Manju shri Kidney hospital Nitin Patel Inaugration 1

મંજુશ્રી કંપાઉન્ડ સ્થિત નિર્માણાધીન કિડની હોસ્પિટલનો કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે શુભારંભ

  • ૪૧૮ પથારીની વ્યવસ્થા સાથેની કોરોના ડેડિકેટેડ હોસ્પિટલ દર્દીઓની આરોગ્ય સુખાકારીમાં વધારો કરશે : નાયબ મુખ્યમંત્રી શ્રી
  • મંજુશ્રી કંપાઉન્ડ સ્થિત નિર્માણાધીન કિડની હોસ્પિટલને ફક્ત ૬ દિવસમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારમાટે સંપૂર્ણ સુવિધાઓથી સજ્જ કરાવવામાં આવી
  • સિવિલ મેડિસીટી અને મંજુશ્રી સ્થિત હોસ્પિટલની કૂલ મળીને ૨૧૦૦ થી વધુ પથારી કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે ઉપલબ્ધ

અહેવાલ: અમિતસિંહ ચૌહાણ

અમદાવાદ, ૦૧ ડિસેમ્બર: નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યુ છે કે, રાજ્યમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઇને રાજ્ય સરકાર દ્વારા દર્દીઓને કોઇપણ જાતની હાલાકી ભોગવવી ન પડે તે માટેના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. રાજ્ય સરકારના આ સધન પ્રયાસોના કારણે કોરોના ગ્રસ્ત દર્દીઓની સંખ્યા અન્ય દર્દીઓ કરતા ઓછી રહી છે. રાજ્ય સરકાર કોરોનાના વધતા જતા સંક્રમણ પર નિયંત્રણ મેળવવામાં સફળ રહી છે. તેમણે ઉમેર્ય કે, ગુજરાતમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો ત્યારથી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં કોર કમિટીનું આયોજન કરવામાં આવે છે. આ કોર કમિટીમાં સમગ્ર રાજ્યની કોરોના કામગીરીની સમીક્ષા કરવામાં આવે છે. રાજ્યમાં કોરોના સામેની લડતમાં જરૂરી તમામ વસ્તુઓ દવાઓ, કીટ, સ્ટાફ જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા પણ હાથ ધરવામાં આવે છે.

શ્રી પટેલે કહ્યુ કે, તહેવારોના સમયગાળા બાદ સમગ્ર રાજ્યમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો. અમદાવાદ સિવિલ મેડિસીટીમાં આવેલ કોરોના ડેડિકેટેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં પણ કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા વધી રહી હતી. કોરોનાગ્રસ્ત વધતી સંખ્યાને ધ્યાને રાખીને મેડિસીટીમાં આવેલ કેન્સર, કિડની અને યુ.એન.મહેતા હોસ્પિટલને પણ કોરોના ડેડિકેટેડ હોસ્પિટલમાં પરિણમવામાં આવી હતી.

તેમણે ઉમેર્યુ કે, રાજ્યમાં કોરોનાની અણધારી પરિસ્થિતિ સર્જાય ત્યારે તેની સામેની લડતના અગમચેતીના ભાગરૂપે અમદાવાદ સિવિલ મેડિસીટીની નજીક આવેલ મંજુશ્રી કંપાઉન્ડમાં નિર્માણાધીન કિડની હોસ્પિટલને પણ કોરોના ડેડિકેટેડ હોસ્પિટલમાં કાર્યરત કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો. ફક્ત ૬ દિવસના ટૂંકા સમયગાળામાં ૪૧૮ પથારીની વ્યવસ્થા ધરાવતી કોરોના ડેડિકેટેડ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. જેના આજે કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે શુભારંભ કરાવવામાં આવ્યો છે. આ હોસ્પિટલના કાર્યરત થયા બાદ સિવિલ મેડિસીટી અને તેની નજીકની મંજુશ્રી હોસ્પિટલના કારણે કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારની વ્યવસ્થામાં વધારો થશે.

મંજુશ્રી સ્થિત કોરોના ડેડિકેટેડ હોસ્પિટલનો શુભારંભ કરાવતી વેળાએ દર્દીઓની આરોગ્ય સુખાકારી માટે નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિનભાઇ પટેલે પ્રાર્થના કરી હતી. આ હોસ્પિટલમાં કાર્યરત  ડોનિંગ, ડોફિંગ રૂમ, ૩જા તથા ૪ થા માટે કાર્યરત કોરોના વોર્ડ તેમજ સાતમાં માળે કાર્યરત આઇ.સી.યુ. વોર્ડની પ્રત્યક્ષ મુલાકાત લઇ તેની સમીક્ષા પણ તેમણે કરી હતી.

નાયબ મુખ્યમંત્રી શ્રી નિતનભાઇ પટેલે જણાવ્યુ કે મંજુશ્રી કંપાઉન્ડ સ્થિત કોરોના ડેડિકેટેડ હોસ્પિટલમાં કૂલ ૪૧૮ પથારી કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેમાં ૩૩૬ પથારીને ઓક્સિજન પાઇપલાઇન સાથે જોડવામાં આવે છે. તેમજ ૮૨ પથારી ને આઇ.સી.યુ. વેન્ટીલેટરની સુવિધા સાથે કાર્યરત કરવામાં આવી છે. ભારત સરકાર દ્વારા તાજેતર માં પી.એમ. કેરમાંથી ગુજરાત રાજ્યને ૮૦ વેન્ટીલેટર ભેટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૫૬ વેન્ટીલેટરને મંજુશ્રી સ્થિત કોરોના હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે તેમ શ્રી નિતિનભાઇ પટેલે ઉમેર્યુ હતુ.

Manjushri Kidney Hospital Nitin patel Inaugration,

રાજ્ય સરકારના અધિકારીઓ દ્વારા અમ.મ્યુ.કોર્પો દ્વારા સંકલન કરી ફાયરની એન.ઓ.સી. અને બી.યુ. પરમીશન પણ મેળવવામાં આવી છે.

અમદાવાદ સિવિલ મેડિસીટીની કોરોના ડેડિકેટેડ ૧૨૦૦ હોસ્પિટલમાં હાલ ૬૬૧ દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે. વધુ ૫૧૦ દર્દીઓ સારવાર મેળવી શકે તેવી વ્યવસ્થા ઉપલબ્ધ છે. મેડિસીટી સંકુલમાં આવેલ કોરોના ડેડિકેટેડ કેન્સર હોસ્પિટલના ૧૪૫ બેડ માંથી ૨૩ પથારી હાલ કોરોના દર્દીઓ માટે ખાલી છે.જ્યારે કોરોના ડેડીકેટેડ કિડની હોસ્પિટલની ૧૩૫ માંથી ૬૨ અને યુ.એન. મહેતા હોસ્પિટલની ૧૭૯ માંથી ૫ પથારી કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે ઉપલબ્ધ છે.આમ સિવિલ મેડિસીટીમાં જ કૂલ ૧૭૨૦ કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટેની વ્યવસ્થા માંથી ૬૦૦ જેટલી પથારી હાલની તારીખે ઉપલબ્ધ છે.

તહેવારોના કારણે રાજ્યભરમાં વધેલા કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યાના કારણે સારવારનને લગતી ઉભી થયેલી જરૂરિયાતને રાજ્ય સરકાર દ્વારા ખુબ જ ટૂંકા સમયમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે. રાજ્યના કોઇપણ નાગરિકને સારવાર મેળવવામાં તકલીફ ન પડે , કોઇપણ નાગરિકને રાજ્ય બહાર સારવાર અર્થે જવુ ન પડે તે માટે રાજ્ય સરકાર સંપૂર્ણપણે સજ્જ છે તેમ નાયબ મુખ્યમંત્રી શ્રી એ ઉમેર્યુ હતુ.

હોસ્પિટલના શુભારંભ પ્રસંગે મહેસૂલ વિભાગ ના અગ્રસચિવ શ્રી પંકજકુમાર, આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડૉ.જયંતિરવિ, આરોગ્ય કમિશનર શ્રી જયપ્રકાર શિવહરે, નાણા વિભાગના સતિવ શ્રી મિલિંદ તોરવણે, સિવિલ મેડિસીટીના તમામ ડાયરેક્ટર અને નિષ્ણાંત તબીબોની ઉપસ્થિતિ રહી હતી.