Screenshot 20200610 222059 01

સુરતની નવી સિવિલમાં ૧૩,૦૦૦ કિ.લિટરની ક્ષમતાવાળી આધુનિક ઓક્સિજન ટેન્ક સ્થાપિત કરાઇ


કોરોનાના દર્દીઓની સારવારમાં મહત્વનું સોપાન : ઓક્સિજન રિઝર્વ લેવલે આવશે એટલે કંપનીને મેસેજ મળી જશે

સુરત, ૦૭ જુલાઈ ૨૦૨૦

સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કોરોનાના દર્દીઓને ઓક્સિજનનો પુરતો પુરવઠો વિના વિક્ષેપે સતત મળતો રહે એ માટે ૧૩,૦૦૦ કિલો લિટરની ક્ષમતાવાળી અત્યંત આધુનિક ઓક્સિજન ટેન્ક ઇન્સ્ટોલ કરવામાં આવી છે. કોરોનાના વધી રહેલા સંક્રમણની સ્થિતિમાં સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટેના તમામ સાધન-સરંજામ પુરા પાડવાની કામગીરી રાજ્ય સરકાર દ્વારા યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે.

વડોદરાની આઇનોક્સ એર પ્રોડક્ટસ પ્રા.લિ. દ્વારા નિર્મિત આ ઓક્સિજન ટેન્ક સુરતમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે નર્સિંગ કોલેજની પાછળના ભાગે સ્થાપિત કરવામાં આવી છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ શ્રીમતી ડૉ.જયંતી રવિના માર્ગદર્શન હેઠળ સ્થાપિત કરાયેલી આ ઓક્સિજન ટેન્ક દ્વારા ઓક્સિજન પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ રહેશે. ટેન્કમાં રહેલો ઓક્સિજન રિઝર્વ લેવલે પહોંચે ત્યારે ટેન્કની ડિજીટલ સિસ્ટમ દ્વારા કંપનીને મેસેજ પહોંચી જશે, જેનાથી કંપની દ્વારા રિફિલીંગની કામગીરી સત્વરે હાથ ધરી શકાશે. આ નવી ઓક્સિજન ટેન્ક આગામી બે દિવસમાં કાર્યરત થઇ જશે.