Surat Plasma doner

પોતાની જેમ અન્ય દર્દીઓ કોરોનાને હરાવી સ્વસ્થ થાય તેવી ઉદ્દાત ભાવના સાથે

Surat Plasma doner

સુરતના ચાઈલ્ડ ન્યુરો ફિઝીશ્યને પ્લાઝમાં ડોનેટ કર્યું અગાઉ ૪૦ વખત ડો.રિતેશ શાહ રકતદાન કરી ચૂકયા છેઃ

રિપોર્ટ: મહેન્દ્ર વેકરીયા
સુરત:મંગળવાર:– સાંપ્રત સમયમાં કોરોના વાઈરસની મહામારી સામે ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ તરીકે ડોકટરો અને નર્સિંગ સ્ટાફ દર્દીઓના જીવન બચાવવામાં દિવસ-રાત જોયા વિના સારવારમાં પ્રવૃત્ત છે. દર્દીઓની સારવાર દરમિયાન ડોકટરોને પણ કોરોનાનો ચેપ લાગતો હોય છે, આ ડોક્ટરો જીવના જોખમે પણ ફરજ બજાવવાનું ચૂકતા નથી.

સુરતના આવા જ એક કોરોના વોરિયર ચાઈલ્ડ ન્યુરો ફિઝીશિયન ડો. રિતેશ શાહ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ બન્યાં, અને સંકલ્પ કર્યો કે અન્ય કોરોનાગ્રસ્ત દર્દીઓને માટે ડોનેટ કરીશ. દર્દીઓનું હિત જોનારા આ તબીબે પ્લાઝમા દાન કરી પોતાનો તબીબી ધર્મ નિભાવ્યો છે.

કોરોના સામેના જંગ અને પ્લાઝમા દાનનો અનુભવ વર્ણવતાં ડો.શાહ જણાવે છે કે, બે દિવસથી તાવ અને શારીરિક નબળાઈ જણાતાં કોરોના રિપોર્ટ કરાવ્યો. તા. ૦૬ જુલાઈના રોજ કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા જ હોમ આઈસોલેશનમાં ૧૦ દિવસ રહ્યો એ દરમિયાન સામાન્ય તાવ આવતો. શરૂઆતમાં ૪-૫ દિવસ વિકનેસ રહી. ત્યારબાદ ૧૪ દિવસના હોમ ઓઈસોલેશન દરમિયાન પરિચિતો, અને તબીબમિત્રો સાથે વાતચીત થતી, ત્યારે જ નક્કી કર્યું કે સંપૂર્ણ સ્વસ્થ થતા હું મારૂ પ્લાઝમા ડોનેટ કરીશ અને જ્યા સુધી પ્લાઝમા આપી શકુ ત્યાં સુધી આપીશ એવો સંકલ્પ કર્યો. પ્લાઝમા થેરાપી વિષે ઓનલાઈન ઘણું બધું વાંચ્યું છે, જેનાથી પ્લાઝમા થેરાપીની ઉપયોગિતા અંગે વાકેફ પણ થયો.

Surat Plasma doner 2

તેમણે જણાવ્યું કે, હું અત્યાર સુધીમાં ૪૦ વાર રક્તદાન કરી ચૂક્યો છું. અને હવે તો પ્લાઝમા દાન કર્યું છે. જે રીતે રક્ત કોઈ લેબોરેટરીમાં બનાવી શકાતું નથી તેમ પ્લાઝમા પણ બનાવી શકાતું નથી. પ્લાઝમા આપણને ઈશ્વરે આપેલી અમૂલ્ય ભેટ છે. અને એ દાન યોગ્ય વ્યકિતને મળે જેથી તે પણ આ કોરોના વાયરસને હરાવી સ્વસ્થ થાય તેવી મારી ભાવના છે. કોરોનાને મ્હાત આપનાર પ્રત્યેક વ્યક્તિએ પ્લાઝમા ડોનેટ કરવું જ જોઈએ. આપણને જે ઈશ્વર તરફથી મળ્યુ છે તે બહુજન હિતાય થાય તેમ તેનું દાન કરવું જોઈએ તેમ ડો. રિતેષ શાહ કહે છે.

સ્મીમેર હોસ્પિટલના IHBT – ઈન્કમ્પીટીબલ હિમોલિટીક બ્લડ ટ્રાન્સફ્યુઝ વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો.ડીમેલ ભુવા જણાવે છે કે, હાલ કોવિડની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્મીમેર હોસ્પિટલની બ્લડ બેન્કમાં પ્લાઝમા બેન્ક કાર્યરત છે. કોવિડ-૧૯ના પોઝિટિવ દર્દીઓ રિકવર થયા પછી ૨૮ દિવસ બાદ પ્લાઝમા ડોનેટ કરી શકે છે. આ પ્લાઝમા વેન્ટિલેટર, બાયપેપ કે ઓક્સિજનની જરૂર પડતી હોય તેવા દર્દીઓને આપવાથી ઝડપી રિકવરી આવે છે.
શ્રી ભુવાએ કોરોનામુક્ત લોકોને અપીલ કરતાં કહ્યું કે, કોવિડથી રિકવર થયેલા લોકો પ્લાઝમા દાન માટે આગળ આવે. સમાજ માટે સારૂ કાર્ય કરવાની આ તક છે.

Surat Plasma doner 3

પ્લાઝમા ડોનેટ કરવાનું કોઈ આડઅસર કે ગેરફાયદા નથી. પ્લાઝમા એ રક્તમાં રહેલો પીળા કલરનું પ્રવાહી છે, જે ફરી એકથી બે દિવસમાં બની જાય છે. એક વાર પ્લાઝમા આપ્યા બાદ પંદર દિવસ પછી ફરીથી આપી શકાય છે. નિયમ મુજબ પ્લાઝમા આપતા પહેલા બધા જ પ્રકારના ટેસ્ટિંગ કરવામાં આવે છે, અને આ ટેસ્ટિંગમાં જેતે વ્યક્તિ પાસ થાય તેનું પ્લાઝમા લેવામાં આવે છે. સુરતમાં ઘણા દર્દીઓને પ્લાઝમા થેરાપીથી કોરોના વાયરસથી મુક્તિ મળી છે.