DR Raj Mishra

કોરોના મૃતકના પરિવારજનોને સંભાળવાની કામગીરી પીડાજનક રહી: ડો. રાજ મિશ્રા

DR Raj Mishra

પી.પી.ઈ. કીટ ભેખધારી આરોગ્યકર્મીઓ કોરોનાના દર્દીઓની સારવારની સાથે દર્દીઓના પરિવારજનોને સંભાળવાની કપરી કામગીરી સુપેરે નિભાવી રહયાં છે

અહેવાલ: રાજકુમાર સાપરા, રાજકોટ

રાજકોટ, ૨૩ ઓક્ટોબર: કોરોનાના ગંભીર દર્દીઓના મૃત્યુ બાદ સૌથી કપરી કામગીરી તેમના પરિવારજનને તેમનું સ્વજન હવે નથી રહ્યું તે જણાવવાની છે. કમનસીબે આ વેદનાયુક્ત કામ મારે ભાગે આવ્યું, જે મારા જીવનની સૌથી પીડાજનક બાબત બની રહી છે. તેમ ફોરેન્સિક વિભાગના સહાયક પ્રોફેસર ડો. રાજ મિશ્રા કહે છે.

રાજકોટ સિવિલમાં કોવીડ વિભાગમાં દર્દીના મૃતદેહ મેનેજમેન્ટની કપરી કામગીરી વિષે વાત કરતાં તેઓ જણાવે છે કે, સૌથી પહેલા મૃતકના પરિવારજનને ફોન કરી પરિસ્થિતિની જાણ કરીએ ત્યારે જ અનેક પ્રશ્નોનો સામનો કરવો પડે છે. પરંતુ ડેડબોડીની પોસ્ટ કામગીરી ચોક્કસ સમયમાં પૂર્ણ કરવાની હોઈ અમે તેમને ખુબ જ ધૈર્યપૂર્વક સાંભળી સત્ય હકીકત જણાવીએ છીએ.

ડો. રાજનો પરિવાર જામનગર ખાતે રહે છે. કોરોના સમયમાં જ હજુ ૧૫ મી ઓગસ્ટના ડો. રાજના લગ્ન થયા. પરંતુ કોરોના વિભાગની ડ્યુટીને ધ્યાને લઈ ડો. રાજ લગ્ન બાદ તુરત જ તેમની ફરજ પર હાજર થઈ ગયા. કોરોનાની કપરી ફરજના કારણે તેઓ હજુ સુધી ઘર-પરિવારને મળવા પણ જઈ શક્યા નથી. લગ્ન જીવનની ગાડી શરુ થાય તે પહેલા જ કોરોનાના દર્દીઓની સારવાર કરતા – કરતાં તેઓ પણ કોરોના સંક્રમિત થયા, અને જ્યાં તેઓ દર્દીઓની સારવાર કરતા ત્યાં ખુદ પોતે જ દર્દી બની સારવાર મેળવી. કોરોના મુક્ત બન્યા બાદ હોમ આઇસોલેશનમાં રહ્યા.

છેલ્લા બે માસ દરમ્યાન સિવિલ તેમજ સમરસ ખાતે દર્દીઓની સારવાર કરીને હાલમાં પોસ્ટમોર્ટમ વિભાગમાં ફરજ બજાવી રહેલા ડો. મિશ્રા કહે છે કે, કોરોના મહામારીમાં ફ્રન્ટલાઈન પર આરોગ્યકર્મીઓ પી.પી.ઈ. કીટ ભેખ ધારણ કરી કોરોનાના દર્દીઓની સારવારની કપરી કામગીરી નિભાવી રહ્યા છે. પી.પી.ઈ. કીટ કલાકો સુધી પહેરી દર્દીઓની વચ્ચે રહેવું, ત્યારબાદ સાવચેતી પૂર્વક કીટ દૂર કરી કોઈને પણ સંક્ર્મણ ન થઈ જાય તેની પણ ચીવટ રાખવી. સાથો – સાથ જો કોરોના સંક્રમિત દર્દીનું કોઈ કારણસર મૃત્યુ થાય તો તેના પરિવારજનોને તે બાબતની જાણ કરી તેમને સંભાળવાની કામગીરી ખૂબ જ કપરી છે. આવા સમયમાં અહિ ફરજ બજાવતાં તમામ આરોગ્યકર્મીઓની ધીરજની કસોટી થાય છે. આ કારણોસર જ છેલ્લા બે મહિના કરતાં વધુ સમયથી ઘર-પરિવારને પણ મળવાનું ટાળ્યું હોવાનું ડો. રાજ જણાવે છે.

હાલની પરિસ્થિતિનો કોઈપણ ભોગે  સામનો કરવા સકારાત્મક વિચાર સાથે ડોક્ટર્સ અને સમગ્ર મેડિકલ ટીમ કોવીડ વિજય મંત્ર સાથે તેમની ફરજનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.

loading…