Dr.khyati Jethva 1

“દર્દીઓનો અમારા પ્રત્યેનો વિશ્વાસ એ અમારી સારવારને વધુ સફળ બનાવે છે”: ડો.ખ્યાતિબેન

Dr.khyati Jethva
  • રાષ્ટ્રભાવના સાથે કોવિડ હોસ્પિટલ ખાતે એક વર્ષના બાળકની સ્નેહાળ માતા ડો. ખ્યાતિબેન જેઠવા બજાવી રહ્યા છે, નિષ્ઠાપૂર્વકની સેવા
  • “દર્દીઓનો અમારા પ્રત્યેનો વિશ્વાસ એ અમારી સારવારને વધુ સફળ બનાવે છે”: ડો.ખ્યાતિબેન જેઠવા

અહેવાલ: શુભમ અંબાણી,રાજકોટ

રાજકોટ, ૨૩ ઓક્ટોબર: કોરાના મહામારીના સંક્રમણકાળમાં સમગ્ર વિશ્વની સુખાકારી માટે આરોગ્ય ક્ષેત્રે કાર્યરત તબીબો, નર્સ અને પેરામેડીકલ સ્ટાફ એ લોકોની આરોગ્ય સુખાકારી માટે આધારસ્તંભ સમાન કાર્ય કરી રહયાં છે. કોરોના મહામારીને નાથવા આ તમામ આરોગ્ય કર્મીઓ તેમની પરિવારીક ફરજ કરતા પણ વિશેષ દેશપ્રેમ અને દેશવાસીઓ પ્રત્યેની તેઓની ફરજને પ્રાધાન્ય આપી દિવસ-રાત જોયા વગર સતત કાર્યરત છે.

આવા જ એક આરોગ્યકર્મી છે એનેસ્થેસિયાલોજિસ્ટ ડો.ખ્યાતિબેન જેઠવા.., જે પોતાના એક વર્ષના બાળકથી દુર રહીને સિવિલના કોવિડ વોર્ડમાં કાર્યરત છે. તેઓ સાલસભાવે કહે છે કે, “અમે દર્દીની ઉંમર અને મેડિકલ હિસ્ટ્રી મુજબ તેને એનેસ્થેસિયાનો ડોઝ આપીએ છીએ, હાલ કોરોનાની મહામારીમાં ખાસ તો અમારે એ ધ્યાન રાખવું પડે છે કે કોરોના સંક્રમિત દર્દીઓને એનેસ્થેસિયા આપતી વખતે તેના મુખમાંથી નીકળતા કોરોનાના સૂક્ષ્મ કણોથી અમે સંક્રમિત ન થઈ જઈએ. અહીં સારવાર માટે આવતા દર્દીઓ કોરોનાગ્રસ્ત હોવાથી તેઓ પરિવારના સભ્યોના અભાવે પારિવારીક એકલતા અનુભવતા હોય છે. 

અમારી પ્રથમ અને મહત્વપૂર્ણ કામગીરી તેઓને પારિવારીક હુંફ સાથે તેઓનો વિશ્વાસ સંપાદન કરવાની હોય છે. જેથી નિયમિત તપાસ અને સઘન સારાવારમાં તેમનો વધુ સારો સહયોગ સાંપડે છે. દર્દીઓનો અમારા પ્રત્યેનો વિશ્વાસ એ અમારી સારવારને વધુ સફળ બનાવવા માટે અસરકારક પરિબળ સાબિત થાય છે.” આ તકે તેઓ પોતાના એક વર્ષના બાળક સહિતના સમગ્ર પરિવારજનોના ત્યાગ અને સહકારને વર્ણવતા કહે છે કે,” મારો સમગ્ર પરિવાર દેશ પ્રત્યેના આપદકાળની ફરજનિષ્ઠા માટે મારી સાથે સતત અડીખમ ઉભો છે. આથી જ અમે સૌ દેશપ્રેમને સુપેરે નિભાવીને કોરોના મહામારીના અંત સુધી અમારી ફરજ નિષ્ઠાપૂર્વક બજાવવા વચનબધ્ધ છીએ.”

હાલ, ડો. ખ્યાતિબેનની જેમ પરિવારથી દુર રહીને માત્ર કોરોનાને નાબુદ કરવાના ધ્યેયને વરેલા કોરોના યોધ્ધાઓની પ્રેરણાદાયી કર્મપરાયણતા તથા ફરજ નિષ્ઠાને કારણે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતેથી અનેક દર્દીઓ કોરોનામુક્ત બની સ્વગૃહે પરત ફરી રહ્યા છે.

loading…