ (“જિયો પ્લેટફોર્મ્સ”)એ આજે જાહેરાત કરી છે કે ઇન્ટેલ કેપિટલ જિયોમાં રૂ .1894.50 કરોડનું રોકાણ કરશે. ઇક્વિટી વેલ્યૂ રૂ.4.91 લાખ કરોડ અને એન્ટરપ્રાઇઝ વેલ્યૂ રૂ.5.16 કરોડ મુજબ ઇન્ટેલ કેપિટલ આ રોકાણ દ્વારા જિયોમાં સંપૂર્ણ ડાયલ્યૂટેલ આધારિત 0.39 ટકા ઇક્વિટી હિસ્સો મેળવશે. તાજેતરમાં જ જિયો પ્લેટફોર્મ્સમાં રોકાણ કરનાર દિગ્ગજ ઇન્વેસ્ટરોની યાદીમાં ઇન્ટેલ કેપિટલનો સમાવેશ થતાં જિયોમાં થયેલું કુલ રોકાણ રૂ.117,588.45 કરોડે પહોંચ્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સંપૂર્ણ માલિકીની પેટાકંપની જિયો પ્લેટફોર્મ્સ નવી પેઢીનું અદ્યતન ટેક્નોલોજી પ્લેટફોર્મ છે, જે આખા ભારતમાં 388 મિલિયન સબસ્ક્રાઇબર્સને ઉચ્ચ ગુણવત્તાયુક્ત અને વાજબી ડિજિટલ સેવાઓ પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જિયો પ્લેટફોર્મ્સે બ્રોડબેન્ડ કનેક્ટિવિટી, સ્માર્ટ ઉપકરણો, ક્લાઉડ અને એજ્ડ કમ્પ્યુટિંગ, બિગ ડેટા એનાલિસિસ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, ઓગમેન્ટેડ તથા મિક્સ્ડ રિયાલિટી, અને બ્લોકચેઇન દ્વારા તેની સંપૂર્ણ ડિજિટલ ઇકોસિસ્ટમમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે. જિયોનું વિઝન 1.3 અબજ લોકો અને દેશના તમામ વ્યવસાયોને ડિજિટલ માધ્યમો દ્વારા આદાન-પ્રદાન તથા વ્યવહાર કરવાની સુવિધા આપવાનો છે, જેમાં નાનાં વેપારીઓ, નાનાં વ્યવસાયો અને ખેડૂતો સામેલ છે, જેથી આ તમામ વર્ગો સર્વસમાવેશક વિકાસ-વૃદ્ધિનો લાભ મેળવી શકે. ઇન્ટેલ કેપિટલ ક્લાઉડ કમ્પ્યુટિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને 5G જેવી અત્યાધુનિક ટેક્નોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરતી કંપનીઓમાં વૈશ્વિક મૂડીરોકાણ કરે છે – આ પ્રકારના ક્ષેત્રોમાં જિયો પણ વિકાસ-વૃદ્ધિ માટે સતત સંશોધન અને રોકાણ કરે છે. ઇન્ટેલ કેપિટલ સેમિકન્ડક્ટર ઉદ્યોગનું નેતૃત્વ કરનાર ઇન્ટેલ કોર્પોરેશનની મૂડીરોકાણ કરનારી પેટાકંપની છે, જે નવીન સંશોધનોનો પાયો નાખનારા વિશ્વની કમ્પ્યુટિંગ અને કમ્યુનિકેશન ટેક્નોલોજી સાથે ડેટાસેન્ટ્રિક ભવિષ્યને આકાર આપવાનું કામ કરી રહી છે. ઇન્ટેલ ભારતમાં બે દાયકા કરતાં વધુ સમયથી કાર્યરત છે અને બેંગલુરુ તથા હૈદરાબાદમાં તેની સ્ટેટ-ઓફ-ધ-આર્ટ ડિઝાઇન ફેસિલિટીમાં આજે હજારો કુશળ કર્મચારીઓને રોજગારી પૂરી પાડે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, “ભારતને વિશ્વમાં ટોચની ડિજિટલ સોસાયટીમાં પરિવર્તિત કરવાના અમારા વિઝન સાથે સુસંગત ટેક્નોલોજીના દિગ્ગજો સાથે હાથ મિલાવતાં અમે અત્યંત આનંદિત છીએ. વિશ્વને ધરમૂળથી બદલી નાખનારી ટેક્નોલોજી અને સંશોધનોને સાકાર કરવા માટે કામ કરતી ઇન્ટેલ સાચા અર્થમાં વૈશ્વિક આગેવાન છે. વિશ્વની અગ્રણી ટેક્નોલોજી કંપનીઓ સાથે સહકાર સાધવાનો ઇન્ટેલ કેપિટલનો અભૂતપૂર્વ ઇતિહાસ છે. આપણા અર્થતંત્રના તમામ ક્ષેત્રોને બળ પૂરું પાડે અને 1.3 અબજ લોકોના જીવનધોરણની ગુણવત્તા સુધારી શકે તેવા ટેક્નોલોજી ક્ષેત્રે ભારતની ક્ષમતાઓને આગળ લઈ જાય તે માટે ઇન્ટેલ સાથે કામ કરવા અમે ઉત્સાહિત છીએ.” ઇન્ટેલ કેપિટલના પ્રેસિડેન્ટ શ્રી વેન્ડેલ બ્રૂક્સે કહ્યું હતું કે, “ભારતમાં ઓછી કિંમતે ઉચ્ચ ગુણવત્તાયુક્ત ડિજિટલ સેવાઓ પૂરી પાડવામાં પોતાની એન્જિનિયરિંગ કુશળતાઓ કામે લગાડવા પર જિયો ધ્યાન કેન્દ્રિત કરે છે અને તે લોકોની જિંદગી બહેતર બનાવવા માટે નવીન ટેક્નોલોજી પૂરી પાડવાના ઇન્ટેલના ધ્યેય સાથે એકદમ સુસંગત છે. અમે માનીએ છીએ કે ડિજિટલ એક્સેસ અને ડેટા વેપારવ્યવસાયો અને સમાજ માટે ખૂબ જ ઉપયોગી છે. આ રોકાણ થકી ઇન્ટેલ જ્યાં મહત્વની હાજરી ધરાવે છે તેવા ભારતમાં ડિજિટલ પરિવર્તનને વધુ ઇંજન પૂરું પાડવામાં મદદરૂપ બની શકીએ એ માટે અમે ઉત્સાહિત છીએ. આ નાણાકીય વ્યવહાર નિયમનકારી અને અન્ય કાયદેસર મંજૂરીઓને આધિન છે. આ સમજૂતીમાં રિલાન્યસ ઇન્ડસ્ટ્રીઝના નાણાકીય સલાહકાર મોર્ગન સ્ટેન્લી અને કાયદેસરના સલાહકાર AZB એન્ડ પાર્ટનર્સ અને ડેવિસ પોલ્ક એન્ડ વોર્ડવેલ કાયદાકીય સલાહકાર હતા.