સૂરતઃ૮૦૦ બેડની કોવિડ-૧૯ હોસ્પિટલનું કામ અંતિમ તબક્કામાં

New Covid 19 hospital under progress 1
  • મુખ્યમંત્રીશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં તૈયાર થઈ રહેલી
  • ૮૦૦ બેડની કોવિડ-૧૯ હોસ્પિટલનું કામ અંતિમ તબક્કામાંઃ
  • જિલ્લા વહીવટી તંત્રના અથાગ પ્રયાસોથકી ૪૩ દિવસમાં ૯૦ ટકા કામ પૂર્ણઃ

રિપોર્ટ:પરેશ ટાપણીયા

સૂરતઃસોમવારઃ- રાજય સરકારે કોરોના સંક્રમણને રોકવા દર્દીઓને બેડ-વેન્ટીલેટર સહિતની સારવાર-સુવિધાઓ ઝડપી મળી રહે તે માટે સકારાત્મક પગલાઓ લીધા છે. સુરત શહેરમાં કોરોના સંક્રમણને ધ્યાને લઈ મુખ્યમંત્રીશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ કોરોના દર્દીઓ માટે નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં કિડની હોસ્પિટલ બિલ્ડીંગ ખાતે ૮૦૦ બેડની કોવિડ-૧૯ હોસ્પિટલનું કામ જિલ્લા વહીવટીતંત્રના અથાગ પ્રયાસોથકી ૪૩ દિવસમાં ૯૦ ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રીશ્રીએ તા.૪થી જુલાઈની સુરતની મુલાકાત દરમિયાન ૧૦૦ કરોડના ખર્ચે બે અદ્યતન હોસ્પિટલો બનાવવાની જાહેરાત કરી હતી. જેમાં પ્રથમ તબક્કે સ્ટેમસેલ બિલ્ડીંગ ખાતે ૧૦૦૦ બેડની કોવિડ-૧૯ હોસ્પિટલ ૧૫ દિવસના ટુંકાગાળામાં તૈયાર કરવામાં આવી હતી. જયારે કિડની હોસ્પિટલના બિલ્ડીંગ ખાતે ૮૦૦ બેડની કોવિડ હોસ્પિટલનું કાર્ય તા.૫મી જુલાઇએ શરૂ કરવામાં આવ્યું હતું.

ખાસ ફરજપરના અધિકારીશ્રી મહેન્દ્ર પટેલના સીધા માર્ગદર્શન હેઠળ તથા નોડલ ઓફિસરશ્રી આર.આર.બોરડની દેખરેખ હેઠળ કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે. પ્રોજેકટ મેનેજર કમ આર્કિટેક કોર્ડીનેટરશ્રી કમલ પારેખે વિગતો આપતા જણાવ્યું કે, શરૂઆતથી પાંચ કન્સ્ટ્રકશન એજન્સીઓના ૧૨૦૦થી વધુ શ્રમયોગીઓ દ્વારા હોસ્પિટલનું કામ યુધ્ધના ધોરણે ચાલી રહ્યું છે. જેમાં ૮૦૦ બેડ પૈકી ૧૧૧ આઈ.સી.યુ. બેડ, ઓકિસજન વેકયુમ અને કોમ્પ્રેસ એર સહિતના બેડ તૈયાર કરવામાં આવી રહ્યા છે. ઈલેકટ્રીશીયન, પ્લમ્બીંગ, ડ્રેનેજ, ફાયર ફાઈટીંગ સહિતનું કામ પૂર્ણ થવાના આરે છે.
અંદાજે છ લાખ સ્કે.ફુટ જેટલા એરિયામાં હોસ્પિટલના નિર્માણની કામગીરી ટુંકાગાળામાં કરવામાં આવી છે. કંટ્રોલ સેન્ટરને ઓડિટો-વિઝયુઅલ દ્વારા સી.એમ.ડેશ બોર્ડ સાથે જોડીને દર્દીઓ, ડોકટરો સાથે મુખ્યમંત્રી સીધો સંવાદ કરી શકે તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે.

અન્ડરગ્રાઉન્ડ ૭.૫૦ લાખ લીટરની પાણીની ટાંકી જેમાં ૨.૫૦ લાખ ફાયર ફાઈટીંગ માટે અને પાંચ લાખ લીટર હોસ્પિટલના રોજીદીક્રિયાઓના ઉપયોગ માટે થશે. તદ્દ ઉપરાંત ૨.૫૦ લાખ લીટરની ૧૨ પાણીની ટાંકીઓ અગાશી પર મૂકવામાં આવી છે. બિલ્ડીંગને ફરતે ફાયર ફાઈટીંગની યાર્ડ હાઈડ્રન્ટની સુવિધાથી સજ્જ છે. દરેક માળે હોઝરીલ તથા દિવ્યાંગો માટે અલગથી ટોયલેટની વ્યવસ્થા કરવામાં આવી છે.

હોસ્પિટલમાં દર્દીઓ, પેશન્ટના સગાઓ, ડોકટરશ્રીઓ, બાયો મેડિકલ વેસ્ટ તથા ડેડબોડીના નિકાલ માટે માટે અલગ-અલગ આઠ જેટલી લિફટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. કોરોના દર્દીઓ માટે ડાયાલિસીસ સેન્ટર,પાર્કિગ સહિતની સુવિધા ઉપલબ્ધતાની કામગીરી ચાલી રહી હોવાનું તેમણે કહ્યું હતું.