Duplicate Agar batti 6

જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાં એક કારખાનામાંથી ડુપ્લીકેટ અગરબત્તી બનાવવાનું કારખાનું ઝડપાયું

  • કારખાનામાંથી ડુપ્લીકેટ અગરબત્તીઓ નો જથ્થો અને જુદી જુદી મશીનરીઓ સહિત ૧.૬૫ લાખની માલમતા કબજે: દુકાનદાર ની અટકાયત
  • જુદી જુદી ત્રણથી વધુ કંપનીઓની બનાવટી અગરબત્તી બનાવવાનું નેટવર્ક પકડાયું: બે વર્ષમાં એકાદ કરોડ નો માલ વેચી નાખ્યાનું ખુલ્યું
  • અમદાવાદની ખાનગી ડિટેક્ટીવ એજન્સી ની તપાસણી પછી પોલીસ તંત્રને સાથે રાખીને દરોડો પાડ્યો: પોલીસ દ્વારા ઉંડાણપૂર્વકની તપાસ

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર, ૦૫ ઓક્ટોબર: જામનગર શહેરમાં ડુપ્લીકેટ અગરબત્તી બનાવવાનું એક કારખાનું ઝડપાયું છે, અને ઉપરોક્ત કારખાનામાંથી ડુપ્લીકેટ અગરબત્તીઓ નો જથ્થો અને તેને બનાવવા માટેની મશીનરીઓ સહિતની રૂપિયા એક લાખ પાંસઠ હજારની માલમતા પોલીસે કબજે કરી લઇ ડુપ્લીકેટ અગરબત્તી બનાવનાર વેપારીની અટકાયત કરી લીધી છે, અને તેની સામે સીટી-સી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. ખાનગી ડિટેક્ટીવ એજન્સી ની તપાસ દરમિયાન સમગ્ર મામલો સામે આવતાં પોલીસ તંત્રની સાથે રાખીને કાર્યવાહી કરવામાં આવી હતી. છેલ્લા બે વર્ષના સમયગાળા દરમિયાન જુદી-જુદી ત્રણ કંપનીઓ ની બનાવટી અગરબત્તી તૈયાર કરી એકાદ કરોડ નો માલ જામનગર સહિતના માર્કેટમાં ઘુસાડી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે અમદાવાદમાં નવરંગપુરામાં રહેતા અને ઓલવેઝ ડિટેક્ટિવ સર્વિસ નામની પ્રાઇવેટ ઇન્વેસ્ટિગેશન એજન્સી ના મુખ્ય ડિટેક્ટીવ અભિષેક વસંતકુમાર રામી ને ચોક્કસ માહિતી મળી હતી કે જામનગર શહેરમાં જુદી જુદી કંપનીઓની અગરબત્તી ના નામની ડુપ્લીકેટ અગરબત્તીઓ બનાવવામાં આવી રહી છે, અને તેનું વેચાણ થઈ રહ્યું છે. જેના આધારે ડિટેક્ટિવ એજન્સી ના પાંચેક જેટલા સભ્યોએ છેલ્લા બે-ત્રણ દિવસથી જામનગરમાં ધામા નાખ્યા હતા, અને અલગ-અલગ દુકાનોમાં અગરબત્તીના પેકેટો ખરીદ કરીને તેની ચકાસણી કરી હતી. જેમાં તેઓને ડુપ્લીકેટ અગરબત્તી ઉત્પાદિત થતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

જેથી તેઓએ વેપારીઓના સંકલન કરતા આખરે મુખ્ય ઉત્પાદન ના સ્થળ સુધી પહોંચ્યા હતા. ડિટેક્ટિવ એજન્સી ની તપાસ દરમિયાન જામનગરમાં હીરજી મિસ્ત્રી રોડ પર મહાવીર એપાર્ટમેન્ટમાં રહેતા અને જામનગરના ગોકુલ નગર નજીક ખાખીનગર વિસ્તારમાં પ્લોટ નંબર ૨૦ માં અગરબત્તી બનાવવાનું કારખાનું ચલાવતા ધર્મેન્દ્ર રજનીકાંત ભાઈ શાહ નામના વેપારી ના કારખાના મા માં ચેક કરતા ડુપ્લીકેટ અગરબત્તી બનાવવાનું કારસ્તાન સામે આવ્યું હતું.

જ્યાં અગરબત્તીના પેકેટો,અને તેને તૈયાર કરવા માટેના મશીનો લગાવેલા હતા. ઉપરાંત અગરબત્તીના માલસામાન નો જથ્થો અને અગરબત્તીના ઓરીજનલ પેકેટો પણ મળી આવ્યા હતા.

ડીટેક્ટિવ એજન્સી ને મળેલી ચોક્કસ માહિતીના આધારે દુકાનદાર પોતાની “ધામ અગરબત્તી” નામની પેઢી માં સ્લીપ વેલ અગરબતી ની નકલ બનાવવાનું કારસ્તાન ચાલતું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જે કંપનીની અગરબત્તી નું પેકેટ ૮૨ રૂપિયા મા બજારમાં મળે છે તેજ અગરબત્તીનું ડુપ્લીકેટ પેકેટ તૈયાર કરીને માત્ર ૩૦ રૂપિયામાં જ વેપારીઓને વેચાણ કરવામાં આવતું હોવાનું માલુમ પડ્યું હતું.

Advt Banner Header

જેથી સમગ્ર મામલો સીટી-સી ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને ડિટેક્ટિવ એજન્ટ અભિષેક વસંતકુમાર રામીએ સીટી સીટી પોલીસ મથકમાં ધર્મેન્દ્ર રજનીકાંત શાહ સામે ફરિયાદ નોંધાવતાં સીટી-સી ડિવિઝન પોલીસે સમગ્ર મામલે કોપીરાઇટ એક્ટ ૧૯૫૭ ની કલમ ૬૩ તેમજ ૬૫ મુજબ ગુનો નોંધ્યો છે. ઉપરાંત અગરબત્તી બનાવવાના કારખાનામાં થી રૂપિયા એક લાખ વીસ હજારની કિંમતની ડુપ્લીકેટ અગરબત્તીઓ ના તૈયાર પેકેટ તેમજ અગરબત્તી તૈયાર કરવાની મશીનરીઓ તેમજ તેને લગતી જુદી-જુદી સામગ્રી વગેરે મળી ૧,૬૫,૧૮૪ ની માલમતા કબજે કરી લીધી છે. અને વેપારીની વધુ પૂછપરછ હાથ ધરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં દરમિયાન ઉપરોક્ત વેપારીએ છેલ્લા બે વર્ષથી વધુ સમયથી આ કારસ્તાન શરૂ કર્યું હોવાનું માલુમ પડયું છે. અને જામનગર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અંદાજે એક કરોડથી વધુની ડુપ્લીકેટ અગરબત્તીઓ ઘૂસાડી દીધી હોવાનું પણ જાણવા મળ્યું છે. જે મામલે સીટી સી. ડિવિઝન ની પોલીસ ટીમ વધુ તપાસ ચલાવે છે.

loading…